News of Thursday, 6th March 2025
ગુજરાતમાં જળસંચયને પ્રોત્સાહન આપવા 50 લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવાશે
મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ કહ્યું- સૂક્ષ્મ સિંચાઈ થકી પાણીનો કરકસરયુક્ત ઉપયોગ થશે અને જળસંચયના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવામાં વેગ મળશે.

ગાંધીનગર :જળસંચય - જનભાગીદારી અભિયાન અંગે વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા રજૂ કરાયેલા બિન સરકારી સંકલ્પને આવકારતા જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જળસંચયને પ્રોત્સાહન આપવા માટે વિકસિત ગુજરાત-2047 સુધીમાં રાજ્યના 50 લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવાનો અમારો લક્ષ્યાંક છે.
આ સંદર્ભે મંત્રીએ ઉમેર્યું હતું કે, સૂક્ષ્મ સિંચાઈ થકી પાણીનો કરકસરયુક્ત ઉપયોગ થશે અને જળસંચયના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવામાં વેગ મળશે. ગુજરાતના મહત્તમ ખેડૂતો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા સૂક્ષ્મ સિંચાઈ માટે 70 ટકાથી 90 ટકા સુધીની સબસીડી આપવામાં આવે છે. પરિણામે ખેડૂતો ફૂવારા અને ટપક જેવી સિંચાઈ પદ્ધતિઓ બહોળા પ્રમાણમાં અપનાવવા લાગ્યા છે.
વધુમાં જળસંપત્તિ મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતની ભૌગૌલિક અસમાનતાને પહોંચી વળવા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાણીના પ્રશ્નને ટોચની અગ્રતા આપીને અનેક યોજનાઓ થકી રાજ્યના ખૂણે-ખૂણે સિંચાઈ અને પીવાનું પાણી પહોંચાડ્યું છે.
ગુજરાતના કૃષિ વિકાસ, ઔદ્યોગિક વિકાસ અને ડેરી ઉદ્યોગ સહિતના ક્ષેત્રોનો વિકાસ સર્વત્ર પાણીની ઉપલબ્ધી થકી શક્ય બન્યો છે. ગુજરાતની પ્રજાએ વરસાદી પાણીના સંગ્રહ અને ઉપયોગથી ‘જળ એ જ જીવન’ના સૂત્રને સાચા અર્થમાં ચરીતાર્થ કર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીએ જણાવ્યું હતું કે, ભૂગર્ભ જળની ઉપલબ્ધી પણ સમગ્ર રાજ્યમાં એક સમાન નથી. વર્ષ 2024ની ભૂગર્ભ જળ અંદાજ ગણતરી મુજબ ગુજરાતના 22 તાલુકા ઓવર-એક્સ્પ્લોઈટેડ, 10 તાલુકા ક્રિટીકલ અને 24 તાલુકા સેમી-ક્રિટીકલ મળીને કુલ ૫૬ તાલુકામાં ભૂગર્ભ જળ લેવલ નીચા જઇ રહ્યા છે તેમજ ભૂગર્ભ જળ આવરો પણ ઘટી રહ્યો છે.
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
