હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દહેગામના ભાદરોડા ખાતે ૮૦૦ કેદીની ક્ષમતા ધરાવતી ત્રિપલ જેલ બનશે
ગામની સીમમાં નવી જેલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો :ભાદરોડા ખાતે લગભગ ૧૨૦ કરોડના ખર્ચે બનનારી આ જેલમાં કુલ ૮૦૦ કેદી રાખી શકાશે

ગાંધીનગર,તા.૧૧
રાજ્યમાં પ્રથમવાર એક જ સ્થળે ત્રણ અલગ-અલગ પ્રકારની જેલ હાઈ સિક્યોરિટી, ઓપન જેલ અને જિલ્લા જેલ નિર્માણ થવાની છે. દહેગામના ભાદરોડા ખાતે લગભગ ૧૨૦ કરોડના ખર્ચે બનનારી આ જેલમાં કુલ ૮૦૦ કેદી રાખી શકાશે.
અમદાવાદ-ગાંધીનગર ટ્વિન સિટી તરીકે વિકસી રહ્યા છે અને સાબરમતી જેલમાં કેદીઓની સંખ્યા સતત વધી રહી છે. આવી પરિસ્થિતિમાં નવા વિકલ્પની જરૃરિયાત ઉભી થઈ છે. આના ભાગરૃપે દહેગામ તાલુકાના ભાદરોડા ગામની સીમમાં નવી જેલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે ૪ લાખ ચોરસ મીટર જમીન પર ફેલાશે.
ગુજરાતમાં પ્રથમવાર હાઈ સિક્યોરિટી જેલ બનાવાશે, જેની કુલ ક્ષમતા ૨૦૦ કેદી રહેશે અને ૬૫ કરોડના ખર્ચે નિર્માણ થશે. આ જેલ ખાસ કરીને આતંકવાદીઓ અને અન્ય ગંભીર ગુનાખોરી કરનારા કેદી માટે હશે. રાજ્ય બહારથી ટ્રાન્સફર વોરંટ દ્વારા લાવવામાં આવેલા કેદીઓને પણ અહીં રાખવામાં આવશે. કડક સુરક્ષા વ્યવસ્થા સાથે તેમને ભાગી છૂટવાનો કોઈ મોકો ન મળે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે.
ગાંધીનગર જિલ્લામાં હાલમાં કોઈ જેલ નથી, જે કારણે કાચા કામના કેદીઓને સાબરમતી જેલમાં મોકલવાની ફરજ પડે છે. ?૫૫ કરોડના ખર્ચે બનનારી આ જિલ્લા જેલ ૫૦૦ કેદી માટેની ક્ષમતા ધરાવશે. આ જેલ ગાંધીનગર જિલ્લામાં ગુનો કરનારા કેદી માટે ખાસ બનેલી રહેશે.
૧૦ કરોડના ખર્ચે બનનારી ઓપન જેલમાં ૧૦૦ કેદી માટે વ્યવસ્થા રાખવામાં આવશે. આ જેલમાં ખેતી અને પશુપાલન ક્ષેત્રે કામ કરવા ઇચ્છુક કેદીઓને રાખવામાં આવશે. અહીં ફળ, શાકભાજીની ખેતી અને પશુપાલન માટે પ્રોત્સાહન આપવામાં આવશે, જેથી તેઓ ફરી સમાજમાં પુનર્વસન માટે તૈયાર થઈ શકે.
ત્રણ પ્રકારની જેલ માટે મહત્વપૂર્ણ પગલું
છેલ્લા કેટલાક વર્ષોથી ગાંધીનગરમાં સબ-જેલ બનાવવાની ચર્ચા ચાલી રહી હતી. સાબરમતી જેલમાં વધતા ભારને ધ્યાનમાં લઈને દહેગામ ખાતે આ ત્રણ પ્રકારની જેલ બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ પ્રોજેક્ટ રાજ્ય માટે કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સાબિત થશે.
ભાદરોડા જેલ માટે અંદાજિત ખર્ચ અને ક્ષમતા
* ઓપન જેલઃ ૧૦ કરોડ – ૧૦૦ કેદી
* હાઈ સિક્યોરિટી જેલઃ ૬૫ કરોડ – ૨૦૦ કેદી
* જિલ્લા જેલઃ ૫૫ કરોડ – ૫૦૦ કેદી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
