હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કલાકાર હકાભા ગઢવીએ કહ્યું-સરકાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ધ્યાન દે, સીટી સ્કેનમાં કડવો અનુભવ થયોઃ ડોક્ટરે કહ્યું-સમયસર જ દર્દીને રિપોર્ટ કરી દેવાયો હતો, કોઇ બેદરકારી નથી. : જુઓ વિડિયો
એક દર્દીનું સ્કેન ચાલુ હોઇ તેને ઉતારીને બીજાને ન લઇ શકાયઃ એસો.પ્રો. ડો. હિરલ હપાણી

રાજકોટઃ શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીનો એક વિડીયો સોશિયલ મિડીયામાં વહેતો થયો છે. જેમાં તે કહે છે કે મારા બહેન ચાલીને હળવદ માતાજીના દર્શને જતાં હતાં ત્યારે તેમને વાહનવાળાએ ઠોકરે ચડાવતાં ગંભીર ઇજા થતાં બેભાન થઇ જતાં મોરબી હોસ્પિટલમાં લઇ ગયેલા. પણ ગંભીર ઇજા હોઇ ત્યાંથી રાજકોટ લઇ જવાનું કહેવાતાં તેમને રાજકોટ સિવિલમા ખસેડાયા હતાં. હું પણ અહિ પહોંચ્યો હતો. પરંતુ અહિ મને ખુબ કડવો અનુભવ થયો. સરકાર પુરૂ ધ્યાન આપે છે પણ અંદર હોસ્પિટલવાળા ધ્યાન આપતા નથી, સરકાર પુરી દવા આપે છે, હોસ્પિટલવાળા આપતા નથી. જેટલી પ્રાઇવેટમાં ન હોઇ એટલી સુવિધા સિવિલમાં છે.
મારા બહેનનું પાંચ કલાકે સીટી સ્કેન થયું, પાંચ કલાકમાં માણસ મરી જાય. ખુબ મોટી લાઇન હતી, સીસીટીવીમાં તે દેખાશે. મેં રજૂઆત કરતાં એક વ્યક્તિએ લુખ્ખાની જેમ વાત કરી હતી કે વારો આવે ત્યારે આવે સામે બેસી જાવ શાંતિથી. પછી મેં તેને કહેલું કે હું કલાકાર હકાભા ગઢવી છું. મેં કહેલુ કે મારો વારો પહેલા લઇ લો એવુ નથી પણ જે સિરીયસ હોય તેને પહેલા લો. મારા બહેનનું પાંચ કલાકે સીટી સ્કેન થયું, મગજના ડોક્ટર પણ ત્રણ કલાકે આવ્યા હતાં. મારી વિનંતી છે કે સરકાર, આરોગ્ય મંત્રી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચોક્કસ ધ્યાન આપો, ગરીબ માણસો અહિ જ આવે છે. મેં એક મંત્રીને પણ ફોન કર્યો હતો. તેમનું પણ માન આ લોકોએ ન રાખ્યું. હકાભા ગઢવીએ વધુમાં જણાવ્યું હતું મને કડવામાં કડવો અનુભવ થયો છે. હું તો મારા બહેનને કદાચ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ લઇ જઇ શક્યો હોત. પણ નાના ગરીબ માણસો ક્યાં જાય? સિવિલ હોસ્પિટલ સોૈરાષ્ટ્રનું નાક છે.
જો કે હકાભાના આ આક્ષેપો સામે સિવિલ રેડિયોલોજી વિભાગના એસો. પ્રોફેસર ડો. હિરલ હપાણીએ ખુલાસો કરતાં કહ્યું હતું કે ટ્રોમાનું પેશન્ટ હતું અને ૧૧:૨૦ કલાકે સીટી સ્કેન વિભાગમાં તેમણે એન્ટ્રી લીધી હતી. એ વખતે અંદર એક દર્દીનું ઓલરેડી સ્કેન ચાલુ હતી, તેને ઉતારીને વચ્ચે બીજા દર્દીને લઇ ન શકાય. ૧૧:૫૦ કલાકે તેમને સ્કેન માટે અંદર લેવાયા હતાં. પણ દર્દી હલતું હોઇ જેથી તેમને અમારે ૧૨:૦૦ વાગ્યે નીચે ઉતારવા પડયા હતાં. પછી ડોક્ટરને બોલાવી ફરી સ્કેન કર્યુ અને ૧:૨૦ કલાકે તો પેશન્ટનો રિપોર્ટ થઇ ગયો હતો અને દર્દીને લઇ જવાયું હતું. સિવિલના ટ્રોમા કેર સેન્ટરમાં દરરોજ અમારે અંદાજે ૩૦ થી ૩૫ સીટી સ્કેન અને એમઆરઆઇ ૨૦ થી ૨૫ થાય છે. સીટી સ્કેનના સરકારે નક્કી કરેલા દર મુજબ પર બોડી પાર્ટ એક હજાર અને એમઆરઆઇના બે હજાર રૂપિયા ફી લેવાય છે. હોસ્પિટલ તરફથી કોઇ બેદરકારી દાખવવામાં આવી નથી. આટલો સમય તો ખાનગી હોસ્પિટલમાં પણ લાગે જ. એક જ કલાકમાં અમે દર્દીને રિપોર્ટ કરીને જવા દેવાયા હતાં. એક દર્દીનું સ્કેન ચાલુ હતુ એટલે વીસ મિનીટ એમને રાહ જોવી પડી હતી. (ફોટોઃ અશોક બગથરીયા) (૧૪.૧૦)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
