News of Saturday, 8th March 2025
જમીન રી-સર્વેમાં પારદર્શક પધ્ધતિ : રાજયના ૧૮૦૪૬ ગામો આવરી લેવાયા
ખેડૂતો ૩૧ ડીસેમ્બર સુધીમાં વાંધા અરજી કરી શકશે : બળવંતસિંહ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા.૮: વિધાનસભા ખાતે અરવલ્લી, સાબર કાંઠા અને છોટા ઉદેપુર જિલ્લામાં જમીન રી સર્વેની કામગીરી અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રીશ્રી વતી જવાબ આપતા ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિહ રાજપૂતે જણાવ્યું છે કે, દેશભરમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે જેણે પાર દર્શીતા અને નિર્ણાયક્તાથી જમીન રી સરવેની કામગીરી આરંભી છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જમીન રી-સર્વેની કામગીરી સંપૂર્ણ પારદર્શી રીતે કરીને રાજ્યનો એક પણ ખેડૂત રહી નજાય એ જ અમારો નિર્ધાર છે.
મંત્રીશ્રી એ ઉમેર્યું કે, દેશમાં સૌ પ્રથમ વખત ગુજરાતે રી-સર્વેની કામગીરી તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં શરૂ કરવામાં આવી હતી. સમગ્ર રાજયમાં માપણીની કાર્યવાહી જમીન મહેસુલ કાયદાની કલમ-૯૫ હેઠળ મુળ માપણી સને ૧૮૮૬ થી શરૂ કરી વિવિધ જીલ્લાઓમાં તબક્કાવાર પ્રથમ માપણી પુર્ણ કરવામાં આવી છે. રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૪ થી ખેડુત ખાતેદારોનો જમીન સંબંધિત રેકર્ડ (૭/૧૨) ને સમગ્ર દેશમાં પ્રથમ વખત ઓનલાઇન (વેબ બેઝ) રેકર્ડ ઉપલબ્ધ કરાવવાના સાર્થક પ્રયાસો બાદ ખેતીની જમીનોના નકશાઓને પણ ડીઝીટલી તૈયાર કરી ઓનલાઇન ખેડુત ખાતેદારોને ઉપલબ્ધ કરાવવાના હેતુસર રાજય સરકારે આધુનિક માપણીના સાધનો જેવાકે ડીજીપીએસ/ઈટીએસ વડે ખેતીની જમીનોની રી સર્વે કરાવવાનું નક્કી કર્યું હતું. તેના ભાગ રૂપે સમગ્ર રાજયમાં મહેસુલ વહીવટ સંગીન બનાવવો અને જમીન દફતર અધ્યતન કરવું. એસ.આર.એ. એન્ડ યુ.એલ.આર. યોજના અંતર્ગત વર્ષ ૨૦૦૯-૧૦ થી પ્રથમ તબક્કામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે જામનગર જિલ્લામાં ખેતીની જમીનોની આધુનિક સાધનો દ્વારા માપણી કરી અધ્યતન રેકર્ડ તૈયાર કરવાની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો હતો.
મંત્રી શ્રી એ કહ્યું કે, રાજ્યના ૩૩ જિલ્લામાં ૨૭૨ તાલુકા, ૧૮,૭૨૩ ગામ માટે રી સરવેની કામગીરી નક્કી કરવામાં આવ્યું હતુ જે પૈકી ૧૮,૦૪૬ ગામો રી સરવે કામગીરી હેઠળ આવરી લેવાયા હતા. જે પૈકી ૧૮,૦૩૫ ગામોમાં માપણી કામગીરી પુર્ણ થઈ છે.
તેમણે ઉમેર્યું કે, રાજ્યના જે ગામોમાં ખેતીની જમીનની માપણીમાં પ્રમોલ ગેશન પછી ખેડૂતોની વાંધા અરજીઓના નિકાલ માટે ખેડૂતોને સાથે રાખી પારદર્શી રીતે ચોક્સાઇથી અને ખેડૂતોને સંતોષ થાય તે રીતે પુનઃ માપણી કરી વાંધા અરજીનો નિકાલ સત્વરે કરવા સૂચના ઓ આપી છે. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા ખેડુતોને ન્યાય મળી રહે અને હેરાન ન થવુ પડે તે માટે નિઃશુલ્ક સાદી અરજી કરી સુધારો કરાવવા માટે વખતો વખત ખેડુતોની વાંધા અરજીઓ સ્વીકારવાની મુદત ૩૧/૧૨/૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે.
માપણી કરવા અંગેની વૈજ્ઞાનિક પદ્ધતિ સંદર્ભે વધુ માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દરેક ગામે ગ્રામસભા પછી જે તે ખાતેદાર કે હિસ્સેદારની હાજરીમાં સ્થળ પર જઇ જમીન માપણી આધુનિક સાધનો ઇ.ટી.એસ. અને ડી.જી.પી.એસ. મશીન વડે કરવામાં આવે છે. રી સરવે પછી તમામ પૈકી સરવે નંબરોને નવા નંબર અપાનાર હોય માપણી શરૂ કરતાં પહેલાં તમામ પૈકી નંબરોની માહિતી મેળવી તથા તેની માપણીના ડેટા ને કચેરીમાં પ્રોસેસ કરી સ્થળસ્થિતી મુજબના દરેક ખેતરના નકશા તૈયાર કરવામાં આવે છે
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
