<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

જીવનનું સૌથી મોટું સુખ એ છે કે ઈશ્વરે આપણને સંપૂર્ણ, તંદુરસ્‍ત, ખામી રહિત દેહ સાથે જન્‍મ આપ્‍યો છે

‘દિલ વિધાઉટ બીલ'ના નામે જાણીતી શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ, ભૂતપૂર્વ રાષ્‍ટ્રપતિ એ. પી. જે. કલામે આ હોસ્‍પિટલને દિલ વિધાઉટ બીલના નામથી બીર્દાવેલ છે : આ હોસ્‍પિટલ રાજકોટમાં છેલ્લાં ૨૪ વર્ષથી સ્‍વાસ્‍થ્‍ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે : આ હોસ્‍પિટલમાં પુખ્‍ત અને બાળકોના તમામ પ્રકારના હદયના ઓપરેશન વિનામૂલ્‍યે થાય છે, જેનો લાભ ભારતના તમામ રાજ્‍યોના ગરીબ હ્રદય રોગના દર્દીઓ છેલ્લા ૨૪ વર્ષથી મેળવી રહ્યા છે

બિહારના એક ગરીબ પરિવારમાં જન્‍મેલો દીકરો શૌર્ય આપણા જેવો ખુશ-નસીબ ન હતો. ફાંટાબાજ કુદરતે તેને ખોડવાળા હ્રદય સાથે પળથ્‍વી પર મોકલ્‍યો. જન્‍મથી જ તેના હ્રદયમાંથી નીકળતી બે મોટી, મહત્ત્વની રક્‍તવાહક નળીઓ ઊલટા-સુલ્‍ટી થઈ ગઈ હતી. પરિણામે હૃદયમાંથી શુદ્ધ લોહી શરીરના તમામ અંગો તરફ વહેવું જોઈએ તેને બદલે શૌચૈના અંગોમાં અશુદ્ધ લોહી વહેતું હતું.

૩૦ દિવસના આ નવજાત માસૂમ માટે ભવિષ્‍ય અંધકારમય હતું. ગરીબ મા-બાપ એની સારવાર માટે એક પછી એક હાર્ટે સ્‍પેશિયાલિસ્‍ટના દરવાજા ખટખટાવતાં રહ્યાં. સારવાર માટે ઑપરેશન ફરજિયાત હતું પણ એ અત્‍યંત ખર્ચાળ હતું અને એ પછી પણ બાળકનાં બચવાની કોઈ ગેરંટી ન હતી. અબજો રૂપિયાની દૌલત જેવા દીકરાના ઑપરેશન માટે મા-બાપ પાસે ફૂટી કોડી પણ ન હતી.કયાંકથી માહિતી મળી. તમે ગુજરાતના અમદાવાદ પાસે આવેલા કાશિન્‍દ્રાની ‘સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ'માં પહોંચી જાઓ. કદાય શૌર્ય બચી જાય.

હોસ્‍પિટલમાં ગયા પછી એમણે જોયું કે અહીં ડૉક્‍ટરોને બદલે દેવદૂતો હતા, ટ્રસ્‍ટીઓ સાચા ‘માણસો' હતા અને દાતાઓ બધા ભામાશા હતા.

વર્ણવી ન શકાય તેવું જટિલ ઑપરેશન સફળ રહ્યું. શૌર્ય અને તેના માતા-પિતાના રહેવાનો, જમવાનો, સર્જરીનો અને સારવારનો બીજો સંપૂર્ણ ખર્ચ શૂન્‍ય હતો.

જ્‍યારે ભારતના ૧૪૫ કરોડ લોકો ભારત-પાકિસ્‍તાનની ક્રિકેટ મૅચનો ઉત્‍સવ જવી રહ્યાં હતાં, ત્‍યારે આ નિષ્‍ણાત સર્જન એમની ‘ટીમ ઇન્‍ડિયા' સાથે શૌર્યની સર્જરીમાં વ્‍યસ્‍ત હતા. અહીં જિંદગી અને મોત વચ્‍ચેની મેચ રમાઈ રહી હતી જ્‍યાં એક પણ ખેલાડીએ શૂન્‍ય રનમાં આઉટ થવાનું ન હતું. અને કોઈ આઉટ થયું પણ નહીં.

જે દિવસે નવું જીવન પામેલ દીકરાને લઈને એ બિહારી દંપતી વિદાય લઈ રહ્યું હતું, ત્‍યારે મેનેજિંગ ટ્રસ્‍ટી શ્રી મનોજભાઈ ભિમાણી સહિત તમામ ડૉકટરો અને કર્મચારીઓ ભાવ-વિભોર બની ગયા હતા.  આ બિલ વગરના દિલની વાત છે, માટે દિલની કલમથી લખી છે; તમારા વ્‍યસ્‍ત જીવનમાંથી બે મિનિટ્‍સ કાઢીને આ ‘શૌર્ય-ગાથા' અવશ્‍ય વાંચજો. પછી જો તમારી આંખ ભીની થાય તો એક વાર આ હૉસ્‍પિટલની મુલાકાતે જજો. ચારધામની જાતરા કરતાં વધારે પુણ્‍ય મળશે.  આ મહાન દેશમાં એક સુંદર પરંપરા છે, એક રિવાજ છે કે કોઈ પણ પવિત્ર સ્‍થળે જઈએ ત્‍યારે ખાલી હાથે ન જવાય. શ્રીફળ લઈને જજો, જ્‍યાં ગરીબ મા-બાપના સંતાનોમાં વસતો પરમાત્‍મા રાજી થશે. ‘દિલ વિધાઉટ બીલ'ના નામે જાણીતી શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ,, ભૂતપૂર્વ રાષ્‍ટ્રપતિ શ્રી એ. પી. જે. કલામે આ હોસ્‍પિટલને દિલ વિધાઉટ બીલના નામથી બીર્દાવેલ છે.

આ હોસ્‍પિટલ રાજકોટમાં છેલ્લાં ૨૪ વર્ષથી સ્‍વાસ્‍થ્‍ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે.

આ હોસ્‍પિટલમાં પુખ્‍ત અને બાળકોના તમામ પ્રકારના હદયના ઓપરેશન વિનામૂલ્‍યે થાય છે. જેનો લાભ ભારતના તમામ રાજ્‍યોના ગરીબ હૃદય રોગના દર્દીઓ છેલ્લા ૨૪ વર્ષ થી મેળવી રહ્યા છે. ૧૯ વર્ષથી ૬૫ વર્ષ સુધી રાજકોટ ખાતે અને નવજાત શિશુ થી ૧૮ વર્ષ સુધી અમદાવાદ ખાતે હદય રોગ ના જરૂરિયાતમંદ દર્દીઓના વિનામૂલ્‍યે જટીલ ઓપરેશન છેલ્લાં ૨૪ વર્ષ થી કરવામાં આવે છે.  શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ, સત્‍ય સાઈ માર્ગ, કાલાવડ રોડ, રાજકોટ.

શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ, પ્‍લોટ નં.૨૩ બી, કાસિન્‍દ્રા ગામ, વિશ્‍વકર્મા મંદિરની સામે, સરખેજ ઘોળકા હાઈવે, દસક્રોઈતાલુકો, અમદાવાદ - ૩૮૨૨૧૦. સંપર્કઃ ૯૩૨૮૫૧૮૦૩૭, ૯૩૨૭૬૫૫૮૧૮

-દિલકી કલમ સેઃ ડૉ. શરદ ઠાકર

(3:11 PM IST)