તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
માનવતા મહેકી ઉઠે એવી મિસાલ કાયમ કરતા રાજપીપલાના રાજેન્દ્રસિંહ સૂર્યવંશી
અજાણ્યા મુસાફરના નિરાશાજનક સફરમાં સાથ-સહકાર અને સારવાર પુરી પાડતા રાજેન્દ્રસિંહજી: શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ હાલતમાં પરપ્રાંતિય બલિરામજી ઘરકંકાસથી કંટાળીને રાજપીપલા આવી પહોંચ્યા : પરિવાર સાથે વતન પરત મોકલીને માનવતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા:માનવતા મહેકી ઉઠે એવી મિસાલ કાયમ કરનાર રાજપીપલાના છત્રવિલાસના રહેવાસી યુવાન રાજેન્દ્રસિંહ સૂર્યવંશીએ સમાજને પ્રેરક સંદેશો આપ્યો છે. આદર, સહાનુભૂતિ અને સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડતા રાજેન્દ્રસિંહએ પરપ્રાંતિય ઇજાગ્રસ્ત ઇસમને રાજપીપલા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપીને વતન પરત મોકલ્યો છે.
થયું એવું કે, ઘરકંકાસથી હેરાન થયેલા મૂળ ઉત્તર પ્રદેશના ૪૫ વર્ષિય બલિરામજી રાજપીપલાના છત્રવિલાસ સોસાયટી ખાતે ઇજાગ્રસ્ત સ્થિતિમાં બેસેલા હતા. એવામાં રાજેન્દ્રસિંહએ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો.. જો કે, કોઈ પ્રતિસાદ ન મળતાં ખાતરી થઈ કે પરપ્રાંતિય બલિરામજી શારીરિક અને માનસિક રીતે ખચડાયેલો છે અને હાલ તેને સંવેદના અને સમજણની જરૂર છે.
માનવતા એ માત્ર શબ્દ નથી, તે એક ભાવના છે, જેને ઉજાગર કરતા રાજેન્દ્રસિંહ સૂર્યવંશીએ બલિરામજી સાથે સૌમ્ય વાતાવરણ કેળવીને વાત કઢાવવાના પ્રયાસો કર્યાં. જે બાદ જાણવા મળ્યું કે વ્યક્તિ પરમપુરા , ઉત્તર પ્રદેશમાં વસવાટ કરે છે, અને ભુખ્યા-તરસ્યા ઇજાગ્રસ્ત હાલતમાં અહીં સુધી પહોંચ્યા છે. આ અજાણ્યા મુસાફરના નિરાશાજનક સફરમાં સાથ આપતા રાજપીપલાના રાજેન્દ્રસિંહએ મિત્રવર્તુળની મદદથી ઇજાગ્રસ્ત બલિરામને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર કરાવી હતી.
બલિરામજીને શાંત પાડીને તેને પરિવારમાં થતા ઝઘડાઓની સાથે પરિવારના અમૂલ્ય પ્રેમની પરિભાષા સમજાવતા જણાવ્યું કે, "તમને બોલવાનો અને નારાજ થવાનો પરિવારનો હક પુરેપુરો છે, જો હક જ ન હોય તો તમને કોણ પુછવાનું ? હાલ તમે આવી હાલતમાં છો તો આખા જગતમાં દુ:ખી થનાર માત્ર તમારું પરિવાર જ છે. જેને તમે એકલા છોડીને આવી રીતે બીજા વતનમાં આવ્યાં છો." આ વાત સાંભળીને યુવક શાંત થયો અને તબીબી સારવાર બાદ ભોજન કરાવીને સ્થાનિક યુવાને તેમના પરિવાર સાથે વતન પરત મોકલીને માનવતાનું સુંદર ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.
આ હૃદયસ્પર્શી બનાવ એક ઉદાહરણ છે કે, માનવતા આજે પણ જીવિત છે. આજના વ્યસ્ત સમયમાં સંબંધીઓ સાથે મળવાનો સંબંધ મુશ્કેલીથી નિકળે છે, ત્યારે અજાણ્યા નાગરિક માટે દીવા સમાન બની આવેલા આ યુવાને તેનું દુ:ખ સમજીને પોતાનું માનવધર્મ નિભાવ્યું છે.વતન પરત ફરતા બલિરામજીએ રાજેન્દ્રસિંહ અને તેમના મિત્રવર્તુળનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
