<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

જમાઈએ સાસુને તલવારના ઉપરાછાપરી ઘા મારી દીધા

અમદાવાદનો હચમચાવતો કિસ્સો :પત્નીએ પતિ વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી હતી અરજી પાછી ખેંચી લેવા માટે થઈને જમાઈએ સાસરીમાં ગયો અને સાસુ પર તલવારના ત્રણ ઘા ઝીંકી દીધા

અમદાવાદ,તા.૧૧

અમદાવાદઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વટવાના નવાપુરા ખાતે રહેતી વૃદ્ધ મહિલાની દીકરીનો પતિ દારૃનો ધંધો કરતો હતો. આ વાતની જાણ લગ્ન બાદ થતાં પત્ની તેમજ તેના પરિવારના સભ્યોએ અનેક વખત જમાઈને દારૃનો ધંધો બંધ કરી દેવાનું જણાવ્યું હતું. આ વાતને લઈને દંપતી વચ્ચે તકરાર થતાં પત્નીએ પતિ વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી હતી. અરજી પાછી ખેંચી લેવા માટે થઈને જમાઈએ સાસરીમાં ગયો અને સાસુ પર તલવારના ત્રણ ઘા ઝીંકી દીધા હોવાનું સામે આવ્યું છે. જેથી આ મામલે સાસુએ જમાઈ સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બનાવની જો વિગતવાર વાત કરીએ તો, શહેરના નવાપુરા વટવા ખાતે રહેતી અમરુનિશા શેખ (ઉં.૫૫) તેના દીકરા અને પરિવાર સાથે રહે છે. આજથી ત્રણ વર્ષ અગાઉ મહિલાની દીકરીના લગ્ન જુહાપુરા ખાતે રહેતા અલ્લાઉદ્દીન મણિયાર સાથે કરાવ્યા હતા. બાદમાં જાણવા મળ્યું કે, તેમનો જમાઈ દારૃનો ધંધો કરે છે. જેથી પત્નીએ વારંવાર ધંધો છોડી દેવા તેના પતિને સમજાવતી હતી.

જોકે જમાઈ અલ્લાઉદ્દીન કોઈની વાત માનવા તૈયાર થતો ન હતો. સાસરીમાંથી સાળા અને સાસુએ પણ જમાઈને સમજાવ્યા પણ આરોપી કોઈની વાત માનવા તૈયાર ન હતો. પંદર દિવસ અગાઉ પત્નીએ તેના પતિને દારૃનો ધંધો છોડી દેવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ પત્નીએ તેના પતિ વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં અરજી સ્વરૃપે ફરિયાદ નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે, ૧૦ માર્ચના રોજ રાત્રીના બાર વાગ્યે આરોપી અલ્લાઉદ્દીન વટવા નવાપુરા ખાતે આવેલ તેની સાસરીમાં ગયો અને *તમારી દીકરીએ મારા વિરુદ્ધ જે અરજી કરી છે તે પાછી ખેંચી લો નહીં તો સારું નહીં થાય* જેથી સાસુએ જમાઈને ધંધો છોડી દેવાનું જણાવતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને બાદમાં જમાઈએ સાસુને તલવારના ત્રણ ઘા મારી દીધા હતા. આ સમયે બૂમાબૂમ થતાં આસપાસના લોકો ભેગા થઈ જતાં આરોપી અલ્લાઉદ્દીન મણિયાર નાસી ગયો હતો. આ મામલે સાસુએ વટવા પોલીસ સ્ટેશનમાં જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

(9:39 PM IST)