News of Monday, 10th March 2025
હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત એસટી વિભાગ 550થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવશે
દાહોદ અને પંચમહાલ જિલ્લા તરફ વધુ બસો દોડાવાશે: આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારને એસટી આપના દ્વારે અનુસાર તેમની સોસાયટીથી વતન સુધી પહોચાડશે.

સુરત :આગામી સમયમાં હોળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે સુરત એસટી વિભાગ દ્વારા હોળીના તહેવાર અનુસંધાને એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે. તા. 10, 11, 12 માર્ચ 2025 સુધી 550 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે. દાહોદ, ગોધરા,ઝાલોદ, દેવગઢ બારિયા, પંચમહાલ તરફ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે.
સુરત એસટી વિભાગ દ્વારા વાર-તહેવાર પર મુસાફરોની સુવિધા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે ત્યારે આગામી સમયમાં હોળીનો તહેવાર આવી રહ્યો હોય સુરત એસટી વિભાગ દ્વારા આ વર્ષે પણ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે 550 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. તારીખ 10, 11 અને 12 માર્ચ 2025 સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે, અને આ એક્સ્ટ્રા બસો સાંજે 4 થી રાતે 10 કલાક સુધી દોડાવવામાં આવશે, સુરતથી દાહોદ, ઝાલોદ, ગોધરા, પંચમહાલ, દેવગઢ બારિયા, છોટા ઉદયપુર, તરફ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે.
વધુમાં આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારને એસટી આપના દ્વારે અનુસાર તેઓને તેમની સોસાયટીથી વતન સુધી પહોચાડવામાં આવશે. તા. 10 થી 12 માર્ચ દરમ્યાન એક્સ્ટ્રા ઉપડનાર બસોનું એડવાન્સ બુકિંગ એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન સુરત, અડાજણ બસ સ્ટેશન, ઉધના બસ સ્ટેશન, કામરેજ બસ સ્ટેશન, કડોદરા બસ સ્ટેશન, તેમજ નિગમના તમામ બસ સ્ટેશનો ઉપરાંત એરસટી દ્વારા નીમવામાં આવેલા બુકિંગ એજન્ટો, મોબાઈલ એપ તથા નિગમની વેબસાઈટ ઉપરથી પણ ઓનલાઈન ટીકીટનું બુકિંગ કરી શકાશે.
દાહોદ ગોધરા, ઝાલોદ, પંચમહાલ તરફનું સંચાલન એસટી સેન્ટ્રલ બસ સ્ટેશની સામેના ગ્રાઉન્ડમાંથી તેમજ રામનગર ખાતેથી તા.10 થી 12 માર્ચ 2025 સુધી સાંજે 4 થી રાતે 10 વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે, ઉલ્લેખનીય છે કે ગત વર્ષે હોળી એક્સ્ટ્રા સંચાલનમાં 470 જેટલી ટ્રીપોનું સંચાલન કરી 80 લાખ જેટલી આવક થઇ હતી અને 27 હજારથી વધારે મુસાફરોને વતન પહોચાડવામાં આવ્યા હતા.
સુરત એસટી વિભાગીય નિયામક પી.વી.ગુર્જરએ જણાવ્યું હતું કે સુરત એસટી વિભાગ દ્વારા હોળીના તહેવાર નિમિતે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે. આ એક્સ્ટ્રા બસોનું સંચાલન તારીખ 10,11 અને 12 માર્ચ સુધી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે, હોળીના તહેવાર નિમિતે દાહોદ, ઝાલોદ, લુણાવાડા,દેવગઢ બારિયા તરફ એક્સ્ટ્રા બસોનું સંચાલન થતું હોય છે. જેમાં સુરત વિભાગ દ્વારા 550 થી વધુ બસોનું આયોજન કરવામાં આવ્યું છે. સૂરતથી ઉપડતી આ એક્સ્ટ્રા બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે જિલ્લા પંચાયતનું ગ્રાઉન્ડ છે જ્યાં હાલમાં સીટી બસ ચાલે છે ત્યાંથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે, આ ઉપરાંત રામચોક પરથી પણ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે.
વધુમાં જાણાવ્યું હતું કે ગત વર્ષે 480 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન થયું હતું જેમાં 30 હજાર જેટલા મુસાફરોએ લાભ લીધો હતો અને 80 લાખ જેટલી આવક થઇ હતી જયારે આ વર્ષે 550 જેટલી બસોનું આયોજન છે અને 1 કરોડ સુધીની આવક થશે અને 40 થી 45 હજાર જેટલા મુસાફરો લાભ લેશે તેવો અંદાજ છે. આ ઉપરાંત એસટી આપના દ્વારે 52 પેસેન્જર એક સાથે હશે અને તેમની માંગણી હશે તો એમની સોસાયટી સુધી ગાડી આપીશું અને ત્યાંથી વતન સુધી મુસાફરી કરી શકશે. સરકારના નિયમ મુજબ જે રેગ્યુલર ભાડું હોય છે તે જ ભાડું રહેશે. જેમ જેમ પબ્લિક આવશે તેમ બસમાં બેસીને મુસાફરી કરી શકશે.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
