<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

આજથી તમામ શાળાનાં બાલવાટિકાથી લઈ ધો.૨ના વિદ્યાર્થીઓનું મૂલ્‍યાંકન

ડિસેમ્‍બરમાં ધો.૩, ૬ અને ૯ના વિદ્યાર્થીઓની સર્વેક્ષણ પરીક્ષા લેવાઈ હતી : GCERT દ્વારા વાર્ષિક સર્વેક્ષણમાં વાંચન, લેખન, ગણનનું મૂલ્‍યાંકન કરવા સૂચના અપાઈ

અમદાવાદ, તા.૩: રાજ્‍યની તમામ શાળાઓમાં બાલવાટિકાથી લઈને ધોરણ-૨માં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓનું આજથી મૂલ્‍યાંકન કરવાની કામગીરી શરૂ કરાશે. નિપુણ ભારત અંતર્ગત GCERT દ્વારા હાથ ધરવામાં આવનારા વાર્ષિક સર્વેક્ષણમાં બાળકોના વાંચન, લેખન અને ગણનનું મૂલ્‍યાંકન કરવામાં આવશે. સોમવારથી શરૂ થનારી આ કાર્યવાહી ૨૧ માર્ચ સુધીમાં પૂર્ણ કરવા માટે આદેશ આપવામાં આવ્‍યો છે. શિક્ષકો દ્વારા વ્‍યક્‍તિગત અને સામુહિત પ્રવૃત્તિ દ્વારા બાળકોનું મૂલ્‍યાંકન કરવામાં આવશે અને ત્‍યારબાદ વ્‍યક્‍તિગત ઉપચારાત્‍મક શિક્ષણ કાર્ય હાથ ધરાશે. નવા શૈક્ષણિક વર્ષથી બાળક ધોરણ-૩માં જાય ત્‍યારે તે ધોરણ અનુરૂપ વાંચન, લેખન અને ગણન કરી શકે તે માટે આ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્‍યું છે.

પ્રાપ્‍ત માહિતી અનુસાર, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના ભાગરૂપે કેન્‍દ્ર સરકાર દ્વારા નિપુણ ભારત મિશન શરૂ કરવામાં આવ્‍યું છે. આ મિશન અંતર્ગત ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા રાજ્‍ય વ્‍યાપી સર્વેક્ષણ હાથ ધરવામાં આવી રહ્‍યું છે. NEP–૨૦૨૦ની અપેક્ષા મુજબ દરેક બાળક પોતાના ધોરણ અનુરૂપ અધ્‍યયન નિષ્‍પત્તિઓ પ્રાપ્‍ત કરે તે જરૂરી છે. દરેક બાળક પોતાના ધોરણ મુજબનાં વાંચન, લેખન, ગણન કૌશલ્‍યોમાં નિપુણતા પ્રાપ્‍ત કરે એ માટે રાજ્‍ય સરકારનો શિક્ષણ વિભાગ સતત પ્રયાસો કરી રહ્‍યું છે. જેના ભાગરૂપે રાજ્‍યની તમામ શાળાઓમાં બાલવાટિકા, ધોરણ-૧ અને ધોરણ-૨માં અભ્‍યાસ કરતાં તમામ બાળકોને વાર્ષિક સર્વેક્ષણ હેઠળ આવરી લેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

રાજ્‍યમાં આગામી જૂનથી શરૂ થનારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં ધોરણ-૩માં પ્રવેશતા તમામ બાળકો પોતાના ધોરણને અનુરૂપ વાંચન, લેખન અને ગણન કરી શકે તેવું રાજ્‍ય સરકારનો શિક્ષણ વિભાગ સુનિશ્‍ચિત કરવા માંગતું હોવાના લીધે આ સર્વેક્ષણ કરવાનું આયોજન કરાયું છે. આ સર્વેક્ષણ સોમવારથી રાજ્‍યની સ્‍કૂલોમાં શરૂ કરવામાં આવશે. સોમવારથી શરૂ થનારું સર્વેક્ષણ ૨૧ માર્ચ સુધી ચાલશે. આ સર્વેક્ષણ દરમિયાન જે તે શિક્ષક દ્વારા વિવિધ વ્‍યક્‍તિગત અને સામૂહિક પ્રવૃત્તિઓ દ્વારા પોતાના ધોરણનાં તમામ બાળકોનું વાંચન, લેખન અને ગણન અંતર્ગત મૂલ્‍યાંકન કરવામાં આવશે. આ મૂલ્‍યાંકન બાદ સંબંધિત શિક્ષક દ્વારા બાળકોની જરૂરિયાત મુજબ વ્‍યક્‍તિગત ઉપચારાત્‍મક શિક્ષણ કાર્ય હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત વિદ્યા સમીક્ષા કેન્‍દ્ર દ્વારા વિકસાવાયેલી વાંચન સમીક્ષા નામની એપ્‍લિકેશનના માધ્‍યમથી ધોરણ-૨ બાળકોની વાંચન ઝડપનું મૂલ્‍યાંકન પણ સર્વેક્ષણ હેઠળ કરવામાં આવનાર છે. આ સર્વેક્ષણ અંગે શિક્ષકો, CRC તથા BRC કો-ઓર્ડિનેટર, BRP, DPEO – DEO તેમજ DIET પ્રાચાર્યો અને વ્‍યાખ્‍યાતાઓને માર્ગદર્શન આપવા માટે GCERT દ્વારા તાજેતરમાં જ બાયસેગના માધ્‍યમથી એક ટેલિકોન્‍ફરન્‍સનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સર્વેક્ષણ હેઠળ કઈ રીતે કામગીરી કરવાની રહેશે તેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્‍યું હતું.

રાજ્‍યની સરકારી, ગ્રાન્‍ટેડ અને ખાનગી શાળાઓના ધો.૩, ૬ અને ૯ના વિદ્યાર્થીઓ માટે ૪ ડિસેમ્‍બર, ૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય સર્વેક્ષણ પરીક્ષા લેવામાં આવી હતી. શાળાઓમાં બાહ્‍ય મૂલ્‍યાંકનકાર દ્વારા કસોટી લેવાનું આયોજન કરાયું હતું. શાળાઓમાં બાહય મૂલ્‍યાંકનકાર દ્વારા ધો. ૩, ૬ અને ૯ પૈકી જે તે શાળામાં પસંદ થયેલા વર્ગોમાં કસોટી યોજવામાં આવી હતી. ઉપરાંત પસંદ થયેલા ધોરણવાર વિષય શિક્ષકો, શાળાના મુખ્‍ય શિક્ષક અને વિદ્યાર્થીઓના પણ પ્રતિભાવ મેળવવામાં આવ્‍યો હતો. આમ, ડિસેમ્‍બરમાં ધોરણ-૩, ૬ અને ૯ના વિદ્યાર્થીઓ માટે સર્વેક્ષણ પરીક્ષા લેવામાં આવ્‍યા બાદ હવે બાલવાટિકાથી લઈને ધોરણ-૨ના વિદ્યાર્થીઓનું મૂલ્‍યાંકન કરવામાં આવશે.(૨૩.૬)

(10:36 AM IST)