તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Monday, 10th March 2025
ઇતિહાસમાં સૌ પ્રથમ ૧૧૩૦૦ વકિલોનો પદવીદાન સમારોહ અડાલજ ખાતે યોજાયેલ
આટલી મોટી સંખ્યામાં વકિલોએ શપથ લીધા હોય તેવી પ્રથમ ઘટનાઃ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા તજવીજઃ ગુજરાતના મુખ્યમંત્રી ભારતના ગૃહમંત્રી સહિત બાર કાઉ.ના હોદેદારો સહિત સમગ્ર ગુજરાતના વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાઃ રાજકોટના બાર એસો.ના હોદેદારો-વકીલો હાજર રહ્યા

રાજકોટ તા. ૧૦ :.. ગઇકાલે તા. ૯ મી માર્ચ ર૦રપના રોજ ગુજરાતના વકીલ આલમનો ભારત સહિત વિશ્વભરમાં નોંધ લેવાય તેવો વર્લ્ડ રેકોર્ડ થયો છે. ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા ઇતિહાસમાં સૌપ્રથમવાર એક સાથે એક મંચ પર ૧૧,૦૦૦ થી વધુ એનરોલ થયેલા (નોંધાયેલા) વકીલોના તેમના વ્યવસાયને લઇ સામુહિક શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઐકસાથે આટલા બધા વકીલોનો શપથ સમારોહ કયારેય ભારત જ નહી પણ દુનિયામાં કયાંય યોજાયો નથી. આ અનોખી ઘટનાને લઇ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ રેકોર્ડ નોંધાવવાની તજવીજ હાથ ધરાઇ છે.
બીજી નોંધનીય વાત એ છે કે, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં તો આ ઘટનાની નોંધ લેવાઇ ગઇ છે. તા. ૯ મી માર્ચે એકસાથે ૧૧ હજારથી વધુ વકીલોના સામુહિક શપથ ગ્રહણ સમારોહનો અનોખી ઘટનાને લઇ માત્ર ગુજરાત જ નહી પરંતુ દેશભરના વકીલોઆલમ અને ન્યાયતંત્રમાં ભારે ઉત્સાહની લાગણી ફેલાઇ હતી.
એકસાથે ત્રણ અનોખા વર્લ્ડ રેકોર્ડ અંગે ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન જે. જે. પટેલે જણાવ્યું હતું કે, તા. ૯ મી માર્ચ ર૦રપ ના રોજ અડાલજ ખાતેના દાદા ભગવાન ફાઉન્ડેશનના દાદાનગર કન્વેન્શન સેન્ટર ખાતે બપોરે ૧ વાગ્યે દેશના ગૃહ પ્રધાન અમિત શાહના મુખ્ય મહેમાનપદે એકસાથે ગુજરાતના નવા નોંધાયેલા ૧૧ હજારથી વધુ વકીલોને તેમના વ્યવસાયને લઇ સામુહિક શપથ ગ્રહણ કરાવવામાં આવેલ.
આ ઐતિહાસિક ઇવેન્ટમાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનન મિશ્રા, સોલીસીટર જનરલ તુષાર મહેતા, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજીસ, રાજયના તમામ ર૮૦ વકીલ મંડળોના હોદેદારો અને ગુજરાતભરમાંથી આશરે ૧૭ હજારથી વધુ વકીલો આ ઇવેન્ટના સાક્ષી બનેલ હતા.
બાર કાઉન્સીલના ચેરમેન જે. જે. પટેલે વધુમાં ઉમેર્યુ કે, એકસાથે આટલા બધા વકીલોની સામૂહિક શપથવિધી માત્ર ભારત જ નહી પરંતુ દુનિયાના ઇતિહાસમાં કયાંય યોજાઇ નથી. અને તેથી આ ઐતિહાસિક ઘટનાને લઇ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વિક્રમ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. દરમ્યાન ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી. કૈલ્લાએ આ ઐતિહાસિક ઇવેન્ટમાં મહત્તમ ભાગ લેવા રાજયના તમામ બાર એસોસીએશનો અને વકીલ આલમને અનુરોધ કર્યો હતો.
જેના પગલે સમગ્ર ગુજરાતભરના જીલ્લા-તાલુકા મથકોએથી વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે બાર કાઉ. ઓફ ગુજરાત દ્વારા ૧૧ હજાર વકીલોને પદવી દાન કરવામાં આવ્યું હતું. રાજકોટ બાર એસો.ના હોદેદારો-વકીલો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.
બાર કાઉન્સિલ દ્વારા છેલ્લા બે મહિનાથી તડામાર તૈયારીઓ થયેલ
ગુજરાત બાર. કાઉન્સીલ દ્વારા આ ઐતિહાસિક ઇવેન્ટને માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે માટે ચેરમેન જે. જે. પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા બે મહિનાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દેશભરમાંથી કાયદાક્ષેત્ર અને ન્યાયતંત્રના મહાનુભાવો અને દિગ્ગજો આવવાના હોઇ તેની વિશેષ વ્યવસ્થા કરાઇ છે.
(2:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
