<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

હારિજ નજીક આંગડિયા કર્મી પાસેથી રૃ.૨૬.૫૦ લાખની લૂંટ

બાઇક પર આવેલા શખ્સોએ છરીની અણીએ લૂંટ ચલાવીઃબાઇક પર સવાર બંને જણાએ મોઢા પર રૃમાલ બાંધેલો હતો તે પૈકી એક જણે સલમાનની કેડે છરી ભરાવી રોકડ રકમ ભરેલો થેલો છીનવી લીધો

પાટણ,તા.૧૨

પાટણના હારિજ નજીક બાઈકસવાર અજાણ્યા શખ્સોએ સમીના આંગડિયા પેઢીના કર્મચારીને છરીની અણીએ રૃ. ૨૬.૫૦ લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. લૂંટની ચકચારી ઘટનાને પગલે પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના તમામ હાઇવે પર નાકાબંધી કરાવી એલસીબી, એસઓજી સહિતની પોલીસ ટીમને કામે લગાડી છે. તો સાથે સાથે મહેસાણા-બનાસકાંઠા જિલ્લા પોલીસને પણ લૂંટ મામલે એલર્ટ કરવામાં આવી છે.

સમીના મોદીવાસમાં રહેતા સલમાન તાલીબભાઈ સૈયદ સમીમાં આવેલી પી.એમ.એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢી ખાતે નોકરી કરે છે. સોમવારે સમી ખાતેની પેઢી પર સવારથી સાંજ સુધીમાં આશરે ૩૦ લાખ જેટલા નાણાં આવ્યા હતા. જે પૈકી ૨૬.૫૦ લાખ રૃપિયા જુદા-જુદા ગ્રાહકોને જુદા જુદા શહેરોમાં ચૂકવવાના હોઈ પેઢીનો કરાર હારિજની પીએમ આંગડિયા પેઢી સાથે હોવાથી ૨૬.૫૦ લાખ રૃપિયા લઈ સલમાન સૈયદ સમીની ઓફિસેથી બાઇક પર હારિજ જવા નીકળ્યા હતા. જોકે, રાત્રિના આશરે આઠેક વાગ્યાના સુમારે કઠિવાડા ગામના પાટિયાથી આશરે ૨૦૦ મીટર હારિજ તરફ જતાં સામેથી એક બાઇક પર બે જણા એકદમ સામે આવી ગયા હતા. બાઇક પર સવાર બંને જણાએ મોઢા પર રૃમાલ બાંધેલો હતો. તે પૈકી એક જણે સલમાનની કેડે છરી ભરાવી રોકડ રકમ ભરેલો થેલો છીનવી લીધો હતો. તેમજ મોબાઇલ અને બાઇકની ચાવી લઈને હારિજ તરફ ભાગી છૂટ્યા હતા. તે પછી રસ્તામાં પસાર થતા એક બાઇક ચાલક પાસેથી મોબાઇલથી પોતાના કાકાને વાત કરતાં તેઓ બનાવ સ્થળે આવી પહોંચ્યા હતા. લાખોની લૂંટની ઘટનાની જાણ પાટણ જિલ્લા પોલીસ વડાને થતાં તેઓએ તાત્કાલિક એલસીબી અને એસઓજી ટીમ સાથે જિલ્લાની પોલીસને કામે લગાડી જિલ્લાના તમામ હાઈવે પર નાકાબંધી ગોઠવી લૂંટ ચલાવનાર શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. સાથે સાથે મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાની પોલીસને પણ એલર્ટ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. છરીની અણીએ આંગડિયા પેઢીના કર્મચારીને ડરાવીને તેની પાસેથી રૃ.૨૬ લાખ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હોવાની ઘટના બનતા સનસનાટી મચી જવા પામી છે.

(10:01 PM IST)