News of Wednesday, 5th March 2025
ફીજીયોથેરાપીસ્ટ ડોકટરે મહિલા દર્દીને બેભાન બનાવી ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું : પૈસા અને દાગીના પડાવ્યા
મહીલાને બાટલો ચઢાવવાનું કહીને બાટલામાં બેભાન થવાનું ઇન્ઝેક્શન આપીને બેભાન કરી:નિર્વસ્ત્ર કરી ફોટા પાડી લીધા:ફોટો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરીને હોટલમાં ચારથી પાંચ વખત દુષ્કર્મ ગુજાર્યું :મહિલા પાસેથી રૂ. 4 લાખ અને દાગીના પણ પડાવી લીધા

અમદાવાદમાં ફીજીયોથેરાપીસ્ટ ડોક્ટર પાસે સારવાર માટે આવતી પરિણીત મહિલાને વિશ્વાસમાં લઈ પહેલા આરોપીએ પૈસા પડાવ્યા, બાદમાં તેના ફોટો પાડ્યા અને શરૂ કરી બ્લેકમેલિંગની ગંદી રમત. પરિણીતાને હોટલમાં લઈ જઈ ધમકીઓ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું, જોકે પરિણીતાને સહન ન થતા ફરિયાદ નોંધાવી અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે
મણીનગર પોલીસે નિલેશ નાયક નામના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરની ધરપકડ કરી છે. આરોપીનો વ્યવસાય દર્દીઓની સેવાનો હોય જોકે તેણે એક પિશાચ જેવું કૃત્ય આચરતા પોલીસે તેની ધરપકડ કરી છે. આ આરોપીએ મહિલા દર્દી સાથે સારવારના બહાને સંબંધ કેળવી દુષ્કર્મ ગુજાર્યું હતું. ઝડપાયેલા ડોકટરે મહીલાને બાટલો ચઢાવવાનું કહીને બાટલામાં બેભાન થવાનું ઇન્ઝેક્શન આપીને બેભાન કરી દીધી હતી. જે બાદ નિર્વસ્ત્ર કરી ફોટા પાડી લીધા. જે ફોટો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરીને મહિલા પાસેથી રૂ. 4 લાખ અને દાગીના પણ પડાવી લીધા હતા. ઉપરાંત મણિનગર હોટલમાં લઇ જઇને ચારથી પાંચ વખત દુષ્કર્મ આચર્યુ હતુ. આ અંગે મહિલાએ ડોકટર સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. જેથી પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
મહિલા દર્દીને ડાયાબીટીસ, ચામડીના રોગની બિમારી હોવાથી તેઓ અવારનવાર સારવાર કરાવવા આરોપી પાસે જતી હતી. પહેલા તે મણિનગરના એક હોસ્પિટલમાં નોકરી કરતો હતો, બાદમાં તે નિકોલની હોસ્પિટલમાં નોકરી લાગ્યો, જોકે મહિલા નારોલ પાસે રહેતી હોવાથી નિકોલ ન જઈ શકતા ફોન પર સારવાર અંગે વિગતો મેળવતી હતી. તે સમયગાળા દરમિયાન બંને વચ્ચે વાતચીત થતી હતી. થોડા સમય બાદ ફિઝીયોથેરાપીસ્ટ ડો. નિલેશકુમાર નાયકે નારોલમાં શ્રીજી ક્લિનિક શરૂ કર્યું અને ત્યાં જ તેણે મહિલા સાથે ગંદુ કૃત્ય આચરી નાખ્યું. પહેલા તો તેણે પોતાની સારવારનું બહાનું કાઢીને મહિલા પાસેથી 2 લાખ રૂપિયા મેળવ્યા અને બાદમાં સારવાર માટે આવી મહિલા દર્દીના દાગીના મેળવી બરોબર સગેવગે કરી નાખ્યા. જોકે બાદમાં મહિલાએ પોતાના રૂપિયા અને દાગીના માંગતા આ ડોક્ટરે પોતાનો રંગ બતાવવાનું શરૂ કર્યું અને તેના ફોટો પાડી વાયરલ કરવાની ધમકીઓ આપી.
પરિણિત મહિલાએ આરોપીને પોતે આપઘાત કરી તેનું નામ લખી જશે તેવું જણાવતા તેણે રૂબરૂ મળીને ફોટો ડિલીટ કરી નાખવાનું કહીને મળવા બોલાવી અને મણિનગરની હોટલમાં લઈ જઈને જબરદસ્તી 3 થી 4 વાર દુષ્કર્મ આચર્યું. અંતે મહિલાથી આ બધું સહન ન થતા પરિવારને જાણ કરી અને મણીનગર પોલીસે દુષ્કર્મ અને બ્લેકમેલના ગુનામાં ડોક્ટરની ધરપકડ કરી છે. બીજી તરફ ડોક્ટરે ખંડણી પેટે બે લાખ રૂપિયા બેન્ક એકાઉન્ટમાં લીધા હોવાના પણ પુરાવા મળ્યા છે. જેથી આરોપી વિરુદ્ધ વધુ પુરાવા એકઠા કરી તેણે આ રીતે અન્ય કોઈ મહિલા દર્દીને પોતાની હવસનો શિકાર બનાવી કે કોઈ પાસેથી પૈસા પડાવ્યા છે કે કેમ તે અંગે પૂછપરછ શરૂ કરી છે.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
