<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

લીંબડી-ધંધુકા હાઈવે પર ટેન્કર-રિક્ષા વચ્ચે અકસ્માત :2 લોકોનાં ઘટના સ્થળ પર જ મોત: 5 લોકો ઘાયલ

અકસ્માત એટલો ભયંકર હતો કે રિક્ષાનાં ફુરચેફુરચા ઊડી ગયા : અકસ્માત સર્જીને ટેન્કરચાલક ફરાર

લીંબડી ઘંઘુકા હાઇવે પર ટેન્કર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં 2 લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે. જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકોમાં બોરણા ગામના 70 વર્ષના પ્રવીણસિંહ રાણા અને 52 વર્ષના દેવુબેન મેટાલીયાનો સમાવેશ થાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લીંબડી-ધંધુકા હાઈવે નજીક ડુંગર તલાવ પાસે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ટેન્કર અને રિક્ષા એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા. આના કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અકસ્માતમાં 2 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 5 લોકોને નાની-મોટી ઇજાઓ થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

લીંબડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યા છે. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અકસ્માત એટલો ભયંકર હતો કે રિક્ષાનાં ફુરચેફુરચા ઊડી ગયા છે. જ્યારે અકસ્માત સર્જીને ટેન્કરચાલક ફરાર થઈ ગયો છે. પોલીસે ફરાર ટેન્કર ચાલકની શોધખોળ શરૂ કરી છ. સાથે જ સાક્ષી અને ઇજાગ્રસ્તોનાં નિવેદન લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

(6:48 PM IST)