News of Thursday, 27th February 2025
હવે શાળા સહાયકની પણ આઉટસોર્સથી ભરતી કરાશે
રૂપિયા ૨૧,૦૦૦ના માસિક પગારથી ૩૦૦થી વધુ સંખ્યા ધરાવતી શાળાઓમાં સહાયકની નિમણૂક કરવામાં આવશે

અમદાવાદ, તા.૨૭: રાજ્યની સ્કૂલોમાં થતી કરાર આધારિત ભરતીમાં આઉટસોર્સને એન્ટ્રી આપી ખાનગી એજન્સીઓને ઘી-કેળા કરાવવા માટે ડિસેમ્બર ૨૦૨૧માં ઘડાયેલા તખ્તાનો આખરે અમલ કરવા શિક્ષણ વિભાગે ઠરાવ પ્રસિદ્ધ કર્યો હતો. જે મુજબ, સિકયુરિટી અને પટાવાળાની માફક હવે સ્કૂલોમાં શાળા સહાયક આઉટસોર્સથી ભરવામાં આવશે. રૂપિયા ૨૧,૦૦૦ના માસિક પગારથી ૩૦૦થી વધુ સંખ્યા ધરાવતી શાળાઓમાં સહાયકની નિમણૂક કરવામાં આવશે. ઓછી સંખ્યા હશે તો ભૌગોલિક વિસ્તારને પણ ધ્યાનમાં લેવામાં આવશે.
રાજ્યની સરકારી અને ગ્રાન્ડેટ શાળામાં શિક્ષકોની ખાલી જગ્યામાં ૧૧ માસના કરાર આધારિત શિક્ષક નિમવામાં આવે છે. વર્ષ ૨૦૨૩ સુધી કરાર આધારિત શિક્ષકને પ્રવાસી શિક્ષક તરીકે ઓળખવામાં આવતા હતા અને તેઓની નિયુક્તિ જિલ્લા કક્ષાએ થતી હતી. વર્ષ ૨૦૨૩માં પ્રવાસી યોજનામાં ફેરફાર કરી વેતનના વધારા સાથે જ્ઞાન સહાયક યોજના દાખલ કરવામાં આવી હતી.
આ યોજના શરૂ થાય તે પહેલા ડિસેમ્બર ૨૦૨૧માં તત્કાલિન શિક્ષણ પ્રધાન દ્વારા પ્રવાસી શિક્ષકોને ૨૭૦૦૦ જેટલું વેતન આપવાની જાહેરાત કરી હતી. તે સમયે આખી યોજના ઘડાઈ ગઈ હતી પરંતુ કોઈ કારણોસર લાગુ થઈ શકી નહોતી. આ પછી જ્ઞાન સહાયક યોજના લાગુ કરવામાં આવી. જેમાં કેન્દ્રીયકળત ભરતી અત્યારે થાય છે. જોકે હવે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની પ્રાથમિક શાળામાં કરાર આધારિત શિક્ષણ સહાયક ભરવાની જાહેરાત કરવામાં આવી છે. જે આઉટસોર્સ એજન્સી દ્વારા ભરવામાં આવશે.
શિક્ષણ સહાયકની નિમણૂકમાં માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના તાાતક સહિત બીએડની ડિગ્રી હોવી ફરજીયાત છે. એજન્સી દ્વારા પસંદ થનારા ઉમેદવારની વય મર્યાદા ૩૮ વર્ષથી વધુ ન હોવી જોઈએ. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ફાળવ્યા છે કે કેમ એ જોવાની સંપૂર્ણ જવાબદારી તાલુકા અને જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીની રહેશે. કામગીરી યોગ્ય ન હોય તો નોટિસ આપ્યા વગર જ છૂટા કરી શકાશે. આ નવી બાબત મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટના સમયગાળા દરમિયાન એટલે કે ૨૦૨૭-૨૮ સુધી રહેશે. આ પછી વિચારણા કરાશે
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
