<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

બિલ્ડર પાસેથી ત્રણ શખ્સોએ સ્ટેમ્પ ડયૂટી પેટે ૪૫ લાખ પડાવી લીધા

ધાર્મિક ટ્રસ્ટોમાંથી લોન આપવાના નામે છેતરપિંડી :ફાઈનાસન્સરે કાગળોની ફાઈલ તૈયાર કરીને મળવા જણાવ્યું

વડોદરા, તા. ૧૫

વડોદરાના બિલ્ડરને ધાર્મિક ટ્રસ્ટોમાંથી રૃ.૧૧ કરોડની લોન આપવાના નામે ત્રણ શખ્સોએ ચિખોદરા પાસે મિટિંગ ગોઠવી, સ્ટેમ્પ ડયુટી પેટે રૃ.૪૫ લાખ લઈ લીધા હતા. બાદમાં લોન નહીં અપાવતા બિલ્ડરે પોલીસમાં અરજી કરી હતી. જેમાં ત્રણેય શખ્સોએ પોતાની ઓળખ છુપાવી છેતરપિંડી આચરી હોવાનું ખૂલ્યું હતું.

આણંદ ગ્રામ્ય પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરામાં રહેતા અને કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરતા સુનિલભાઈ કનુભાઈ પંચાલને એક વર્ષ પહેલા ધંધા માટે નાણાંની જરૃર પડતા તેમના પરિચિત જગદીશભાઈ પુજાભાઈ મકવાણા (રહે. અમદાવાદ)એ ગત માર્ચ મહિનામાં ફોન મારફતે હરિભાઈ શાહ નામના ફાઈનાન્સરનો સંપર્ક કરાવ્યો હતો. ફાઈનાસન્સરે ફાઈનાન્સ સંબંધી કાગળોની ફાઈલ તૈયાર કરીને મળવા જણાવ્યું હતું.

દરમિયાન હરિભાઈ ચિખાદરા સ્વામિનારાયણ મંદિરે આવેલા હોવાથી સુનિલભાઈને ચિખોદરા ચોકડી ખાતે આવીને મળવા જણાવ્યું હતું. જેથી સુનિલભાઈ પોતાના પીએ સહેજાદ અલી સાથે આણંદની ચિખોદરા ચોકડી ખાતે ગયા હતા. જ્યાં હરિભાઈએ તેમને હિતેન્દ્રભાઈ શાહ અને સતિષભાઈ નામના વ્યક્તિઓ સાથે ઓળખાણ કરાવી હતી. હિતેન્દ્રભાઈએ ધાર્મિક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને નેતાઓ સાથે સારા સંબંધો હોવાથી પૈસાનું ફાઈનાન્સ કરશે જેમ જણાવ્યું હતું. તેમજ પોતે ચાર ધાર્મિક સંસ્થાના પૈસાનો વહીવટ કરતા હોવાનું અને મોટા બિલ્ડરોને ફાઈનાન્સ કરતા હોવાનું જણાવી ફાઈનાન્સ કરાવી આપીશ તેમ જણાવતા સુનિલભાઈને વિશ્વાસ બેઠો હતો. હિતેન્દ્રભાઈએ ફાઈલ જોઈને રૃ.૧૧ કરોડની લોન મળશે અને તે પેટે પહેલા તમારે સ્ટેમ્પ ડયુટીના રોકડા રૃ. ૪૫ લાખ આપવા પડશે, બાદમાં લોન મંજૂર થશે તેમ જણાવ્યું હતું.

સુનિલભાઈએ ત્રણેય શખ્સોને વડોદરા બોલાવી તા.૪ એપ્રિલ ૨૦૨૪ના રોજ સ્ટેમ્પ ડયુટી પેટે રૃ.૪૫ લાખ રોકડા આપ્યા હતા. જેથી ત્રણેય શખ્સોએ આવતીકાલે રૃ.૧૨ કરોડનો ચેક આપીશું તેમ કહી નાણાં લઈને રવાના થઈ ગયા હતા. બીજા દિવસે સુનિલભાઈએ હરિભાઈ અને હિતેન્દ્રભાઈનો ફોન પર સંપર્ક કરતા બંનેના ફોન બંધ આવતા હતા.જોકે, સાંજે હરિભાઈએ ફોન ઉપાડી, રાત્રે તમારી પાસેથી પૈસા લઈને સુરત જતા હતા ત્યારે રસ્તામાં ભરૃચ પોલીસે કાર તપાસી ચૂંટણી અનુસંધાને નાણાં જપ્ત કરી લીધા હોવાથી હમણાં ફોન કરશો નહીં તેમ કહી ફોન મૂકી દીધો હતો. બાદમાં શખ્સોએ ખાતામાં બેલેન્સ ન હોય તેવા ચેકો આપી લખાણ કરી આપ્યું હતું. જેથી સુનિલભાઈને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેમણે પોલીસમાં અરજી કરી હતી.

(8:01 PM IST)