<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

ભાજપે તે માટે કોઇ ચોક્કસ સમુદાયના લોકો પસંદ કર્યા એવું કેમ? વિક્રમ ઠાકોરે ગુજરાતી ફિલ્મ ઇન્ડ્રસ્ટીઝને ઉભી કરવામાં મોટો ફાળો આપ્યો છે : કોંગ્રેસ નેતા ચંદનજી ઠાકોરે વિક્રમ ઠાકોરને પોતાનું સમર્થન આપ્યું

હું ભાજપ હોય, કે કોંગ્રેસ દરેક પાર્ટીનું સન્માન કરું છું. સરકારે દરેક સમાજના કલાકારને બોલાવ્યા અને તેમનું સન્માન કર્યું, તે સારી બાબત છે. મને ન બોલાવ્યો, તેનું મને કોઈ જ દુ:ખ નથી : અભિનેતા વિક્રમ ઠાકોર

અમદાવાદ તા.૧૯ :

કોંગ્રેસ નેતા ચંદનજી ઠાકોરે વિક્રમ ઠાકોરને પોતાનું સમર્થન આપ્યું છે. અને જણાવ્યું કે, તેમને ચોક્કસ સમુદાયના લોકોનું સન્માન કરીને ક્ષત્રીય સમાજનું અપમાન કર્યું છે.

 ગુજરાત વિધાનસભાની કાર્યવાહીને નિહાળવા ગુજરાતી લોકસાહિત્યકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં પદ્મશ્રી ભિખુદાનભાઈ ગઢવી, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, રાકેશ બારોટ, ગીતાબેન રબારી, કિંજલ દવે અને ગીતકાર મનુ રબારીને સહિતના કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. અને ક્ષત્રિય સમાજના કલાકારોને ન બોલાવતા વિક્રમ ઠાકોર નારાજ થયો હતા.

 

ચંદનજી ઠાકોરનું નિવેદન

 

કોંગ્રેસ નેતા ચંદનજી ઠાકોરે વિક્રમ ઠાકોરને સમર્થન આપતા કહ્યું કે, ગુજરાત વિધાનસભામાં જે પ્રકારે કલાકારોનું સન્માન કરવામાં આવ્યું, તે સારી બાબત છે. પણ ભાજપે તે માટે કોઇ ચોક્કસ સમુદાયના લોકો પસંદ કર્યા એવું કેમ? વિક્રમ ઠાકોરે ગુજરાતી ફિલ્મ ઇન્ડ્રસ્ટીઝને ઉભી કરવામાં મોટો ફાળો આપ્યો છે. વિક્રમ ઠાકોરે સમાજ સુધારણા માટેના અનેક પ્રોગ્રામો કરેલ છે. રાજ્યમાં ઠાકોર સમાજ મોટી સંખ્યામાં છે, અને તે સમાજના કલાકારનું સન્માન ન કરવામાં આવે તો, સમાજના લોકોની લાગણી દુભાવાની છે. આ સન્માન ન કરીને ભાજપે મોટો અન્યાય કર્યો છે.

 

વિક્રમ ઠાકોરનું નિવેદન

 

અભિનેતા વિક્રમ ઠાકોરે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ થઈને પોતાની વ્યથા ઠાલવી છે. કહ્યું કે, હું ભાજપ હોય, કે કોંગ્રેસ દરેક પાર્ટીનું સન્માન કરું છું. સરકારે દરેક સમાજના કલાકારને બોલાવ્યા અને તેમનું સન્માન કર્યું, તે સારી બાબત છે. મને ન બોલાવ્યો, તેનું મને કોઈ જ દુ:ખ નથી, પરંતુ મારા ઠાકોર અને ક્ષત્રિય સમાજના અનેક એવા સારા કલાકારો છે, જે સંતવાણી કરે છે અને ભજન પણ ગાય છે. ઠાકોર સમાજના કોઈ પણ કલાકારને બોલાવવા જોઈતા હતા. ઠાકોર સમાજના નેતાઓએ પણ આ બાબતે રજૂઆત કરવી જોઈએ.

(4:29 PM IST)