<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

સરકારી કાર્ય પધ્‍ધતિમાં લોકોનો વિશ્‍વાસ જાળવી રાખવા માહિતી અધિકાર ઉપયોગીઃ જે.એન. વાઘેલા- જયદીપ દ્વિવેદી

ગાંધીનગર મ્‍યુ.કોર્પોરેશનમાં આર.ટી.આઇ. એકટ અંગે તાલીમ

ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓ -કર્મચારીઓ માટે માહિતી અધિકાર કાયદા સંદર્ભે યોજાયેલ તાલીમ વર્ગ પ્રસંગે મ્‍યુ.કમિશનર શ્રી જે.એન. વાઘેલા (આઇ.એ.એસ.)એ વર્ગના માર્ગદર્શક ગુજરાત માહિતી આયોગના સચિવ શ્રી જયદીપ દ્વિવેદીનું સ્‍વાગત કરેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ તા.૧૮: ગઇકાલે ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓને માહિતી અધિકાર અધિનિયમ (આરટીઆઈ) અંતર્ગત તાલીમ આપવાનું આયોજન કરાયું હતું. આ તાલીમમાં માહિતી આયોગના સચિવ જયદીપ દ્વિવેદીએ ગાંધીનગર મહાનગરપાલિકાના જાહેર માહિતી અધિકારીઓ (P.I.O) ને આરટીઆઈ સંબંધિત માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું. આ તાલીમનો મુખ્‍ય હેતુ જાહેર માહિતી અધિકારીઓને આરટીઆઇની જોગવાઈઓ અને તેના અમલીકરણ અંગે સઘન માહિતી આપવાનો હતો.

જયદીપ દ્વિવેદીએ આરટીઆઈ અરજીઓના યોગ્‍ય અને સમયસર નિકાલ, માહિતી આપવાની પ્રક્રિયા અને અન્‍ય મહત્‍વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

મ્‍યુનિસિપલ કમિશનર શ્રી જે.એન. વાઘેલા અને તાલીમવર્ગના વકતા શ્રી જયદીપ દ્વિવેદીએ રાઇટ ટુ ઇન્‍ફોર્મેશન કાયદાનું મહત્‍વ સમજાવેલ. બન્નેના કહેવાનો ભાવાર્થ એવો હતો કે ભારતની સંસદે સરકારી સિસ્‍ટમમાં લોકોનો વિશ્‍વાસ જળવાઇ રહે તે માટે કાયદો બનાવ્‍યો છે. સરકારી કામગીરી અંગે જાણકારી મેળવવાનો લોકોનો અધિકાર છે. આ કાયદા હેઠળ અરજદાર સરકારી તંત્ર પાસેથી પોતાને મળવાપાત્ર રેકોર્ડ મેળવી શકે છે. માહિતી અધિકારથી સરકારી તંત્રમાં ખોટુ થતુ નિયંત્રિત કરી શકાય છે. સરકારે જે હેતુથી આ કાયદો બનાવ્‍યો છે. તેનો હેતુ જળવાઇ રહેવો જોઇએ. કાયદો લોકકલ્‍યાણ માટેનો છે. તેનો દુરૂપયોગ ઇચ્‍છનીય નથી.

તાલીમ વર્ગ પ્રસંગે નાયબ કમિશનરો ભગીરથભાઇ આહિર, કે.એસ. ચોૈધરી અને ભોરણિયા ઉપસ્‍થિત રહયા હતા.

(3:49 PM IST)