<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

સુરતના પલસાણામાં લગ્ન પ્રસંગમાં ખેલાયો ખૂની ખેલ: DJમાં નાચવા બાબતે માથાકૂટ થતાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

સુરત ગ્રામ્ય પોલીસે એક આરોપીની અટકાયત કરી જ્યારે અન્ય આરોપીઓની ધરપકડ માટે પોલીસની અલગ-અલગ ટીમો તપાસ આદરી

સુરત જિલ્લાના પલસાણાના જોળવા ગામે લગ્ન પ્રસંગ દરમિયાન DJમાં નાચવા બાબતે બબાલ થતાં ચપ્પુના ઘા ઝીંકીને એક યુવકને રહેંસી નાંખવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જોળવા ગામમાં રહેતા તુષાર દેશલેના ભાઈના લગ્ન હતા. જેમાં રવિ દુબે (26) પોતાના મિત્રો સાથે ગયો હતો. જ્યાં DJમાં નાચતી વખતે રવિની અક્ષય અને ચેતન નામના ઈસમો સાથે માથાકૂટ થઈ હતી. જે બાદ તુષાર દેશલેના ઘરની સામે આવેલા રામેશ્વર મંદિરના ચોકમાં રવિ સહિતના ઈસમો ભેગા થયા હતા. જ્યાં અક્ષય, ચેતન અને તેમના અન્ય એક સાગરિતે રવિને ધારદાર છરીને ઘા ઝીંકી દીધા હતા.

 

જેથી લોહીલુહાણ હાલતમાં રવિ દુબેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતાં હોસ્પિટલ પહોંચેલા મૃતકના પરિવારજનોના હૈયાફાટ રૂદનથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી. હાલ તો સુરત ગ્રામ્ય પોલીસે એક આરોપીની અટકાયત કરી છે. જ્યારે અન્ય આરોપીઓની ધરપકડ માટે પોલીસની અલગ-અલગ ટીમો તપાસ આદરી છે.

(11:49 PM IST)