<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

ઘોઘંબાના ધનેશ્વર ગામમાં ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિ ખંડિત: અજાણ્યા લોકોનું કૃત્ય :જૈન સમાજમાં રોષ

દેરાસરના મિજાગરા નકુચા તોડી અંદર ઘુસી મૂર્તિ ખંડિત કરી: તુટેલી મૂર્તિના ફોટાઓ અને વિડિયો વાયરલ થતાં જૈન સમાજમાં ભારે રોષ

 ઘોઘંબા તાલુકામાં સાત કિલોમીટર દુર આવેલ ધનેશ્વર ગામમાં વિજય ઈન્દ્ર જગત વિદ્યાલય નામની સ્કુલ ચાલે છે. તેના પટાંગણમાં જૈનોના ચોવીસમાં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનું સુંદર નાનું જિનાલય આવેલું છે. જેમાં ગઈ કાલે કેટલાક અજાણ્યા ઈસમોએ દેરાસરના મિજાગરા નકુચાતોડી અંદર ઘુસી મૂર્તિ ખંડિત કરી હતી

આ ઘટનાની જાણ થતાં સ્કૂલના બબલુ ભાઈ, તથા પ્રિન્સિપાલ મહેન્દ્ર ભાઈ ,પાવાગઢ તીર્થ ના ભરતભાઈ જૈન સુખદેવ વ્યાસ સહિત ના અગ્રણી ઓ ઘોઘંબાના રાયગઢ પોલિસ ઇન્સ્પેક્ટર પી આઈ મેડમ બુટીયાજીને રજૂઆત કરતા મામલાની ગંભીરતા જોતા પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું છે અને શકમંદો તથા સીસીટીવી ફુટેજ ના આધારે આ ઘટનાને અંજામ આપનાર તત્વો ઉપર ગાળીયો કરવામાં આવી રહ્યો છે.

   આ દરમિયાનમાં જાણીતા જૈન અગ્રણી તથા પાવાગઢ તીર્થના મંત્રી દીપક શાહે જણાવ્યું હતું કે અમને તાત્કાલિક ઘટનાની ગંભીરતા જોતા હિન્દુ નેતા અને ધારાશાસ્ત્રી નિરજ જૈને પણ પોલીસ ઝડપી આરોપીઓને પકડી પાડે તે માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના સંદર્ભે તુટેલી મૂર્તિના ફોટાઓ અને વિડિયો વાયરલ થતાં જૈન સમાજમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે.આ સંદર્ભે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

  એડવોકેટ નિરજ જૈન જણાવ્યું કે ધનેશ્વર ગામમાં મહાવીર સ્વાની પ્રતીમાં,ગૌતમ સ્વામીની પ્રતીમાં અને વલ્લભસુરી મહારાજની આ ત્રણેય પ્રતિમાંને ખંડીત કરવામાં આવી છે. જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. રાજગઢ પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓને પકડી લીધા છે. જે લોકોએ આ કૃત્ય કર્યું છે તેવા લોકોને છોડવા ના જોઈએ. આવું કરીને સમાજમાં શુ કરવા માંગે છે. આવા તત્વો કોઈ ભગવાનની પ્રતિમાં તોડશે તો ધાર્મીક સંઘર્ષ ઉભો થાય. તો આ ન થાય તેના માટે આવા તત્વોની સામે પોલીસે કડક કર્યવાહી કરવી જોઈએ.

(12:46 AM IST)