<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

હોળી-ધુળેટી પર્વે વડોદરા એસટી વિભાગે વધારાની 110 બસો ફાળવી : જરૂર પડ્યે વધુ બસો દોડાવાશે

ગઈકાલે વડોદરા ડિવઝન દ્ધારા વધારાની 54 ટ્રીપોનું આયોજન કર્યું જેમાં એસટી વિભાગને વધારાની રૂ. ત્રણ લાખ 42 હજારની આવક થઇ

વડોદરા : રંગોના પર્વ હોળી ધુળેટીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પોતાના વતનથી દૂર રહેતા લોકોને પોતાના વતન જવા માટે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ એસટી વિભાગ દ્વારા વિશેષ બસો દોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાંથી એસટી ડેપો ખાતેથી ગતરોજ તા. 10 માર્ચથી વધારાની 110 બસો દોડાવવામાં આવી રહી છે. ગતરોજ વડોદરા ડિવઝન દ્ધારા વધારાની 54 ટ્રીપોનું આયોજન કર્યું હતું. જેમાં એસટી વિભાગને વધારાની રૂ. ત્રણ લાખ 42 હજારની આવક થઇ હતી.

હોળી અને ધુળેટીના પર્વનો આદિવાસી સમાજમાં એક અનેરૂ મહત્વ રહેલું છે. આદિવાસી સમાજના લોકો ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ગમે ત્યાં વસવાટ કરતા હોય છે. ત્યારે વર્ષમાં હોળી અને ધુળેટીના તહેવાર દરમિયાન તે ગમે તે ખૂણામાં વસ્યા હોય પરંતુ, પોતાના માદરે વતન જતા હોય છે. અને ખૂબ જ ધામધૂમ પૂર્વક હોળી ધુળેટી પર્વની ઉજવણી કરતા હોય છે. આવા સમય ટાળે એસટી બસોમાં ભારે મુસાફરોનો ઘસારો જોવા મળતો હોય છે. ત્યારે એસટી ડેપો ખાતે આ ધસારાને પહોંચી વળવા માટે પ્રતિ વર્ષની જેમ આ વખતે પણ એસટી વિભાગ દ્વારા વધારાની 110 બસો દોડાવાનું આયોજન કરવામાં આવ્યું છે.

વડોદરા એસટી વિભાગના ડિવઝનલ ટ્રાફિક ઓફિસર જાગૃતિબેન રબારીએ જાણવ્યું હતું કે હોળી ધુળેટી પર્વને ધ્યાનમાં રાખી મુસાફરોના ઘસારાને પહોંચી વળવા વડોદરા સેન્ટ્લ એસટી ડેપો ખાતેથી ખાસ કરીને પંચમહાલ છોટાઉદેપુર દાહોદ ઝાલોદ ગોધરા સંતરામપુર અને ડાકોર ખાતે ગત તા. 10 માર્ચ થી વધારાની 110 થી બસો દોડાવવા આવી રહી છે. હજુ પણ જો મુસાફરોનો ઘસારો વધશે તો વધુ બસોની સુવિધા પણ ઉભી કરવામાં આવશે.

(10:12 PM IST)