News of Tuesday, 4th March 2025
વડોદરામાં રમઝાનમાં બાળકોના શાળાના સમયમાં ફેરફાર નહીં: હિન્દુ સંગઠનોની ચીમકી બાદ વિવાદિત પરિપત્ર રદ્દ
રમઝાન માસના વિવાદિત પરિપત્ર મામલે શિક્ષણ સમિતિ ખાતે વિશેષ બેઠક મળી જેમાં પરિપત્ર રદ કરવાનો નિર્ણય લેવાયો

વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા હાલ ચાલી રહેલ રમઝાન માસને લઈને વિવાદિત પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. જેના પગલે વિવાદ સર્જાયો હતો અને વિશ્વ હિન્દુ પરિષદ સહિત હિન્દુ સંગઠનો મેદાનમાં આવી વિરોધ નોંધાવતા આખરે રમઝાન માસના વિવાદિત પરિપત્ર મામલે શિક્ષણ સમિતિ ખાતે વિશેષ બેઠક મળી હતી, જેમાં પરિપત્ર રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
વડોદરા મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રમઝાન માસને લઈને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં રમઝાન માસમાં મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય તેવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળાઓના વિદ્યાર્થીઓને મોડા આવવા અને વહેલા છૂટવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
જો કે આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે શાસનાધિકારી શ્વેતાબેન પારગીને આવેદનપત્ર પાઠવી આ પરિપત્ર રદ કરવા માંગણી કરી હતી. જો તેમ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્વેતા પારગીએ રમઝાન માસના વિવાદિત પરિપત્ર મામલે જણાવ્યું કે, વર્ષોથી ચાલતી પરંપરા અનુસાર આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. મુસ્લિમ બાળકો જે શાળામાં વધુ ભણે છે એમની અરજી આવી હતી અને એના આધારે અમે પરિપત્ર કર્યો હતો. આજની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, માર્ચ મહિનો શરુ થઇ ગયો છે. માર્ચ અને એપ્રિલ બે જ મહિના આપણી પાસે હોય શાળા સમય ફેરફાર અંગેના તમામ પરિપત્ર રદ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો અને આવતા વર્ષ માટે આવા કોઈ પરિપત્ર હોય તો અધ્યક્ષની મંજૂરી લીધા બાદ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
