<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

“કોમન મેનની શાહી સવારી : દાદાની સવારી - એસ.ટી અમારી” - વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

એક વર્ષમાં 7,326 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ : વાહન વ્યવહાર પ્રભાગની રૂ. 3579.07 કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભામાં પસાર થઈ

ગાંધીનગર, તા. 19 માર્ચ 2025: વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ની એસ.ટી. બસોને “કોમન મેનની શાહી સવારી” ગણાવી અને જણાવ્યું કે એસ.ટી. માત્ર પરિવહનનું સાધન નથી, પરંતુ લાખો ગુજરાતીઓના સપના સાકાર કરવાનું માધ્યમ બની છે. વાહન વ્યવહાર પ્રભાગની રૂ. 3579.07 કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભામાં પસાર થઈ.
એસ.ટી. - ગુજરાતીઓની પાંખો:
વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, “એસ.ટી. સાડા છ કરોડ ગુજરાતીઓની પાંખો છે. પરીક્ષા કેન્દ્રો સુધી વિદ્યાર્થીઓને, તહેવારોમાં વતન સુધી નાગરિકોને, યાત્રાધામો સુધી શ્રદ્ધાળુઓને અને આપત્તિ સમયે સલામત સ્થળે પહોંચાડવામાં એસ.ટી. સમયસર, સલામત અને સ્વચ્છ સેવા પૂરી પાડે છે.”
નવી બસો અને મુસાફરોમાં વધારો:
વાહન વ્યવહાર રાજ્ય મંત્રીએ જણાવ્યું કે છેલ્લા 14 મહિનામાં 2,987 નવી બસો સેવામાં જોડાઈ, જ્યારે આગામી વર્ષે 2,050 નવી બસો કાર્યરત થશે. નવી બસોના સંચાલનથી દૈનિક મુસાફરોની સંખ્યા 25 લાખથી વધીને 27 લાખ થઈ, એટલે કે 2 લાખનો ઐતિહાસિક વધારો નોંધાયો. “આ આંકડા નિગમની વિશ્વસનીય સેવાની ખાતરી છે,” તેમણે ઉમેર્યું.
મહાકુંભ માટે વિશેષ આયોજન:
GSRTCએ પ્રયાગરાજના મહાકુંભમાં ગુજરાતી શ્રદ્ધાળુઓ માટે 24 AC વોલ્વો બસો દ્વારા 140 ટ્રિપ યોજી, જેમાં 6,000 શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું. મંત્રીએ આ સફળતા માટે ડ્રાઇવર, કંડક્ટર અને મિકેનિકોને અભિનંદન આપ્યા.
ભરતી અને સંકલ્પ પૂર્ણ:
એક વર્ષમાં 7,326 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ. 264 ક્લાર્કને નિમણૂક મળી, 2,320 કંડક્ટરને 15 દિવસમાં નિમણૂક મળશે, 1,658 મિકેનિક અને 3,084 ડ્રાઇવર પોસ્ટ માટે પ્રક્રિયા ચાલુ છે. ગત વર્ષે 500 બસો અને 700 ટ્રિપનો સંકલ્પ હતો, જેની સામે 610 બસો, 100 વોલ્વો અને 2,127 ટ્રિપ શરૂ થઈ.
ટુરિઝમ વિથ ટ્રાન્સપોર્ટ:
આગામી વર્ષે 200 પ્રીમિયમ બસો માટે રૂ. 360 કરોડની જોગવાઈ થઈ. આ બસો સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગીર, પોલો ફોરેસ્ટ અને રણોત્સવ જેવા સ્થળોને જોડતું ટુરિઝમ સર્કિટ શરૂ કરશે.
કર્મચારીઓની માંગણીઓ પૂરી:
નિગમના કર્મચારીઓની જૂની માંગણીઓ પૂરી કરી, એક વર્ષમાં રૂ. 250 કરોડથી વધુની સહાય આપવામાં આવી.
સ્વચ્છતા ઝુંબેશ અને રાષ્ટ્રીય એવોર્ડ:
“શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” ઝુંબેશ હેઠળ સ્વચ્છતા અભિયાન ચલાવાયું, જેના માટે GSRTCને ભારત સરકાર તરફથી “રાષ્ટ્રીય કક્ષાનો એક્સેલન્સ એવોર્ડ” મળ્યો.
ફેસલેસ સેવાઓ:
ડિજિટલ ગુજરાત હેઠળ 35 ફેસલેસ સેવાઓ શરૂ થઈ, જેનાથી નાગરિકોને લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી. ગુજરાત આ ક્ષેત્રે દેશમાં ત્રીજા સ્થાને છે. ટૂંકમાં નવી સેવાઓ પણ ફેસલેસ થશે.
વાહન વ્યવહાર પ્રભાગની રૂ. 3579.07 કરોડની માંગણીઓ વિધાનસભામાં પસાર થઈ, જે એસ.ટી.ની સેવાઓને વધુ સુદૃઢ કરશે.

(8:20 PM IST)