તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
વડોદરામાં પૈસાની લેતી-દેતીમાં સારસાના યુવકનું અપહરણ કરી હત્યા : ત્રણ આરોપીની ધરપકડ
રણોલીમાં નોકરી કરતાં સારસાના યુવકના રહસ્યમય મોતના ગુનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાંખ્યો

વડોદરા શહેર નજીક આવેલ રણોલીમાં નોકરી કરતાં સારસાના યુવકના રહસ્યમય મોતના ગુનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાંખ્યો છે. જેમાં યુવકને પૈસાની લેતીદેતી મામલે ઢોર માર મારીને તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 2 ઈસમો હજુ પણ પોલીસ પકડથી દૂર છે.
આ અંગે વિગતો આપતા ACP ડી.જે. ચાવડાએ જણાવ્યું કે,ગઈકાલે ફતેગંજ પોલીસ મથકના કંટ્રોલ રૂમમાં વિશ્વજીત નામના ઈસમે ટેલિફોન પર જાણ કરી હતી કે, મારો મિત્ર પાર્થ સુથાર મારી ઑફિસમાં ખુરશીમાં બેઠા-બેઠા ઢળી પડ્યો હતો. જેને હું 108 મારફતે SSG હોસ્પિટલમાં લાવ્યો, જ્યાં ફરજ પરના તબીબે પાર્થને મૃત જાહેર કર્યો હતો.
જે બાદ જ્યારે અમારી પોલીસ ટીમ હોસ્પિટલ પહોંચી, ત્યારે મૃતકના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા હતા. જેથી પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યાનો બનાવ લાગતા અમે તપાસ હાથ ધરી હતી. જેમાં અમે વિશ્વજીતનો સંપર્ક સાધતા, તેનો ફોન સ્વીચ ઑફ આવતો હતો. આથી અમે મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. જેમની પૂછપરછમાં તેઓએ વિશ્વજીત દ્વારા પાર્થની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આથી અમે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પાર્થને ઝડપી પાડ્યો હતો.
વિશ્વજીતની આગવીઢબે પૂછપરછ કરતા તેણે પોતાના સાગરિતો સાથે મળીને પાર્થને મોતને ઘાટ ઉતાર્યો હોવાની કબૂલાત કરી હતી. વિશ્વજીતે જણાવ્યું કે, ગત 11 ફેબ્રુઆરીના રોજ વિશ્વજીતે પોતાની સ્વિફ્ટ કાર દિવસના 3 હજાર ભાડા પેટે પાર્થને ચલાવવા આપી હતી. 18 દિવસ છતાં પાર્થ ગાડી આપતો નહતો અને તેનો કોઈ કોન્ટેક્ટ પણ નહતો થતો. આ દરમિયાન મને જાણ થઈ કે, પાર્થે કાર સાઠંબા ખાતે ત્રીજી વ્યક્તિને 2 લાખમાં વેચી દીધી હતી.
આથી વિશ્વજીતે પોતાની કાર પાછી મેળવી પાર્થને પોતાની ઑફિસમાં મળવા બોલાવ્યો હતો. જ્યાં ઉગ્ર બોલાચાલી થતાં વિશ્વજીતે પોતાના મિત્રો અને ઑફિસમાં કામ કરતાં કર્મચારીઓ સાથે મળીને લાકડી અને પટ્ટા વડે પાર્થને ઢોરમાર માર્યો હતો. જેમાં તેનું મોત નીપજ્યું હતુ. હાલ તો પોલીસે આ મામલે વિશ્વજીત વાઘેલા, જયદીપ સોલંકી, પ્રજ્ઞેશ રાણા, રોનક ચૌહાણ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી 3ની ધરપકડ કરી છે, જ્યારે બે ઈસમો પોલીસ પકડથી દૂર હોવાથી તેમની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
