<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

મહેસાણા જિલ્લા કલેકટર દ્વારા પરિપત્ર: હવે મહેસૂલી કર્મચારી ઉચ્ચ અધિકારીની પૂર્વ મંજૂરી સિવાય રજા ઉપર નહીં જઇ શકે

તમામ અધિકારીઓ અને કલેક્ટર કચેરીના કર્મચારીઓએ કે પછી તાલુકા કે અન્ય કચેરીના કર્મચારીઓ કચેરીના વડાનું અને રજા મંજૂર કરનાર સત્તાધિકારીનું ધ્યાન દોર્યા સિવાય રજા પર જશે તો શિસ્ત વિષયક કાર્યવાહી કરાશે

મહેસાણા જિલ્લામાં મહેસૂલી કામગીરી સાથે સંકળાયેલા કલેક્ટર અને મામલતદાર સહિતની કચેરીઓના અધિકારી અને કર્મચારીઓ ગમે ત્યારે રજા ઉપર ઉતરી જતાં અને સામાન્ય લોકોનું કામ રઝળી પડતું, કેટલાક કિસ્સાઓમાં તો દૂરથી આવેલા અરજદારને કચેરીનો ધક્કો પણ થતો હતો

   કલેક્ટર શૈલેશભાઈ પ્રજાપતિ દ્વારા ત્રણ દિવસ પૂર્વે કરાયેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ, જિલ્લામાં મહેસૂલી કામગીરી સાથે સંકળાયેલા તમામ અધિકારી, કર્મચારીઓને સાથી એપ્લિકેશન અથવા સીએલ કાર્ડ દ્વારા રજા અરજી રજૂ કરવાથી રજા મંજૂર થયેલાનું કોઈએ પણ માની લેવાનું રહેશે નહીં. પરચૂરણ કે અન્ય કોઈપણ પ્રકારની રજામાં સાથી એપ્લિકેશન ઉપર રજા મૂકતાં પહેલાં કલેક્ટરને રજા અંગે ટેલીફોનિક જાણ કરવાની રહેશે અને ખાસ કિસ્સામાં તેમની રૂબરૂ મુલાકાત લઈને પરવાનગી પણ મેળવવાની રહેશે. 

  જિલ્લાના અધિકારી કે કર્મચારીઓ રજા મંજૂર કરનાર સત્તાધિકારીને પૂર્વ જાણ કર્યા સિવાય અને તેમની પરવાનગી સિવાય રજા ઉપર જતાં હોવાના અવારનવાર કિસ્સા ધ્યાને આવેલા છે, જેને લઈ 7 પ્રકારની સૂચનાઓ પરિપત્ર થકી આપવામાં આવી છે. જેમાં તમામ પ્રકારની રજાઓ મંજૂર કરવા અંગેની કામગીરી ફક્ત કર્મયોગી એપ્લિકેશન ઉપર જ કરવાની રહેશે. કર્મયોગી પોર્ટલમાં રજા મંજૂર કરાવ્યા બાદ અધિકારીનું અંગત ધ્યાન દોરી રજા ઉપર જવાનું રહેશે. એપ્લિકેશનમાં તેમના ઉપરી અધિકારીએ ચાર્જ ટ્રાન્સફરના કોલમમાં ચાર્જ કોને આપવાનો થશે તેનો ઉલ્લેખ કરવાનો રહેશે. 

  તમામ ક્લાસ વન અને ટુના અધિકારીઓની ઓનલાઈન મંજૂર થયેલ તમામ પ્રકારની રજાઓના હુકમની નકલ મહેકમ શાખામાં આપવાની રહેશે. તમામ અધિકારીઓ અને કલેક્ટર કચેરીના કર્મચારીઓએ કે પછી તાલુકા કે અન્ય કચેરીના કર્મચારીઓ કચેરીના વડાનું અને રજા મંજૂર કરનાર સત્તાધિકારીનું ધ્યાન દોર્યા સિવાય રજા પર જશે તો શિસ્ત વિષયક કાર્યવાહી કરાાશેની તાકીદ કરાઇ છે.

(2:14 PM IST)