<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષના બજેટમાં રૂા.૭૪૬ કરોડની માતબર રકમનો વધારો: આદિજાતિ મંત્રી ડૉ.કુબેરભાઇ ડિંડોર

આદિજાતિના સર્વાંગી વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના માટે ૩૭.૫ ટકાના વધારા સાથે રૂ. ૧,૧૦૦ કરોડની ફાળવણી:વનબંધુ કલ્યાણ યોજનામાં રૂ. ૧ લાખ કરોડની રકમ ફાળવવાનો લક્ષ્યાંક સિદ્ધ: શિક્ષણ ક્ષેત્રની યોજનાઓ માટે આગામી વર્ષ ૨૦૨૫-૨૬ માટે કુલ મળી રૂ. ૩,૩૧૦ કરોડ જેટલી રકમની વધારાની જોગવાઇ

ગાંધીનગર :ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટીમાં ૧૪ જિલ્લાઓ, ૫૩ જેટલા તાલુકાઓ, ૫,૮૦૦ કરતાં વધારે ગામડાઓ અને તેમાં વસવાટ કરતા અંદાજે ૧ કરોડથી વધુ આદિવાસી બંધુઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસની તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાચા અર્થમાં ચિંતા કરીને અનેકવિધ નવી યોજનાઓ અમલી બનાવી છે.

    દેશની કુલ આદિજાતિ વસ્તીના ૮.૧ ટકા ગુજરાતમાં વસે છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટેના અંદાજપત્રમાં આદિજાતિના સર્વાંગી વિકાસ માટે કુલ રૂ. ૫,૧૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ગત વર્ષના રૂ. ૪,૩૭૪ કરોડની સામે આગામી વર્ષમાં રૂ. ૭૪૬ કરોડનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે જે વર્તમાન સરકારની આદિવાસી બંધુઓના વિકાસની ઈચ્છાશક્તિ દર્શાવે છે. આ બજેટ આદિજાતિ વિભાગના ઇતિહાસનું આજદિન સુધીનું સૌથી વધુ રકમનું બજેટ છે તેમ,આજે આદિજાતિ વિકાસ મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરે વિધાનસભામાં આદિજાતિ વિકાસ વિભાગની માંગણીઓ રજૂ કરતા જણાવ્યું હતું.
   આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે કહ્યું હતું કે, આઝાદીની લડતમાં પણ આદિવાસી સમાજ સૌથી પહેલા આહુતી આપી ચૂક્યો હતો તેમાં મુખ્ય ભૂમિકા ભજવનાર બિરસા મુંડાથી લઇ ગોવિંદ ગુરુ અને મોતીલાલ તેજાવત સુધી સૌને વંદન કરું છુ. ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીને ઉજવવા માટે પણ આ બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. આઝાદીની લડાઇમાં આદિવાસી સમાજનું ખૂબ મોટું બલીદાન અને ખૂબ મોટું યોગદાન રહેલું છે. આઝાદી પછી આવેલી કોંગ્રેસની સરકારો-ત્યારે તો રાજયો હોય કે કેન્દ્ર હોય, કોંગ્રેસનું એકહથ્થું શાસન હતું, આ સમાજની વર્ષો સુધી ઉપેક્ષા થતી રહી, સમાજ મુખ્યધારાથી વિખૂટો પડી ગયો. કોંગ્રેસે માત્ર આ સમાજનો વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે. આદિવાસીઓ એ આ રાજ્યનું ગૌરવ છે. આ રાજ્યની વન્ય સંપદાને સંરક્ષિત અને સંવર્ધિત કરવામાં આદિવાસીઓનું ખૂબ મોટું યોગદાન છે.
  તેમણે કહ્યું હતું કે, આ વર્ષે આપણે આદિવાસી સમાજના ભગવાન શ્રી બિરસા મુંડાજીની જન્મ જયંતીના ૧૫૦માં  વર્ષને ‘જનજાતિય ગૌરવ વર્ષ’ તરીકે ઊજવી, આદિજાતિના સર્વાંગી વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના માટે ૩૭.૫ ટકાના વધારા સાથે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧,૧૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
   વનબંધુ કલ્યાણ યોજના હેઠળ મળેલી સિદ્ધિઓની વાત કરતાં મંત્રીશ્રીએ કહ્યું કે વર્ષ-૨૦૦૧ની સરખામણીએ વર્ષ-૨૦૨૩માં માધ્યમિક શાળાઓ ૯૦૮થી વધીને ૧,૭૩૭ જ્યારે ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ ૪૪૮થી વધીને ૨,૯૭૧ થઈ છે, જ્યારે ડ્રોપ આઉટ રેશિયો ૩૭.૨ ટકાથી ઘટીને ૪.૫ ટકા સુધી આવ્યો છે. આ જ પ્રકારે, આદર્શ નિવાસી શાળાઓની સંખ્યા ૭૫, સરકારી છાત્રાલયો ૧૭૬ તેમજ ૨૦ સમરસ છાત્રાલયો, EMRS, GLRS, મોડેલ સ્કૂલ,સૈનિક શાળાઓ પાંચથી વધીને ૧૦૫, જ્યારે આઠ નવી મેડિકલ કૉલેજો શરૂ કરવામાં આવી છે.
   વર્તમાન વડાપ્રધાન અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ વર્ષ-૨૦૦૭માં શરૂ કરેલી વનબંધુ કલ્યાણ યોજનાને મળેલી સફળતાને પગલે ગુજરાત સરકારે વનબંધુ કલ્યાણ યોજના ૨.૦ અમલમાં મૂકી, વર્ષ ૨૦૨૧-૨૨માં આગામી પાંચ વર્ષમાં રૂ. ૧ લાખ કરોડની ફાળવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત આ બજેટમાં રૂ. ૩૦,૧૨૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ફાળવણી સાથે આપણે રૂ. ૧ લાખ કરોડનો લક્ષ્યાંક સિદ્ધ કર્યો છે તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.
   આદિજાતિ વિકાસ માટે કાર્યરત યોજનાઓની વિગતો આપતાં મંત્રીએ કહ્યું કે આદિવાસીઓના સમગ્રતયા વિકાસ માટે રાજ્ય સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે. જે માટે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિવાસી કુટુંબોને ગુણવત્તાયુકત રોજગારી, પરિણામલક્ષી શિક્ષણ, વેગવંતો આર્થિક વિકાસ, ચોખ્ખું પીવાનું પાણી, સાર્વત્રિક વીજળીકરણ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને આદિજાતિના સર્વાંગી વિકાસને રાજ્ય સરકારે અગ્રતા આપી છે. વર્ષ ૨૦૦૧ સુધીમાં આદિવાસીઓને માત્ર ૨૮,૩૧૭ કૃષિ કૂવા વીજ જોડાણ સામે વર્ષ ૨૦૨૩ સુધીમાં ૨,૬૯,૯૮૬ જોડાણ આપવામાં આવ્યા છે.
    રાજ્યમાં આદિજાતિ સમાજ માટે વિવિધ શૈક્ષણિક યોજનાઓ માટે કરવામાં આવેલી જોગવાઈઓ અંગે વાત કરતાં મંત્રીએ કહ્યું કે, ભારત સરકારની આદિજાતિના પ્રિ-એસ.એસ.સી.ના વિદ્યાથીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિની યોજના માટે રૂ.૫૫ કરોડની જોગવાઇ, ભારત સરકારની પોસ્ટ એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓને આપવામાં આવતી ભારત સરકારની શિષ્યવૃત્તિની યોજના માટે રાજ્ય સરકારની જોગવાઇ સહિત કુલ રૂ. ૬૬૫.૦૦ કરોડની જોગવાઇ, પ્રિ-એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની યોજના માટે રૂ. ૧૦૫.૦૦ કરોડની જોગવાઇ, પોસ્ટ એસ.એસ.સી. અભ્યાસ્ક્રમોમાં અભ્યાસ કરતી વધુ આવકવાળી બહેનોને શિષ્યવૃત્તિ યોજના માટે રૂ. ૯૦.૦૦ કરોડની જોગવાઈ, આદિજાતિની કન્યાઓને શાળાએ પહોંચવા માટે વિદ્યાસાધના યોજના હેઠળ સાયકલ સહાયની યોજના માટે રૂ. ૧૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
ધો. ૧ થી ૮ના વિદ્યાર્થીઓને ગણવેશ સહાયની યોજના માટે રૂ. ૧૦૮.૦૦ કરોડની જોગવાઇ, ટેક્નિકલ ડિપ્લોમા અને વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કાર્યરત સ્વામી વિવેકાનંદ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત રૂ. ૬.૭૭ કરોડની જોગવાઇ, છાત્રાલયોમાં રહીને ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ભોજનબીલ સહાય અંતર્ગત રૂ. ૫૫.૫૦ કરોડની જોગવાઇ કરાઈ છે.
તેમણે કહ્યું હતું કે, આ જ પ્રકારે, રાજ્યના આદિજાતિના બાળકો માટે ગ્રાન્‍ટ ઇન એઇડના ધોરણે ચાલતી ૬૬૫ આશ્રમશાળાઓ માટે નવી બાબતો સહિત કુલ રૂ. ૫૪૯.૧૭ કરોડની જોગવાઇ, આદિજાતિના વિદ્યાર્થીઓ માટેની ૭૪ આદર્શ નિવાસી શાળાઓ માટે રૂ. ૧૨૧.૯૬ કરોડની જોગવાઈ, રાજ્યની ૪૮ એકલવ્ય મોડેલ રેસિડેન્‍શીયલ સ્કુલ, ૪૩ કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ અને ૧૨ મોડેલ ડે શાળાઓ માટે તેમજ નવી બાબતો સહિત કુલ રૂ. ૪૭૩.૧૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
જ્યારે અનુ.જનજાતિના વિદ્યાર્થીઓ માટેની રાજ્યની ૧૭૬ સરકારી છાત્રાલયો માટે રૂ. ૧૨૭.૮૭ કરોડ, ૯૨૧ ગ્રાન્‍ટ ઇન એઇડના છાત્રાલયો માટે રૂ. ૧૬૧.૨૩ કરોડ તેમજ સમરસ છાત્રાલયો માટે રૂ. ૨૫.૩૯ કરોડની જોગવાઇ, આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની નવી ૩૦ ઉત્તર બુનિયાદી આશ્રમશાળાઓ (ધો.૯-૧૦) શરૂ કરવા બાબતે રૂ. ૪.૦૬ કરોડ તથા નવી ૩૦ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમશાળાઓ (ધો.૧૧-૧૨) શરૂ કરવા બાબતે રૂ. ૬.૧૬ કરોડ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, જી.પી.એસ.સી. અને સ્પિપાની પ્રવેશ પરીક્ષા તથા JEE અને NEETની પ્રવેશ પરીક્ષાના કોચિંગ માટે પાંચ-પાંચ કરોડ રૂપિયાની જોગવાઈ, આદિજાતિના વિદ્યાર્થીઓના વિદેશ ઉચ્ચ અભ્યાસ માટેની લોન માટે રૂ. ૭.૫૦ કરોડ તેમજ પાયલોટ ટ્રેનિંગ માટે રૂ. ૧.૨૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
આ ઉપરાંત નર્મદા જિલ્લાના રાજપીપાળામાં સ્થાપવામાં આવેલી બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના સંચાલન અને વિકાસ માટે પણ રૂ.૧૫.૨૪ કરોડની જોગવાઇ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. આદિજાતિ વિકાસ વિભાગના બજેટમાં શિક્ષણ ક્ષેત્રની યોજનાઓ માટે આગામી વર્ષ ૨૦૨૫-૨૬ માટે કુલ મળી રૂ. ૩,૩૧૦.૬૭ કરોડની જેટલી રકમની વધારાની જોગવાઇ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે, રાજ્યના આદિજાતિ નાગરિકો માટેની કૃષિ અને આર્થિક વિકાસની યોજનાઓની વિગતો આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં વસતા લોકો ખેતી કરી આજીવિકા મેળવી શકે તે માટે મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના હેઠળ આગામી વર્ષમાં જિલ્લા કક્ષાએ એફ.આર.એ. અમલીકરણ સેલ ઉભુ કરવાની નવી બાબત સહિત કુલ રૂ. ૧૦૭.૩૪ કરોડની જોગવાઇ કરાઈ છે.
જ્યારે સંકલિત ડેરી વિકાસ હેઠળ દૂધાળા પશુઓની સહાયની યોજના અંતર્ગત રૂ.૮૭ કરોડ, આદિજાતિ ખેડૂતો માટેની કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત રૂ.૪૨ કરોડ, વેલાવાળા શાકભાજી માટે મંડપના સાધન સહાય યોજના માટે રૂ.૫.૮૫ કરોડ તેમજ ફળાઉ ઝાડના રોપા વિતરણની યોજના માટે રૂ.૧.૨૦ કરોડની જોગવાઇ રાજ્યસરકાર દ્વારા કરવામાં આવી છે તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આદિજાતિના ખેડૂતો મિની ટ્રેક્ટર સહાય માટે રૂ. ૧૦.૦૦ કરોડ, પાવર ટીલર માટેની સહાય માટે રૂ. ૫.૦૦ કરોડ, તેમજ રોટાવેટર/થ્રેશર મશીનો માટેની સહાય માટે રૂ. ૫.૦૦ કરોડ, સિંચાઇની સુવિધાઓ માટેની ઉદ્વહન યોજના અંતર્ગત રૂ. ૭૫ કરોડ તથા આદિજાતિ વિસ્તારની મહિલા પશુપાલકો માટેની બકરાઉછેર યોજના અંતર્ગત રૂ. ૧૫.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
આ ઉપરાંત આદિજાતિના યુવાનો રોજગારી મેળવી શકે તે હેતુથી સરકાર દ્વારા તેમજ પી.પી.પી. મોડેલથી ચલાવવામાં આવતા વોકેશનલ ટ્રેનિંગસેન્‍ટરો માટે રૂ.૧૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ વિકસાવવા માટેની ન્યુ ગુજરાત પેટર્ન યોજના માટે આગામી વર્ષ માટે કુલ રૂ.૧૧૦૦ કરોડની જોગવાઇ, જ્યારે રાજ્યના આદિજાતિ વિસ્તારોના માળખાગત વિકાસ માટે ભારત સરકારની બંધારણની કલમ ૨૭૫(૧) યોજના અંતર્ગત રૂ. ૧૦૦.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
રાજ્યના આદિમજુથો અને હળપતિ સમુદાયના લોકોના વિકાસ માટેની મુખ્યમંત્રી આદિમજૂથ સર્વાંગી ઉત્કર્ષ યોજના અને મુખ્યમંત્રી હળપતિસર્વાંગી ઉત્કર્ષ યોજના અંતર્ગત કુલ રૂ. ૧૨૫ કરોડની જોગવાઇ, મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના અંતર્ગત રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ, આદિજાતિ વિસ્તારોના ગામોના વિકાસ માટેની ભારત સરકારની પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ તેમજ ન્યુક્લિયસ બજેટ અંતર્ગત પણ રૂ.૧૨.૪૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ધરતી આબા જનજાતિયગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત માટે કુલ રૂ.૨૦૦ કરોડની રકમની જોગવાઇ કરવામાં
આવી છે.
 રાજ્યના આદિજાતિ નાગરિકો માટેની આવાસ, આરોગ્ય તેમજ સામાજિક વિકાસની યોજનાઓ વિશે વાત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે આદિજાતિ કુટુંબોના ઘરનું ઘર માટેની હળપતિ ગૃહનિર્માણ યોજના અંતર્ગત કુલ રૂ.૯૮.૮૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે, જ્યારે આદિજાતિના લોકો ગંભીર પ્રકારના રોગોમાં સમયસર દવા, ઇન્જેક્શન તથા પૌષ્ટિક આહાર મેળવી શકે તે માટેની મફત તબીબી સહાય યોજના માટે રૂ.૫૦.૩૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
રાજ્યની ધો. ૧ થી ૮ની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોને પૂરતું પોષણ મળી રહે, તે માટેની દૂધ સંજીવની યોજના માટે વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં રૂ. ૨૩૨.૯૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે, જ્યારે આદિજાતિ કુટુંબોનાં લગ્નના ખર્ચને પહોંચી વળવા માટેની કુંવરબાઇનું મામેરુ તેમજ સાતફેરા સમૂહલગ્ન માટેની અંતર્ગતની સહાય યોજના માટે રૂ. ૧૨.૮૮ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
મંત્રી ડૉ. કુબેરભાઈએ કહ્યું હતું કે, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા અનુસૂચિત જનજાતિના લોકોને આર્થિક રીતે પગભર થવા માટે બિરસા મુંડા યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત જુદા-જુદા ૧૨ પ્રોફેશનલ કોર્સ કરનારા આદિજાતિના બેરોજગાર યુવાનોને રોજગારી માટે બેંકમાંથી મેળવેલાં ધિરાણ પર વ્યાજ સબસીડી માટે ૧૦ હજાર લાભાર્થીઓએ રૂ. ૧૦.૦૦ લાખની મર્યાદામાં બેંકમાંથી મેળવેલી લોન પર યુવકોને ૬%ના દરે વ્યાજ સહાય, જ્યારે યુવતિઓ અને PVTGs(ખાસ કરીને સંવેદનશીલ આદિજાતિ જૂથ)ને ૭%ના દરે વ્યાજ સહાય માટે કુલ રૂ.૭૩.૫૦ કરોડની જોગવાઈ સૂચિત કરવામાં આવી છે.આ જ પ્રકારે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA) રાજ્યના ૨૧ જિલ્લાના ૧૦૨ બ્લોકના કુલ ૪૨૬૫ ગામોમાંથી કુલ ૬૬.૦૬લાખ આદિવાસી વસ્તીને આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે. આ વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં કરવામાં આવેલી વિવિધ જોગવાઇ અને યોજનાઓ દ્વારા રાજ્યના આદિવાસી બંધુઓ સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે વધુને વધુ પ્રગતિ કરશે તેવું મંત્રીએ ગૃહમાં ઉમેર્યું હતું.
આદિજાતિ વિકાસ વિભાગની રૂ. ૫,૧૨૦ કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી

(7:31 PM IST)