<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

સુરતના સચિનમાં 2 વર્ષની પુત્રી સાથે રૂમમાં પુરાઈને પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાત

પતિએ દરવાજો તોડતા પત્ની ઓઢણી સાથે પંખે લટકતી હતી અને નીચે 2 વર્ષની પુત્રી રડતી હતી

સુરત :શહેરના સચિન વિસ્તારમાં એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં માતાએ ઘરમાં 2 વર્ષની પુત્રી સાથે રૂમમાં પુરાઈને ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મહિલાના અપઘાતના પગલે બે વર્ષની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં સચિન સ્થિત SUDA સેક્ટર-1 પાસે રહેતા નિરજકુમાર પ્રકાશ રાજભર એમ્બ્રોઈડરીના કારખાનામાં કામ કરી પત્ની અને દીકરી સહિતના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. નિરજકુમારની 26 વર્ષીય પત્ની પૂનમે 2 વર્ષની પુત્રીને ઘરના અંદરના રૂમમાં પૂરાઈને પોતે ગળે ફાંસો ખાઈ લીધો હતો.

 

એકબાજુ માતા પંખા પર ઓઢણી બાંધીને લટકતી હતી, બીજી બાજુ દીકરી રડતી હતી. 2 વર્ષની બાળકીના રડવાનો અવાજ સાંભળીને પાડોશમાં રહેતી મહિલાનું ધ્યાન ગયું હતુ. જેણે દરવાજો ખખડાવ્યો છતાં કોઈએ ના ખોલતા આખરે નિરજકુમાર અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આખરે ઘરનો દરવાજો તોડીને જોતા પૂનમ પંખા પર લટકતી હતી. હાલ તો પોલીસે પંચનામુ કરી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે.

પોલીસની પૂછપરછમાં મૃતકના પતિ નીરજકુમારે જણાવ્યું કે, આજથી ચારેક દિવસ પહેલા તેમની પુત્રીએ મોબાઈલ પાણીમાં ફેંકી દીધો હતો. જેથી પત્ની સાથે ઝઘડો થતાં તેમણ ઠપકો આપ્યો હતો. આ ઠપકાના કારણે માઠુ લાગી આવતા પૂનમે અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા છે. હાલ તો પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(9:53 PM IST)