<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી ફિક્સ પગારમાં કોઈ વધારો નહીં

હજારો અરજીઓ મળીઃકોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકારની ફિક્સ પગારની નીતિ મુદ્દે સવાલો કર્યા હતા

અમદાવાદ,તા.૩

ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાનની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવાની માંગ ઊઠી રહી છે, ત્યારે ગુજરાત વિધાનસભામાં આજે સોમવારે તારાંકીત પ્રશ્નોતરીમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકારની ફિક્સ પગારની નીતિ મુદ્દે સવાલો કર્યા હતા. જેને લઈને નાણાં મંત્રી કનુ દેસાઈએ જવાબમાં ફિક્સ પગારના કર્મચારીઓના પગાર વધારા અને સરકારને મળેલી અરજીઓ મામલે જણાવ્યું હતું.

ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય શૈલેષ પરમારે ફિક્સ પગારની નીતિ મામલે સરકારને સવાલો કર્યા હતા. જેમા તેમણે કહ્યું હતું કે, 'રાજ્યમાં ફિક્સ પગારની નીતિ ક્યારથી અમલમાં છે? ફિક્સ પગાર હેઠળના કર્મચારીઓના ફિક્સ પગારમાં છેલ્લે ક્યારે વધારો કરવામાં આવ્યો? અને છેલ્લા બે વર્ષમાં ફિક્સ પગારમાં વધારો કરવાને લઈને કેટલી રજૂઆત આવી છે?'

ધારાસભ્યના સવાલો સામે નાણાં મંત્રીએ જવાબ આપતા કહ્યું કે, 'રાજ્યમાં ૧૫ ફેબ્રુઆરી ૨૦૦૫ની સ્થિતિથી ફિક્સ પગારની નીતિ અમલમાં છે. નાણાં વિભાગના ૧૮ ઓક્ટોબર, ૨૦૨૩ના ઠરાવથી ૦૧ ઓક્ટોબર ૨૦૨૩ની અસરથી ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ફિક્સ પગારમાં વધારો કરવા ૫૨૨૮ અરજીઓ સરકારને મળી છે.

(9:45 PM IST)