<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

સૌરાષ્‍ટ્રથી સુરત માત્ર ૩ કલાકમાં અને મુંબઈ ૬ કલાકમાં પહોંચી શકાશે

દહેજ-ભાવનગર વચ્‍ચે સી લિંક યોજનાને મંજૂરી મળી ગઈ : ભરૂચમાં દહેજ અને ભાવનગર વચ્‍ચે દરિયાઈ માર્ગ પર બનનારા આ પ્રોજેક્‍ટથી સૌરાષ્‍ટ્ર, દક્ષિણ ગુજરાત અને મુંબઈ સીધા જોડાશે

નવી દિલ્‍હી, તા.૧૮: સુરતથી સૌરાષ્‍ટ્ર જતા લોકો માટે આનંદના સમાચાર છે. પહેલા આ લોકોએ અમદાવાદ-વડોદરા આવવું પડતું હતું, પરંતુ હવે સી લિંક પરિયોજનાથી તેની જરૂર નહીં પડે. દહેજ-ભાવનગર વચ્‍ચે સી લિંક યોજનાને મંજૂરી મળી ગઈ છે. સૌરાષ્‍ટ્રથી સુરત માત્ર ૩ કલાકમાં અને મુંબઈ ૬ કલાકમાં પહોંચી શકાશે.

ભરૂચમાં દહેજ અને ભાવનગર વચ્‍ચે દરિયાઈ માર્ગ પર બનનારા આ પ્રોજેક્‍ટથી સૌરાષ્‍ટ્ર, દક્ષિણ ગુજરાત અને મુંબઈ સીધા જોડાશે. આ ગુજરાતની પ્રથમ રેલવે સી લિંક યોજના છે. હાલ ભાવનગરથી સુરત ૫૩૦ કિલોમીટરનું અંતર કાપવામાં ૯ કલાક લાગે છે, આ યોજના પૂરી થયા બાદ અંતર ઘટીને ૧૬૦ કિલોમીટર થઈ જશે અને માત્ર ૩ કલાક જ લાગશે. સૌરાષ્‍ટ્રથી મુંબઈ સુધી યાત્રા કરવામાં ૧૩ કલાક લાગે છે. જે ઘટીને હવે ૮ કલાક રહી જશે. બીજી બાજુ દહેજથી પોરબંદર-દ્વારકા ઓખા સુધી ૯૨૪ કિલોમીટર લાંબી રેલવે લાઇન હતી.

નવી રેલવે લાઇનથી સૌથી મોટો ફાયદો સૌરાષ્‍ટ્રના મુસાફરોને થશે. આ લોકોને અમદાવાદ, વડોદરા અને આણંદ સુધી આવવા માટે ૫૦૦ કિમીનું અંતર કાપવું પડતું હતું. આ યોજના બાદ વધારાનું અંતર નહીં કાપવું પડે. ભાવનગરથી સી લિંક રેલમાર્ગ દહેજ થઈને સીધો ભરૂચ પહોંચશે અને ત્‍યાંથી સુરત-મુંબઈનું અંતર માત્ર ૬ કલાકમાં કાપી શકાશે.

ગુજરાતમાં પ્રથમ ૪૦ કિલોમીટર સી લિંક યોજનામાં દહેજ, જંબુસર, ખંભાત, ધોલેરા, ભાવનગર, મહુવા, પીપાવાવ, સોમનાથ, પોરબંદર, દ્વારકા, ઓખા સામેલ છે. આ યોજનાથી ભાવનગરથી મુંબઈનું વર્તમાન અંતર ૭૭૯ કિમી ઘટીને ૩૭૦ કિમી થઈ જશે. રાજકોટથી મુંબઈનું વર્તમાન અંતર ૮૧૨ કિમી ઘટીને ૪૯૦ કિમી થઈ જશે. હાલ વડોદરા-અમદાવાદ માર્ગેથી મુંબઈથી જામનગર, ભાવનગર અને રાજકોટ સુધી અંતર કાપવા માટે ૧૨ કલાક લાગે છે. દહેજ-ભાવનગર રેલવે દરિયાઈ લિંકથી સમય ઘટીને માત્ર ૫થી ૭ કલાક થઈ જશે. (રર.૧૯)

(2:24 PM IST)