<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

વડોદરાના બહુ ચર્ચિત રક્ષિત કાંડ મામલે વિરોધના વંટોળ : એમ એસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇ દ્વારા રક્ષિતને યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શન

રક્ષિત અગાઉ પણ નશાની હાલતમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી હતી અને આ મારામારીનો મામલો પોલીસ મથક ખાતે પણ પહોંચ્યો હતો જ્યાં રક્ષિતે માફીનામું લખતા સમાધાન થયું હતું

વડોદરા તા.૧૭

 વડોદરાના બહુ ચર્ચિત રક્ષિત કાંડ મામલે વિરોધના વંટોળ ઉભા થયા છે એમ એસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇ દ્વારા રક્ષિતના યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી સાથે હાથમાં પોસ્ટરો લઈ હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

કારેલીબાગના આમ્રપાલી કોમ્પલેક્ષ નજીક બનેલા અકસ્માતે સમગ્ર દેશમાં ચકચાર જગાવી મૂકી છે. અકસ્માતને અંજામ આપનાર રક્ષિત ચોરસીયા વિશ્વવિખ્યાત વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે. ત્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની છબી ખરાબ થતી હોય તેવા આક્ષેપ સાથે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પહોંચી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થી અગ્રણીઓએ ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડોક્ટર ધનેશ પટેલને આવેદનપત્ર પાઠવ્યું હતું. વિદ્યાર્થી અગ્રણીઓએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં જ્યારે મારામારી થતી હોય છે. ત્યારે ભૂતકાળમાં પણ આવા કેટલાક વિદ્યાર્થીઓ વિરુદ્ધ જો કાર્યવાહી થતી હોય તો આ આરોપી વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ.

રક્ષિત અગાઉ પણ નશાની હાલતમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી હતી અને આ મારામારીનો મામલો પોલીસ મથક ખાતે પણ પહોંચ્યો હતો. જ્યાં રક્ષિતે માફીનામું લખતા સમાધાન થયું હતું. ત્યારે આવા વિદ્યાર્થીને યુનિવર્સિટી માંથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી સાથે NSUI દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

સમગ્ર મામલે યુનિવર્સિટીના ઈન્ચાર્જ વીસી પ્રોફેસર ધનેશ પટેલે જણાવ્યું હતું કે, રક્ષિત ચોરસીયા લો ફેકલ્ટીમાં આઠમા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. જે ઘટના બની એનું અમને દુઃખ છે. આજે NSUI દ્વારા રક્ષિતનું એડમિશન રદ કરવા માંગણી કરવામાં આવી છે. અમે અમારી લીગલ ટીમ સાથે ચર્ચા કરી આગળ પગલાં ભરીશું. અન્ય વિદ્યાર્થીઓ પણ આ પ્રકારની ગતિવિધિથી દૂર રહે તેવા પણ અમે પ્રયાસ કરીશું અને તમામ ડીન સાથે મળીને આગળનો નિર્ણય લેવાશે તેમ જણાવ્યું હતું.

(5:02 PM IST)