News of Saturday, 15th March 2025
અમદાવાદમાં કાળઝાળ ગરમી, હિટવેવના કારણે હાઈ ગ્રેડ ફીવરના કેસ વધ્યા
ગરમીનો પારો ઉનાળાની શરૃઆતથી જ ઊંચે પહોંચ્યું છેઃઅમદાવાદની ખાનગી હોસ્પિટલમાં હાઈ ગ્રેડ ફિવરના કેસમાં ૨૦ ટકા જેટલો વધારો નોંધાયો છે

અમદાવાદ,તા.૧૫
ઉનાળાના પ્રારંભ સાથે જ ગરમીનો પારો ૪૦ થી ૪૨ ડિગ્રીને પાર પહોંચ્યો છે. તેવામાં છેલ્લા ત્રણ-ચાર દિવસમાં કેસમાં વધારો નોંધાયો છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં હાઈ ગ્રેડ ફિવરના કેસમાં ૨૦ ટકા જેટલો વધારો નોંધાયો છે. એટલે કે ૬૦ થી વધુ કેસ ત્રણ દિવસમાં જોવા મળ્યા છે. ઘરે ગરમીમાં અને ખાસ કરીને હીટવેવની સ્થિતિમાં કેવી રીતે સાવચેતી રાખવી તે અંગે નિષ્ણાત તબીબો સલાહ આપી રહ્યા છે.
ગરમીનો પારો ઉનાળાની શરૃઆતથી જ ઊંચે પહોંચ્યું છે. હજુ તો ઉનાળાની શરૃઆત થઈ છે ત્યાં અમદાવાદ સહિત રાજ્યના ઘણા શહેરોમાં ગરમીનો પારો ૪૦ થી ૪૨ ડિગ્રીની આસપાસ પહોંચી ચૂક્યો છે. હવામાન વિભાગે પણ હીટ વેવની આગાહી કરી હતી. અમદાવાદમાં ગરમીનો પારો ઊંચે જતા ફીવરના કેસમાં વધારો થયો છે.
ત્રણ દિવસમાં હાઈ ગ્રેડ ફીવરના ખાનગી હોસ્પિટલમાં ૬૦ થી વધુ કેસ સામે આવ્યા છે. તેમજ ડબલ ઋતુના કારણે શરદી અને ખાંસીના કેસમાં પણ વધારો થયો છે. ગરમીનો પારો ઊંચે જતા ડી-હાઇડ્રેશન, પેટનો દુખાવો, બેચેની, ગભરામણના કેસમાં વધારો નોંધાયો છે.
આ અંગે સિનિયર ફિઝિશિયન ડૉ. પ્રવીણ ગર્ગએ જણાવ્યું કે, "ગરમીના કારણે સૌથી વધુ પાણીનો વ્યય શરીરમાંથી થતો હોય છે જેને સીધી અસર સ્વાસ્થ્ય પર પડતી હોય છે. જેથી ગરમીમાં બને ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને જો બહાર નીકળવાનું થાય તો લીંબુ શરબત, સીકંજી, છાશ જેવા પ્રવાહીનો વધુ પડતો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને સગર્ભા મહિલા, વૃદ્ધો અને બાળકોએ ગરમીમાં બહાર નીકળવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ."
હાઈ ગ્રેડ ફીવર ઉપરાંત ગરમીના કારણે ચક્કર આવવા અને બેભાન થઈ જવાની કેસ પણ બનતા હોય છે. ત્યારે લોકોએ સાવચેતી રાખવી વધુ જરૃરી છે. મહત્વનું છે કે હજુ તો માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને હજુ તો એપ્રિલ અને મે નો આકરો ઉનાળો બાકી છે. ત્યારે સ્વાસ્થ્ય સાચવવું વધુ હિતાવહ છે.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
