<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

ગુજરાતી સાહિત્યના વરિષ્ઠ સર્જક રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષની ઉંમરે દુઃખદ નિધન: રવિવારે અંતિમવિધિ

ગ્રામ પત્રકારત્વ માટે તેમને રાજ્ય સરકારનો ઍવૉર્ડ, સ્ટેટ્સમૅન ઍવૉર્ડ, ટૂંકી વાર્તાના ક્ષેત્રે સરોજ પાઠક ઍવૉર્ડ અને ધૂમકેતુ ઍવૉર્ડ એનાયત કરાયા હતા

ગુજરાતી સાહિત્યના વરિષ્ઠ સર્જક રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષની ઉંમરે નિધન થયું છે. મળતી માહિતી અનુસાર, આજે તેમનું ટુંકી બીમારી બાદ રાત્રે નિધન થયું છે. આવતીકાલ સવારે તેમની અંતિમવિધિ કરવામાં આવશે.

તેઓ પત્રકાર, વાર્તાકાર, નવલકથાકાર અને ચરિત્રનિબંધોના લેખક હતા. તેમણે ગુજરાતી ભાષાને અનેક યાદગાર કૃતિઓ આપી હતી. નવલકથા, વાર્તા, જીવનચરિત્ર અને ઝબકારના તેમના જીવનચિત્રો ગુજરાતી સાહિત્યમાં ખૂબ લોકપ્રિય છે.

 ગ્રામ પત્રકારત્વ માટે તેમને રાજ્ય સરકારનો ઍવૉર્ડ, સ્ટેટ્સમૅન ઍવૉર્ડ, ટૂંકી વાર્તાના ક્ષેત્રે સરોજ પાઠક ઍવૉર્ડ અને ધૂમકેતુ ઍવૉર્ડ એનાયત કરાયા છે. 2003ના વર્ષનો કુમાર સુવર્ણચંદ્રક એમને પ્રદાન થયો હતો. તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીનાં પાંચ એવોર્ડ, ગુજરાતી સાહિત્ય પરિષદનાં ઍવૉર્ડ, પત્રકારિત્વમાં ગુજરાત સરકારનો ઉત્તમ ઍવૉર્ડ, હરિ ઓમ આશ્રમ ઍવૉર્ડ, કલકતાનાં સ્ટેટ્સમેન અખબારનો રાષ્ટ્રીય કક્ષાનો ઍવૉર્ડ, દૈનિક અખબાર સંઘ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.

 

રજનીકુમાર પંડ્યાનો જન્મ 6 જુલાઈ 1938ના રોજ જેતપુરમાં થયો હતો. તેમણે બાળપણ બીલખામાં વીતાવ્યું હતું. તેમના પિતા બીલખા સ્ટેટના સગીર-રાજવી વતી કારભાર સંભાળતા હતા એટલે રજવાડી જાહોજલાલી હતી. જો કે, રાજ્યો-રજવાડાઓનું દેશમાં વિલીનીકરણ થતાં જાહોજલાલીનો અંત આવ્યો. તેમણે પ્રાથમિક શિક્ષણ બીલખા, ચરખા, ગોપાલગ્રામ, ઢસા અને જેતપુરમાં લીધું હતું. તેમના માતા શિક્ષિત હતા એટલા વાંચવા-લખવાનો શોખ તેમને બાળપણથી જ હતો. વર્ષ 1959માં ગુજરાત યુનિવર્સિટીમાંથે તેમણે બી.કૉમ કર્યું અને ત્યારબાદ વર્ષ 1966માં અહીં જ તેમણે બી.એ.ની પદવી મેળવી. વર્ષ 1959 થી 1966 સુધી સરકારી ઓડિટર તરીકે અને 1966 થી 1989 સુધી બેંક મેનેજર તરીકે કામ કર્યું હતું

 

તેમણે લેખનની શરૂઆત વર્ષ 1959થી કરી હતી. ટૂંકી વાર્તામાં તેમને વિશેષ રુચિ રહી છે. વર્ષ 1977માં પ્રથમ વાર્તાસંગ્રહ 'ખલેલ' પ્રકાશિત થયો. વર્ષ 1980થી તેમણે કટારલેખનની શરૂઆત કરી. 'ઝબકાર' શ્રેણીનાં પ્રસંગ આલેખનો, ઉપરાંત દૈનિકપત્રોમાં પ્રગટ થયેલ લેખોની 'મનબિલોરી' અને રેખાચિત્રોની 'ગુલમહોર' વગેરે લોકપ્રિય કટારો તેમણે આપી.

તેમણે વર્ષ 1985માં નવલકથા-લેખનક્ષેત્રે પ્રવેશ કર્યો. તેમની નવલકથાઓ 'કોઈ પૂછે તો કહેજો' (1988), 'ચંદ્રદાહ' (1989-વાર્તાસંગ્રહ), 'પરભવના પિતરાઈ' (1991) (સાબરકાંઠાનાં આદિવાસી વિસ્તારનાં લોકસેવક નરસિંહભાઇ ભાવસારના જીવન ઉપરથી લખાયેલી નવલકથા) જેના ઉપરથી ટેલી ફિલ્મ બની હતી. ચિત્રલેખામાં પ્રસિદ્ધ થયેલ નવલકથા 'કુંતી' (ભાગ 1-2, 1991)એ એમને અપાર યશ અને કીર્તિ અપાવ્યા હતા. અધિકારી બંધુઓ અને નિમેષ દેસાઈએ તેના ઉપરથી રાષ્ટ્રીય દૂરદર્શન ઉપર હિંદીમાં ટીવી સીરીયલો બનાવી હતી. નવલકથા 'અવતાર' (1992) નોંધપાત્ર છે. 'આપકી પરછાંઈયાં' (1955)માં સિનેસૃષ્ટિના કલાકારોનાં રેખાચિત્રો છે. 'આત્માની અદાલત' (1993) તેમનો વાર્તાસંગ્રહ છે.

તેમની 'પુષ્પદાહ' (1994) એક સાથે પાંચ અખબારોમાં પ્રકાશિત થઈ. આ નવલકથા વિશેષ નિમંત્રણથી અમેરિકા જઈને ત્યાંનાં વાસ્તવિક પાત્રો વચ્ચે રહીને તેમણે લખી છે. 1998માં વિશેષ નિમંત્રણથી આફ્રિકા જઈને મલાવીના ઉદ્યોગપતિ સ્વ. હંસરાજ કાલરીયાનું જીવનચરિત્ર 'હંસ પ્રકાશ' લખ્યું. 2003માં નડિયાદનાં ઉદ્યોગપતિ ઇન્દ્રભાઈ પટેલ (ઇપ્કો વાળા)નું જીવન ચરિત્ર લખ્યું.

2000માં તેમની ષષ્ઠિપૂર્તિની ઉજવણી વખતે ઉર્વિશ કોઠારી અને બીરેન કોઠારી દ્વારા 'રજની કુમાર- આપણા સૌના' પ્રગટ થયુ એ સમયે તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું અને તેમના વિશેનાં સંભારણા ગ્રંથમાં પ્રગટ થયાં છે.

.

(11:01 PM IST)