<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

સ્‍ટાર્ટઅપ ક્રાંતિ અમૃતકાળની મહત્‍વની ઓળખઃ ગુજરાતમાં માન્‍યતા પ્રાપ્‍ત સ્‍ટાર્ટઅપ ૧૨,૭૭૯

રાજકોટ જિલ્લાના ધોરાજીના ધારાસભ્‍ય મહેન્‍દ્ર પાડલિયાની વિધાનસભામાં છણાવટ દેશમાં સ્‍ટાર્ટઅપના માધ્‍યમથી ૧૬.૬૭ લાખથી વધુ યુવાનોને રોજગારી

રાજકોટ તા.૧૯: ગુજરાત વિધાનસભામાં સ્‍ટુડન્‍ટ, સ્‍ટાર્ટઅપ અને ઇનોવેશન પોલીસી ઉપર શિક્ષણ વિભાગની માંગણીઓની ચર્ચામાં ભાગ લેતા ધારાસભ્‍યશ્રી ડો.મહેન્‍દ્ર પાડલીયાએ જણાવેલ કે, શિક્ષણમંત્રીશ્રી જે માંગણી લઈને આવ્‍યા છે તેને હું મારું સમર્થન આપું છું. વર્ષ ૨૦૧૪માં જયારે દેશનો મિજાજ બદલાયો ત્‍યારે પહેલી વખત ‘સ્‍ટાર્ટઅપ' શબ્‍દ વધુ પ્રચલિત બન્‍યો. ૧૫ ઓગષ્ટ ૨૦૧૫ના રોજ યશસ્‍વી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીએ ‘‘સ્‍ટાર્ટઅપ ઇન્‍ડિયા''ની ઘોષણા કરી.અને વડાપ્રધાને દેશના સ્‍વપ્‍નને જાહેર કર્યું કે દેશનો યુવાન નોકરી માંગવાવાળો નહીં,પરંતુ નોકરી આપવાવાળો બને.

ડો.મહેન્‍દ્ર પાડલિયાએ જણાવેલ કે, આજે ભારત દેશ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી સ્‍ટાર્ટઅપ ઇકો સીસ્‍ટમ બની છે અને દેશના ૬૫૬ જીલ્લાઓમાં માન્‍યતા પ્રાપ્ત સ્‍ટાર્ટઅપની સંખ્‍યા દોઢ લાખથી પણ વધુ છે. ભારત દેશ સમગ્ર વિશ્વમાં ત્રીજા સૌથી મોટા સ્‍ટાર્ટઅપ હબ તરીકે ઉભરી રહ્યો છે. કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારે છેલ્લા એક દાયકામાં દરેક નાગરિકની સર્જનાત્‍મક ક્ષમતાને બહાર લાવવા અને સમાજના દરેક વર્ગમાં ઇનોવેશન અને સાહસિકતાની ભાવના કેળવવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે.

ઈન્‍ફોસીસના એક સમયના ફાઉન્‍ડર સાથી અને આધાર કાર્ડના આઈડીયાને સફળ બનાવનાર નંદન નીલોકાનીએ તાજેતરમાં કહ્યું છે કે ૨૦૩૫ સુધીમાં ૧૦ લાખ જેટલા સ્‍ટાર્ટઅપ કામ કરતા હશે, અને ભારતમાં દર વર્ષે સ્‍ટાર્ટઅપમાં ૨૦ ટકાનો વધારો જોવા મળશે.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા સ્‍ટાર્ટઅપ ઇન્‍ડીયા પહેલને ગુજરાતમાં ત્‍વરિત અમલમાં મુકવામાં આવી હતી. ગુજરાતમાં હાલ માન્‍યતા પ્રાપ્ત સ્‍ટાર્ટઅપની સંખ્‍યા ૧૨,૭૭૯ છે. જે દેશમાં ત્રીજા ક્રમે છે. દેશમાં સ્‍ટાર્ટઅપના માધ્‍યમથી ૧૬.૬૭ લાખથી વધુ યુવાનોને રોજગારી મળેલ છે. ભારતમાં પરંપરાગત બિઝનેશ કરતા સ્‍ટાર્ટઅપ વધુ પડકારો જીલતા અને રોજગારી ઉભી કરતા જોવા મળે છે.

ગુજરાત રાજ્‍યના વિદ્યાર્થીઓમાં નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્‍સાહન આપવાના ઉદ્દેશ્‍ય સાથે વર્ષ ૨૦૧૭ માં રાજ્‍યના ઉચ્‍ચ અને ટેકનીકલ શિક્ષણ દ્વારા ગુજરાત નોલેજ સોસાયટી થકી પાંચ વર્ષ માટે સ્‍ટુડન્‍ટ સ્‍ટાર્ટઅપ એન્‍ડ ઈનોવેશન પોલીસી અમલમાં મૂકવામાં આવી છે. આ પોલીસીમાં કોલેજ અને યુનિવર્સીટીના વિદ્યાર્થીઓને પોતાના નવીન વિચારોના અમલીકરણ માટે સ્‍ટુડન્‍ટ, સ્‍ટાર્ટઅપ અને ઇનોવેશન પોલીસી જાહેર કરવામાં આવી છે અને તેના દ્વારા નાણાકીય સહાય આપવાની શરૂઆત કરવામાં આવી છે. કુલ રૂ. ૧૦૦ કરોડના નાણાકીય પ્રાવધાન સાથે આ પોલીસી ૨૦૧૭ થી ૨૦૨૧ સુધી સફળતાપૂર્વક રાજયમાં અમલી કરવામાં આવી.

સ્‍ટાર્ટઅપની વધતી જતી તાકાત અને કાર્ય સંસ્‍કળતિને દેશના દરેક વિસ્‍તારમાં પહોંચાડવા માટે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ૧૬- જાન્‍યુઆરી ૨૦૨૨ના રોજ ‘રાષ્‍ટ્રીય સ્‍ટાર્ટઅપ દિવસ' તરીકે ઉજવવાની ઘોષણા કરી છે. તારીખ ૧૬/૦૧/૨૦૨૫ના રોજ વિદ્યા સમીક્ષા કેન્‍દ્ર, ગાંધીનગર ખાતે નેશનલ સ્‍ટાર્ટઅપ ડે,૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી જેમાં શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર તથા રાજ્‍યકક્ષા મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના વરદહસ્‍તે કુલ ૧૧૦ વિદ્યાર્થીઓને ૨૨ લાખની સ્‍ટાર્ટઅપ ગ્રાન્‍ટ મંજુર કરવામાં આવી હતી.

ભારત જ્‍યારે દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થા બનવાના લક્ષ્ય ઉપર અગ્રેસર છે ત્‍યારે ભારતની આ સ્‍ટાર્ટઅપ ક્રાંતિ અમળતકાળની એક મહત્‍વની ઓળખ બનશે

(1:25 PM IST)