તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 22nd March 2025
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કપાસના ટેકાના ભાવના આધાર પર રૂની ગાંસડી ખરીદે તેવી માંગણી અને લાગણી સાથે પત્ર
સરકારે ટેકાના ભાવથી કલ્યાણની વેરાયટી પુરતુ કાલા કે ગાંસડીના સ્વરૂપમાં તાત્કાલિક ખરીદી શરૂ કરાવી જોઈએ : ગુજરાત-૨૧ના કાલા CCI ખરીદે અથવા કપાસના ટેકાના ભાવના આધાર પર રૂની ગાંસડી ખરીદે તેવી હાર્દિક પટેલની માગણી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને જણાવ્યું કે, મારા વિસ્તારમાં પાકતા ખેતી પાકોમાં ૫૦% દેશી કપાસ એટલે કે મુળ કલ્યાણ જોન V-૭૯૭ અને હાલ સુધારેલી જાત પૈકી ગુજરાત-૨૧ નું વાવેતર થાય છે, જે કાલાના સ્વરૂપે હોય છે. સરકાર તરફથી ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે. તે કપાસ સ્વરૂપના હોય છે. જેથી કરીને જે CCI ખરીદીનો લાભ બીટી (BT) કોટનના ખેડુતોને મળે છે. તે મારા વિસ્તારના કાલા પક્વતા ખેડુતોને મળતા નથી અને CCI તેની ખરીદી ચાલુ કરતી નથી.
ગુજરાત-૨૧ ના કાલા હાલ આધુનીકરણની પ્રક્રિયાના ભાગરૂપે કાલા મશીનથી કાલા ફોલાય છે અને તે ઓનલાઈન પ્રક્રિયા દ્વારા ચરખા ઉપર આવે છે અને તેનું જીનીંગ થાય છે. તેમજ તેનું રૂ અને કપાસીયા જુદા પડી જીનીંગની પ્રક્રિયાના અને રૂ ઓનલાઈન પ્રેસ ઉપર જાય છે. અને તેની ગાંસડી બંધાય જાય છે અને તે ગાંસડીનું રૂ સ્પીનીંગ મીલો ખરીદી જાય છે. પરંતુ હાલમાં જે ગાંસડીના ભાવ છે. તે ટેકાના ભાવથી ઘણા નીચા છે અને CCI હાલને તબક્કે “ન” તો કાલા ખરીદે છે કે “ન” તો તૈયાર થયેલી રૂની ગાંસડી ખરીદે છે, આથી CCI ની ટેકાની ખરીદીનો ભાગ અને CCI ના ટેકાના ભાવનો લાભ અમારા પછાત વિસ્તારના ખેડુતોને મળતો નથી. જેથી રાજ્ય સરકારનું ધ્યાન દોરી ગુજરાત-૨૧ ના કાલા CCI ખરીદે અથવા કપાસના ટેકાના ભાવના આધાર પર રૂની ગાંસડી ખરીદે તેવી મારી માંગણી અને લાગણી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે, ભારતની કુલ બંધાતી ગાંસડી લગભગ ૩ કરોડ આજુ-બાજુની હોય છે અને તેમાં મધ્યમ તારની ગાંસડી એટલે કે V-૭૯૭ વેરાયટી એટલે હાલની ગુજરાત-૨૧ ની ગાંસડી ૨.૫૦ લાખના અંદાજે થાય છે. ગુજરાતની ગાંસડી આશરે ૧ કરોડ આજુ-બાજુ હોય છે. એટલે કે ભારતના કુલ ઉત્પાદનના ૧% થી ઓછી અને ગુજરાતના કુલ ગાંસડીના ઉત્પાદનના ૨.૫૫ % જેટલી આ વેરાયટીની હોય છે. તેથી તેના તરફ CCI નું ધ્યાન હોતું નથી. તો CCI ને આ વેરાયટી બાબતે ધ્યાન રાખી કલાના સ્વરૂપે અથવા ગાંસડી સ્વરૂપે કપાસના ભાવના સંદર્ભે ગાંસડીના ભાવ નક્કી કરી માંડલ, દેત્રોજ, વિરમગામ, દસાડા, પાટડી, વઢવાણ, લખતર, લીંબડી, ધોળકા, ધંધુકા, શંખેશ્વર, સમી, રાધનપુર અને કચ્છના રાપર વિસ્તારના દેશી કપાસના ખેડુતોને આનો લાભ મળી શકે. તેથી આ પ્રકારની CCI કાલા અથવા રૂની ગાંસડી ખરીદ કરી જણાવેલા વિસ્તારના દેશી કપાસના ખેડુતોને આનો લાભ આપે તેવી વ્યવસ્થા ગોઠવવા વિનંતી છે.
હાલની પરિસ્થિતિ જોતાં સરકાર દ્વારા કલ્યાણ કપાસના ટેકાના ભાવ ૧૪૨૪ નક્કી કરવામાં આવેલ છે. તેને ધ્યાને લેતા આ કલ્યાણ કપાસની ગાંસડીના ભાવ ૪૧૩૦૦ થાય તેની જગ્યાએ હાલ આ ગાંસડીના બજાર ભાવ માત્ર ૩૪૫૦૦ જેટલા નીચા આવ્યા છે. જેથી ખેડુતોને ખૂબ ઓછા ભાવે પોતાનો માલ વેચવા મજબુર થવું પડે છે. આથી આવી વિકટ પરિસ્થિતિમાં સરકારે ટેકાના ભાવથી કલ્યાણની વેરાયટી પુરતુ કાલા કે ગાંસડીના સ્વરૂપમાં તાત્કાલિક ખરીદી શરૂ કરાવી જોઈએ તેવી કલ્યાણ કપાસ પક્વતા ખેડુતો તેમજ મારા વતી આપને અંગત ભલામણ છે

(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
