News of Thursday, 6th March 2025
રાજપીપળા ચંદ્રવિલા સોસાયટીમાં રહેતા વ્યક્તિએ પોઇચા નર્મદા નદીમાં કૂદકો મારતા લાપતા
રાજપીપળાના પ્રભુ સાવલિયાએ દીકરી સાથે વીડિયો કોલ પર વાત કરતા કરતા નર્મદા નદીમાં કૂદકો માર્યો:પિતાએ દીકરીને કહ્યું બેટા છેલ્લી વાર તારું મોઢું જોવાં વિડિયો કોલ કર્યો છે, આટલું કહી ફોન પાછળ ફેંકી પિતા નદીમાં કુદી ગયા: દીકરીને વિડિયો કોલ કરી પિતાએ કહ્યું, બેટા મેં મારા મિત્રોને આપેલા પૈસા કોઈ આપતું નથી, પૈસા વગર હું તને કેવી રીતે ભણાવીશ એટલે મારે જીવવું નથી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળાની ચંદ્રવિલા સોસાયટીમાં રહેતા 52 વર્ષીય પ્રભુભાઈ રામચંદ્ર સાવલિયાએ પોઇચા નજીક શ્રી રંગ સેતુ પુલ પરથી નર્મદા નદીમાં કૂદકો મારી દેતાં પરિવારના સભ્યો ચિંતિત થયા છે.પિતાએ દીકરીને વિડિયો કોલ પર કહ્યું હતું કે બેટા છેલ્લી વાર તારું મોઢું જોવા ફોન કરું છું, મારે હવે નથી જીવવું, આટલું કહી ચાલુ વિડિયો કોલ પર પિતાએ નર્મદા નદીમાં કુદકો માર્યો હતો.આ બાબતે નર્મદા નદીમાં કૂદકો મારનારના 19 વર્ષીય પુત્ર ધીરજે રાજપીપળા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે.રાજપીપળા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.5 માર્ચે બપોરે 1:30 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટના બાદ આજે બીજા દિવસે પણ પ્રભુભાઈનો કોઈ પત્તો લાગ્યો નથી.હાલ એમની નર્મદા નદીમાં શોધખોળ કરી રહી છે.
આ બાબતે પ્રભુભાઈ રામચંદ્ર સાવલિયાના 19 વર્ષીય પુત્ર ધીરજે જણાવ્યું હતું કે મારા પપ્પાએ એમના 3 મિત્રોને મિત્રતામા ઉછીના પૈસા આપ્યા હતા.તેઓ પૈસા પરત ન કરતા હોવાથી મારા પપ્પા ટેન્શનમાં હતા, એટલે ટેન્શનમાં જ મારા પપ્પાએ આ પગલું ભર્યું છે.મારા પપ્પા 4 તારીખે જ ઘરેથી એમ કહીને નીકળી ગયા હતા કે જ્યાં સુધી એ લોકો મારા પૈસા પરત નહી આપે ત્યાં સુધી હું ઘરે નહીં આવું.
ધીરજે વધુમાં જણાવ્યું હતું કે મારા પપ્પાએ નર્મદા નદીમાં કૂદકો માર્યો એ પેહલા સુરત ખાતે એમ.એ કરી રહેલી મારી બહેન 22 વર્ષીય દિપાલીને બપોરે વોટસ એપ પર વીડિયો કોલ કર્યો હતો.જેથી મારી બહેનનો ઘરે ફોન આવ્યો કે પપ્પા મને કેમ ફોન કર્યો કરે છે ત્યારે અમે એને કહ્યું કે એ ઘરેથી જતા રહ્યા છે તું એમને સામેથી ફોન કર.એ બાદ મારી બહેન દિપાલીએ મારા પપ્પાને 1:20 વાગે વિડિયો કોલ કર્યો ત્યારે મારા પપ્પાએ દિપાલીને પણ કહ્યું કે મારી પાસે હવે પૈસા નથી, મારા મિત્રો મારા પૈસા આપતા નથી.એટલે હું તને કેવી રીતે આગળ ભણાવીશ, ઘર ખર્ચ કેવી રીતે કાઢીશ, હવે મારે જીવવું નથી, છેલ્લી વાર તારું મોઢું જોવા ફોન કર્યો છે.એવું વિડિયો કોલ પર કહી મોબાઈલ પાછળ ફેંકી દઈ નદીમાં કૂદી ગયા હતા. વીડિયો કોલ કટ થયા બાદ મારી બહેને મારા પપ્પાને ફરીથી વીડિયો કોલ કર્યો પણ પપ્પાએ રીસીવ ન કરતા મારી બહેને ઘરે ફોન કરી આ બાબતે જાણ કરી ત્યારબાદ અમે તુરત ત્યાં પહોંચ્યા હતા.
ધીરજે વધુમાં જણાવ્યું હતું કે મારા પપ્પાએ પુલ પરથી જ ગુગલ પે થી મારા એકાઉન્ટમાં 34 હજાર રૂપિયા અને મારી બહેન દિપાલીના એકાઉન્ટમાં 45 હજાર રૂપિયા જમાં કરાવ્યા હતા.અમારી માંગ છે કે મારા પપ્પાના લીધેલ પૈસા પાછા મળે અને જેમને લીધે એમણે આ પગલું ભર્યું છે એમને કડક સજા થાય
(10:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
