News of Saturday, 15th March 2025
ટૂંક સમયમાં શરૂ થનાર નર્મદા પરિક્રમામાં રામપુરા રોડ પર આવેલ તૂટેલું ગરનાળુ ભક્તો માટે અત્યંત જોખમી
ગત ચોમાસામાં તૂટેલું આ નાળું હજુ સુધી નહીં બનતા આ તરફથી જતા પરિક્રમાવાસીઓ માટે જીવલેણ કહી શકાય:નર્મદા પરિક્રમાનો ખૂબ મહિમા છે અને લાખો લોકો આ પરિક્રમા કરે છે જેમાં તિલકવાડા કે ગરુડેશ્વર તરફથી આવતા ભક્તો માટે આ ગરનાળા વાળો શોર્ટ કટ છે

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા પરિક્રમા શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે અને દર વર્ષે તંત્ર આ પરિક્રમામાં કોઈ અડચણ ન પડે એ માટે મિટિંગમાં આ રુટ યોગ્ય કરવાના દાવા કરે છે છતાં પરિક્રમા શરૂ થયા બાદ કોઈકને કોઈક મુશ્કેલી ઊભી થાય ત્યારે તંત્રના દાવા પોકળ જ સાબિત થયા છે
આગામી ૨૯ માર્ચથી નર્મદા પરિક્રમા શરૂ થઈ રહી છે જેમાં કેટલીક ઠેકાણે રસ્તાના ઠેકાણા નથી તો કેટલાક રૂટ પર ગરનાળાની સમસ્યા હોય જેમાં રામપુરાથી સમારીયા તરફ જતા રોડ પર ખાડી ઉપર આવેલ ગરનાળુ ગત ચોમાસામાં તૂટી ગયું હતું જે હજુ સુધી તૂટેલી હાલતમાં જ હોય ત્યારે આ તરફથી જનાર પરિક્રમાવાસીઓ માટે આ નાળું જોખમી હોવાનું જણાય છે. સાથે સાથે રસ્તા પણ ધૂળિયા હોય જિલ્લા પંચાયત હસ્તક આવતું આ નાળું હજુ કેમ બન્યું નથી એ એક પ્રશ્ન છે તો તાબડતોબ આ નાળું બનાવાય અથવા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો જાય તેવી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર દ્વારા કરાઇ તેવી માંગ છે.
આ મુદ્દે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંત કારોબારી સભ્ય પ્રવિણસિંહ ગોહિલે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે ગરુડેશ્વર અને તિલકવાડા તરફથી જનાર પરિક્રમાવાસીઓ આ રામપુરા સમારીયા તરફના રૂટ પરથી જવાના હોય અને ત્યાં ગરનાળુ તૂટેલું છે માટે ટુ વ્હીલર કે ફોર વ્હીલર લઈને જવું જોખમી છે, જોકે કેટલાક આવા વાહનો તૂટેલા ગરનાળા માં એક તરફ બચેલો ભાગ છે ત્યાંથી જોખમી રીતે પસાર થાય છે પરંતુ એક વાહન નિકળતું હોય તો બીજું જઈ શકે નહીં માટે બચેલા એક ભાગ પરથી મોટી સંખ્યામાં પરિક્રમવાસીઓના વાહનો નીકળશે તો એ જીવલેણ સાબિત થઈ શકે તેમ છે માટે તંત્ર આ બાબતને ગંભીરતાથી લઈ યોગ્ય કામગીરી કરાવે એ જરૂરી છે.
આ મુદ્દે નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ એ જણાવ્યું કે હું આ માટે લાગતા વળગતા અધિકારી સાથે વાત કરી આગળ કામગીરી કરાઇ એ માટે કાર્યવાહી કરું છું.
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
