News of Wednesday, 12th March 2025
કબૂતરબાજી કેસના આરોપી રજની ઉર્ફે સન્નીને કોર્ટમાં રજૂ કરાયો
આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચલાવી કબૂતરબાજી કરવાના કેસમાં સંડોવણીઃકોર્ટે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

અમદાવાદ,તા.૧૨
આંતરરાષ્ટ્રીય કબૂતરબાજી નેટવર્કના કેસના આરોપી રજની ઉર્ફે સન્ની દિનકર પટેલને SMCએ ઝડપી લીધા બાદ તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં કોર્ટે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
બોગસ પાસપોર્ટ અને દસ્તાવેજના આધારે લોકોને વિદેશ મોકલવાનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચલાવી કબૂતરબાજી કરવાના કેસમાં સંડોવાયેલા આરોપી રજની ઉર્ફે સન્ની દિનકર પટેલ (રહે. ગામ કેલીયા વાસણા, જી. અમદાવાદ)ને સ્ટેટ મોનીટરીંગ સેલએ ઝડપી લઇ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાયો હતો.
કોર્ટમાં સરકારી વકીલ ધીરુ પરમારે રિમાન્ડ અરજી અંગે એવી રજૂઆત કરી હતી કે, આરોપીનું નામ પહેલાંથી જ ફરિયાદમાં છે, તે ઘણા સમયથી નાસતો ફરતો હતો. જેથી આ આરોપી ક્યાં ક્યાં ગયો અને તેને કોને આશ્રય આપ્યો હતો તે અંગે તપાસ કરવા આરોપીની હાજરીની જરૃરિયાત છે જે કારણસર રિમાન્ડ આપવા જોઈએ.
આ સિવાય આરોપી અત્યાર સુધી ફરાર રહ્યો હતો, ત્યારે બીજા કોઇ ગુના કર્યા છે કે નહીં?, તે બાબતે વધુ તપાસ કરવા આરોપીને હાજર રાખી અને પુછપરછ જરૃરી છે. વધુમાં સરકારી વકીલે દલીલ કરી હતી કે, પકડાયેલ આરોપી રજની ઉર્ફે સન્ની પટેલ ફરાર હતો. ત્યારે મહારાષ્ટ્રથી તેણે એક ડોંગલ પણ ખરીદ્યું હતું તે કોના નામે ખરીદ્યું, આરોપીએ ડોંગલથી કોની કોની સાથે મીટીંગો કરી હતી?, આ કબૂતરબાજી કરતી ગેંગનો મુખ્ય આરોપી ભરત ઉર્ફે બોબી પટેલ છે, જેના કહ્યાથી સન્ની પટેલે ૧.૭૨ કરોડ રૃપિયાની માતબર રકમ ઉપાડી હતી તે ક્યાં છે, આરોપીઓ ઘણા સમયથી બોગસ પાસપોર્ટ અને દસ્તાવેજના આધારે લોકોને વિદેશ મોકલવાનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચલાવતો હતો તેમાં કોણ કોણ સંડોવાયેલું છે?. આરોપીએ બોગસ પાસપોર્ટ કોની પાસેથી અને કેવી રીતે બનાવ્યો? આ સહિતના મુદ્દાની તપાસ માટે આરોપીને ૧૪ દિવસના રિમાન્ડ આપવા જોઇએ.
બીજી તરફ બચાવ પક્ષના વકીલ તરફથી રજૂઆત કરાઈ હતી કે, અગાઉ આરોપી રજની ઉર્ફે સન્ની પટેલની ધરપકડ સમયે તમામ હકીકતો સામે આવી ચૂકી છે. સાથે જ જે પણ વિગતો આરોપી જાણતા હતા તે તમામ બાબતો પોલીસને જણાવી ચૂક્યા છે, જેથી ટેકનિકલ બાબતે રિમાન્ડ આપી શકાય નહીં તેવી રજૂઆત કરાઈ હતી.
કોર્ટે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીને ૧૦ દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે.
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
