News of Tuesday, 4th March 2025
નર્મદા પંચકોષી પરિક્રમામાં નાવડીના ટેન્ડરને લઈ વિવાદ: 70 થી વધુ સ્થાનિક નાવિકોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું
ગત વર્ષે પણ ચાલું પરિક્રમામાં આ સ્થાનિકો રોષે ભરાઈને નાવડીયો અટકાવી હતી ત્યારે તંત્ર દ્વારા આવતા વર્ષે મોકો આપવા જણાવ્યું હતું, બીજા વર્ષે પણ દગો થયાનો સ્થાનિક નાવિકોનો આક્ષેપ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: આગામી ફાગણસુદ અમાસ 29 તારીખથી શરૂ થનારી નર્મદા પંચકોષી પરિક્રમાને લઈને તંત્ર તડામાર તૈયારીઓમાં જોતરાઈ ગયું છે. અને આના આયોજન બાબતે બેઠકો પણ શરૂ થઈ ગઈ છે. લાખોની સંખ્યામાં પરિક્રમાવસીઓ આવતા હોય આ મીનીકુંભ સમી નર્મદા પરિક્રમામાં કોઈ મુશ્કેલી ના પડે એ માટે મુખ્ય મંત્રી કચેરી પણ રસ દાખવી જરૂરી સૂચનાઓ તંત્ર ને આપી છે.પ્રભારી સચિવ પણ આ બાબતે વિઝિટ કરી ચૂક્યા છે.આટલી તૈયારીઓ વચ્ચે નદી ઓળંગવાની બે જગ્યાઓમાં નાવડીઓને લઈને દરવર્ષે તકરાર જોવા મળે છે. ગત વર્ષે પણ આ માટે વિવાદ થયો હતો અને આ વર્ષે પણ વિવાદ થતા 70 જેટલા નાવિકો એ જિલ્લા કલેક્ટર કચેરીએ આવી લેખિત રજૂઆત કરી રીટેન્ડર કરવાની માંગણી કરી છે.
જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા આવેલ 70 જેટલા રામપુરા, રેંગણ, વાસણ સહિત ગામના સ્થાનિક નાવિકોએ રજૂઆત કરી કે નર્મદા પરિક્રમાનો આ મહિનો અમારે માટે કમાવવાની તક છે.જેથી અમારે આખું વર્ષ બે પૈસા ભેગા કરી શકીએ, પણ છેલ્લા બે ત્રણ વર્ષોથી અમારી સાથે છેતરપિંડી થાય છે. અમને સ્થાનિકો ને છોડી બીજાને મંજૂરી આપે છે. ગત વર્ષે અમને આવતા વર્ષે તમને ચાન્સ આપીશું તેવી લોલીપોપ આપી હતી પણ આ વર્ષે અમને ટેન્ડર માં અંધારામાં રાખી બીજાને ટેન્ડર આપી દીધું જે બિલકુલ વ્યાજબી નથી. અમને NIWS ના સર્ટિફિકેટની વાત કરી સામે વાળાને મત્સ્યોધ્યોગ ના લાયસન્સ પર ટેન્ડર આપી દીધું, પણ મત્સ્ય ઉદ્યોગના લાયસન્સ તો અમારી પાસે પણ છે.તો કેમ અમને તક નથી અપાતા..અમે સ્થાનિકો જ પરિક્રમામાં ભક્તોની સેવા કરીએ છીએ અન્ય કોઈ મુશ્કેલી પડે તો માનવતાની દ્રષ્ટિએ અમે મદદરૂપ થયા છે માટે તંત્ર પોતાની માનવતા સમજી રિટેન્ડર કરી અમને તક આપે નહી તો અમે ઉગ્ર વિરોધ કરીશું અને આંદોલન પણ કરીશું તેવી ચીમકી આપતા આ વર્ષે પણ વિવાદ વકર્યો છે
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
