<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

અમદાવાદમાં રીલ્સ બનાવાના ચક્કરમાં ફતેવાડી કેનાલમાં સ્કોર્પિયો કાર સાથે ત્રણ યુવકો ખાબક્યા: ફાયર બ્રિગેડનું સર્ચ ઑપરેશન શરૂ : જુઓ વિડીયો

કેનાલમાં તણાયેલા યુવકોનું મોબાઈલ લોકેશન ઘટનાથી 11 કિમી દૂર મળ્યું :જમાલપુર, પ્રહલાદનગર અને અસલાલી ફાયર સ્ટેશનની રેસ્ક્યૂ ટીમ દ્વારા દોરડાની મદદથી કેનાલમાં શોધખોળ

અમદાવાદ શહેરમાં આવેલી ફતેવાડી કેનાલમાં રીલ્સ બનાવાના ચક્કરમાં આજે સાંજના સમયે સ્કોર્પિયો કાર સાથે 3 યુવકો ખાબક્યા હતા. આ બાબતની જાણ થતાં ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. હાલ તમામની શોધખોળ ચાલી રહી છે.

આ અંગે ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે, આજે સાંજના સમયે એક સ્કોર્પિયો કાર ફતેવાડી કેનાલમાં ખાબકી હોવાનો કોલ અમને મળ્યો હતો. હાલ તો અમારી ટીમ કારમાં સવાર 3 યુવકોની શોધખોળ કરી રહી છે. જો કે કેનાલમાં પાણીનું વહેણ ખૂબ જ હોવાથી રેસ્ક્યુ ઑપરેશનમાં અડચણ આવી રહી હતી.

હાલ તો કેનાલમાં પાણીનો પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે કેનાલમાં તણાયેલા યુવકોનું મોબાઈલ લોકેશન ઘટનાથી 11 કિમી દૂર મળી આવ્યું છે. હાલ તો બનાવની ગંભીરતાને જોતા જમાલપુર, પ્રહલાદનગર અને અસલાલી ફાયર સ્ટેશનની રેસ્ક્યૂ ટીમ દ્વારા દોરડાની મદદથી કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

પ્રાથમિક અહેવાલ અનુસાર, કેનાલમાં તણાયેલા એક યુવકની ઓળખ આંબાવાડીમાં રહેતા યશ તરીકે થઈ છે. જે ઘરેથી ટ્યૂશન જવા નીકળ્યો હતો. 11માં ધોરણમાં અભ્યાસ કરતા યશ અને તેના મિત્રો રિલ્સ બનાવવા જતાં કેનાલમાં ખાબક્યા હોવાનું પ્રાથમિક અનુમાન છે. હાલ તો પોલીસ અને ફાયર બ્રિગેડની ત્રણેક જેટલી ટીમો દ્વારા સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

(11:18 PM IST)