<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd March 2025

છોટાઉદેપુરમાં પ્રેમલગ્ન કરનાર યુવક અને તેના પરિવારજનોને ગામ-સમાજમાંથી બહાર કરાયાઃ ૯ લાખનો દંડ

યુવતી-યુવક બંને એક જ કુટુંબના હોવાથી લગ્‍ન ન થાયઃ યુવતીના પરિવારજનો

અમદાવાદઃ છોડાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના આંબાખૂટ ગામમાં રહેતા કાજર જયંતિ બારિયાને ફળિયામાં રહેતી એક યુવતી સાથે પ્રેમ થઇ જતાં બંનેએ ભાગીને લગ્ન કરી લીધા હતાં. યુવતી લાપત્તા થઈ જતા સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો હતો અને કાજરે યુવતી પોતાની પાસે હોવાની કબૂલાત કરી હતી. યુવક અને યુવતી બંને એક જ કુંટુંબના હોવાથી લગ્ન ન થઇ શકે તેવું જણાવી યુવતીના પરિવારજનો યુવતીને પરત માંગી રહ્યા છે.

આ દરમિયાન સમગ્ર મામલો આદિવાસીઓના પંચ સમક્ષ પહોંચ્યો હતો. યુવતીને પરત ઘેર જતા રહેવા જણાવતા યુવતીએ યુવક સાથે રહેવાનું પસંદ કર્યુ હતું જેથી પંચે યુવક અને તેના પરિવારજનોને ગામ અને સમાજમાંથી બહાર કરવાનો ઠરાવ કર્યો હતો અને યુવકે રૂપિયા 9 લાખ આપવાનું નક્કી કર્યું હતું.

યુવકે જણાવ્યું કે, સમાજના નિયમ મુજબ રૂપિયા 1.75 લાખ સુધી દાવો આપવાનો હોય છે પરંતુ આ લોકોએ રૂપિયા 10 લાખની માંગણી કરી આખરે રૂપિયા 9 લાખ નક્કી કર્યા હતા અને ગામની કોઇ પણ વ્યક્તિ અમારા ઘેર આવે તો તેને રૂપિયા 25 હજારના દંડનો ઠરાવ કર્યો હતો. અમે ઠરાવની કોપી માંગીએ તો આપતા નથી. પંચના આદેશના કારણે અમારે ગામની બહાર રહેવું પડે છે. ગામની સીમમાં મકાઇનો પાક છે પરંતુ તે રસ્તો પણ બંધ કરી દેતા ત્યાં જઇ શકતા નથી. ઉલ્લેખનીય છે કે યુવક દ્વારા સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર સમક્ષ ન્યાયની માંગણી કરવામાં આવી છે.

(3:05 PM IST)