હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમદાવાદના સી.જી રોડ પર 2.40 કરોડનાં દાગીનાં લૂંટવાનો પ્રયાસ કરનાર ઝડપાયા:પૂર્વ કર્મચારી નીકળ્યો માસ્ટર માઈન્ડ
નવરંગપુરા વિસ્તારમાં શોરૂમમાંથી દાગીના લઈને ડીલીવરી માટે જઈ રહેલા કર્મચારીઓને રોકીને મરચાની ભૂકી આંખોમાં નાખી દાગીના લૂંટવાનો પ્રયાસ કરનારને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા .

અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં અનેક જ્વેલર્સ અને આંગડિયા પેઢીની દુકાનો અને ઓફિસો આવેલી છે તેવામાં અવારનવાર લુટ જેવી ગંભીર ઘટનાઓ બનતી હોય છે, આ જ પ્રકારની એક ઘટના હાલમાં સામે આવી હતી જેમાં શોરૂમમાંથી દાગીના લઈને ડીલીવરી માટે જઈ રહેલા કર્મચારીઓને રોકીને મરચાની ભૂકી આંખોમાં નાખી દાગીના લૂંટવાનો પ્રયાસ કરાયો હતો. જોકે જ્વેલર્સના કર્મચારીની સજાગતાએ મોટી લૂંટને બનતી અટકાવી દીધી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડી અને લૂંટનો પ્રયાસ કરનાર ગેંગના સાત સાગરીતોને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા છે.
ઝોન 1 એલીસીબીએ નિશીત ઉર્ફે શંભુ સોલંકી, પવન સોની, મિતુલ દરજી, સંગ્રામસિંહ રાઠોડ, અનિલ પરિહાર અને દિપક ઉર્ફે મચ્છર શુક્લા નામના આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ સહિત 9 શખ્સોએ ભેગા મળી નવરંગપુરા વિસ્તારમાં આવેલા સુપર મોલમાં આવેલી પામ જ્વેલર્સ શોરૂમના કર્મચારીને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપીઓમાં માસ્ટર માઈન્ડ મિતુલ દરજી છે, જે અગાઉ પામ જ્વેલ્સમાં નોકરી કરતો હતો અને શોરૂમમાંથી દાગીના લઈને કર્મચારીઓ કેટલા વાગે નીકળે છે કયા રસ્તે જાય છે અને કેટલી કિંમતના દાગીના હોય છે તે બાબતે જાણકાર હોવાથી અન્ય આરોપીઓને ભેગા કરીને લૂંટ કરવાનું નક્કી કર્યું હતું.
10 માર્ચના રોજ સવારના સમયે પામ જ્વેલર્સનો કર્મચારી અભિષેક રાણા, જયેશભાઈ રબારી અને નિતેશભાઇ 2.40 કરોડની કિંમતના સોનાના દાગીના લઈને પાલનપુર જવા માટે નીકળી રહ્યા હતા. સુપર મોલના પાર્કિંગમાં પહોંચતાની સાથે જ એક કારમાંથી અચાનક ઉતરીને ત્રણ શખ્સો તેઓની પાસે આવ્યા હતા અને જયેશભાઈ રબારી પર મરચાનો પાવડર રાખીને તેમની પાસે રહેલા દાગીનાની લોટનો પ્રયાસ કર્યો હતો. જોકે અભિષેક રાણાએ સમય સૂચકતા વાપરી હતી, તેની સાથેના બંને કર્મચારીઓને ગાડીમાં બેસાડી ગાડી લોક કરી હતી. જે બાદ જોરથી ગાડીનો હોર્ન વગાડતા લૂંટારાઓ ગભરાઈ ગયા હતા અને ઈકો ગાડીમાં બેસીને ફરાર થઈ ગયા હતા. બાદમાં આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા નવરંગપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
ઝોન 1 LCB ની ટીમે આરોપીઓને પકડી તપાસ કરતા સામે આવ્યુ કે મિતુલ દરજી દ્વારા આ સમગ્ર પ્લાન બનાવવામાં આવ્યો હતો અને તેણે રેકી કરીને તમામ હકીકતો જાણી પવન અને નિશિત સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જોકે લોડ કરવા માટે નિશિત ઉર્ફે શંભુએ ખેડાથી ગાડીની વ્યવસ્થા કરી હતી અને સંગ્રામ સિંહ નામના આરોપીએ દીપક ઉર્ફે મચ્છરનો પવન સોની સાથે સંપર્ક કરાવ્યા બાદ પવન સોનીએ માણસોની વ્યવસ્થા કરી આપવા બદલ 10 હજાર આપ્યા હતા. આરોપીઓમાં દિપક ઉર્ફે મચ્છર હર્ષ ઉર્ફે કલ્લુ અને રાજુ મિશ્રાએ ગુનાને અંજામ આપ્યો હતું. તે સમયે નિશીત ઉર્ફે શંભુ પવન સોની અને અનિલ પરિહાર ગાડીમાં બેઠા હતા.
આરોપીઓના ગુનાહિત ઇતિહાસની તપાસ કરતા પોલીસને જાણ થઈ હતી કે આ કેસનો આરોપી પવન સોની અગાઉ નવરંગપુરામાં છેતરપિંડીના ગુનામાં પણ સામેલ હતો, તેમજ નિશિત ઉર્ફે શંભુ સામે વસો પોલીસ સ્ટેશનમાં મારામારી અને ધમકી તેમજ હિતેશ ઉર્ફે કાલ સામે ઓઢવમાં બે ચોરીના ગુના નોંધાયા છે. જોકે આ કેસમાં આરોપીઓ સાથે સામેલ અન્ય બે આરોપીઓના નામ પણ સામે આવ્યા છે. જેઓની ધરપકડ માટે અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં આ લૂંટ કરવા પાછળનું સાચું કારણ સામે આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
