News of Tuesday, 25th February 2025
ડીસા ટ્રાફિક પોલીસનું પરાક્રમ : રિક્ષા ચાલકને હેલ્મેટ નહિ પહેરવા બદલ 12 હજારનો મેમો પકડાવી દીધો
ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના ટ્રાફિક પોલીસે તેમની રિક્ષાને અટકાવી બાદ બળવંતજીને રૂ. 12 હજારના દંડનો મેમો પકડાવી દેવામાં આવ્યો

ડીસા : રાજય સરકારે નવા મોટર વ્હીકલ એક્ટમાં હેલ્મેટ પહેર્યા વિના ટૂ-વ્હીલર હંકારનારને ભારે દંડ ફટકારવાની જોગવાઈ કરી છે. ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ પહેર્યા વિના નીકળેલા લોકો પાસેથી દંડની વસૂલાત કરવાના અનેક સમાચારો સામે આવી ચૂક્યા છે. એવામાં બનાસકાંઠા જિલ્લાની ડીસા પોલીસની ઘેર બેદરકારી સામે આવી છે. જેમાં ડીસા ટ્રાફિક પોલીસે હેલ્મેટ પહેર્યા વિના રિક્ષા હંકારનાર ડ્રાઈવરને 12 હજાર રૂપિયાનો મેમો પકડાવી દીધો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત 19 ફેબ્રુઆરીના રોજ બળવંતજી વાઘેલા પોતાની રિક્ષા નંબર GJ-08-AV-2448 લઈને સુભાષ ચોક નજીકથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના ટ્રાફિક પોલીસે તેમની રિક્ષાને અટકાવી હતી. જે બાદ બળવંતજીને રૂ. 12 હજારના દંડનો મેમો પકડાવી દેવામાં આવ્યો હતો.
આ મેમોમાં જાહેરમાં ઊંચા અવાજે સાઉન્ડ વગાડવાનું કારણ દર્શાવ્યું છે. આ સાથે જ મેમોમાં લાઈસન્સ વિના વાહન ચલાવવા અને હેલ્મેટ પહેર્યું ના હોવાના કારણ ઉપર પણ ટીક કરવામાં આવી છે.
આટલું નહીં, એવું કહેવાય છે કે, બળવંતજી આવો મેમો લઈને RTO કચેરીએ ભરવા ગયા, તો ત્યાં પણ અધિકારીઓએ જોયા વિના દંડ વસૂલ કર્યો હતો. એવામાં ટ્રાફિક પોલીસ અને RTO અધિકારીઓની કાર્યવાહી પર સવાલ ઉઠી રહ્યા છે.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
