News of Monday, 17th March 2025
HIV પીડિત SC તેમજ OBC વર્ગના લોકો માટે તબીબી સહાય વધારવા MLA ડો. દર્શનાબેન દેશમુખને આવેદન
એચઆઇવી એઇડ્સ પીડિતો માટે કાર્યરત એ.પી.+ સંસ્થા દ્વારા નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ ને આવેદન આપી રજૂઆત કરાઇ

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના એચઆઇવી પીડિતો માટે એશોશિએશન ઓંફ ધી પર્સન્સ લીવીંગ વિથ એચ.આઈ.વી./એઇડ્સ (એ.પી.+) સંગઠન સને-૨૦૦૪ના વર્ષથી વડોદરા જીલ્લામાં એચ.આઈ.વી./એઇડ્સ સાથે જીવતા લોકોનું, લોકો માટે, લોકો દ્વારા કાર્યરત સ્વૈચ્છિક સમુદાયિક સંગઠન છે. એચ.આઈ.વી./એઇડ્સ સાથે જીવતા લોકો માટે વિવિધ સેવાઓ લક્ષી અવિરત સેવાયજ્ઞ એ.પી.+ દ્વારા કાર્યરત છે. એ.પી.+ ને ગુજરાત એઇડ્સ કંટ્રોલ સોસાયટી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો અવિરત સહયોગ પ્રાપ્ત થઇ રહેલ છે. જેના પરિણામ રૂપે એશોશિએશન ઓંફ ધી પર્સન્સ લીવીંગ વિથ એચ.આઈ.વી./એઇડ્સ (એ.પી.+)સંગઠન, ૪(ચાર) જિલ્લાઓમાં(વડોદરા, નર્મદા, છોટાઉદેપુર અને ખેડા) સાર-સંભાળને લગતી વિવિધ સેવાઓને વેગ આપવો શક્ય બન્યો છે. હાલમાં નર્મદા જીલ્લામાં ૪૫૦થી વધુ એચ.આઈ.વી./એઇડ્સ સાથે જીવતા લોકો વિવિધ સેવાનો લાભ પ્રાપ્ત કરી રહયા છે.
સમગ્ર પ્રોજેક્ટ ના નર્મદા જિલ્લાના હેલ્થ પ્રમોટર ગીતાબેન પટેલ અને હેતલબેન ખત્રી એ આપેલા આવેદન માં જણાવ્યા મુજબ સરકાર દ્વારા મફત તબીબી સહાય યોજના હેઠળ અગાઉ માસિક ૫૦૦/- રૂપિયા સહાય આપવામાં આવી હતી, ત્યારબાદ મફત તબીબી સહાય યોજનામાં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત તેમજ આર્થિક રીતે પછાત વર્ગના એચ.આઈ.વી./એઇડ્સના દર્દીઓનો સમાવેશ કરવામાં આવેલ. તેમજ આદિજાતી એચ.આઈ.વી./એઇડ્સના દર્દીઓને મફત તબીબી સહાય યોજના માસિક ૧૦૦૦/- રૂપિયા કરવામાં આવી હતી. ત્યારબાદ, આ સહાયમાં વધુ ૧૫૦૦/- રૂપિયાનો વધારો કરી કુલ ૨૫૦૦/-રૂપિયાની મફત તબીબી સહાય યોજના કરવામાં આવેલ છે. આમ, આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સહાયમાં સતત વધારો કરવામાં આવેલ છે, જ્યારે સમાજના અન્ય વર્ગો જેવા કે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ (SEBC, OBC) અને અનુસૂચિત જાતિ (SC) ના લોકોને પણ આવા પ્રકારની સહાયનો લાભ સમાન પ્રમાણમાં આપવો ન્યાયસંગત અને જરૂરી છે.
એચ.આઈ.વી./એઇડ્સ ગ્રસ્ત લોકો સામાન્ય રીતે ઓછી આવક ધરાવતા હોય છે અને જીવનભર દવાઓ લેવાની જરૂરીયાત રહે છે. ઉપરાંત, તેઓને પોષણયુક્ત આહાર અને સારા આરોગ્ય માટે પણ વધુ સહાયની જરૂરીયાત રહેતી હોય છે. જેથી, આદિજાતિ વર્ગ માટે જે રીતે સહાયમાં વધારો કરવામાં આવેલ છે, તેવી જ રીતે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ તથા અનુસૂચિત જાતિના લોકોને માટે પણ આ સહાયનો લાભ મેળવવા માટે સરખું આધારીત આયોજન કરવામાં આવે તે અમારી લાગણી અને માંગણી છે.
અમારી નમ્ર અરજ વિનંતી છે કે, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ(SEBC. OBC) તથા અનુસૂચિત જાતિ (SC) ના એચ.આઈ.વી. /એઇડ્સ ગ્રસ્ત દર્દીઓને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ૨૫૦૦/- રૂપિયાની સહાય આપવામાં આવે તેમ બોર્ડ મેમ્બર મનીષાબેન સાળુંકે એ આવેદન માં જણાવ્યું છે.
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
