<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

અમદાવાદના નિકોલમાં વૃદ્ધાએ વ્યાજે લીધેલા 2.20 લાખની સામે ચુકવ્યા 3.40 લાખ છતાં વધુ પૈસાની માંગણી કરી ધમકી

વૃદ્ધાએ આ મામલે નિકોલ પોલીસમાં બે મહિલા સહીત એક યુવક સામે ફરિયાદ નોંધાવી

અમદાવાદનાં નિકોલમાં પરિવાર સાથે રહેતી વૃદ્ધ મહિલાનો સિલાઈ કામકાજનો ધંધો ઠપ થઇ જતા વૃદ્ધા આર્થિક ભીંસમાં આવી ગઈ હતી. તેથી ઓળખીતી મહિલા પાસે વૃદ્ધાએ આર્થિક મદદ માટે હાથ લંબાવતા મહિલા મિત્રે પોતાની પાસે રૂપિયાની સગવડ નહી હોવાનું જણાવીને વૃદ્ધાને વ્યાજે રૂપિયા અપાવીને વ્યાજના ખપ્પરમાં ફસાવી દીધાનો કિસ્સો સામે આવ્યો છે. વૃદ્ધાએ 10 ટકા વ્યાજે 2.20 લાખ ટુકડે ટુકડે લીધા હતા, જેની સામે 3.40 લાખ રૂપિયા ચૂકવી દીધા છતાં બે મહિલા સહિત યુવકે 20 ટકા વ્યાજે રૂપિયા આપ્યા છે તેમ કહીને વૃદ્ધાના ઘરે જઈને ગાળો બોલીને તકરાર કરી અને તેના બાળકને ઉપાડી જવાની ધમકી આપી હતી. ગભરાઈ ગયેલી વૃદ્ધાએ આ મામલે નિકોલ પોલીસમાં બે મહિલા સહીત એક યુવક સામે ફરિયાદ નોંધાવી છે.

ન્યુ ઇન્ડીયા કોલોની નિકોલ પાસે રહેતા ગીતાબેન રાદડીયા તેઓના પતિ અને બાળકો સાથે રહે છે. વૃદ્ધા પરિવારનું ગુજરાન ચલાવવા માટે સિલાઈ મશીનનું કામકાજ કરે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી સિલાઈના ધંધામાં મંદી આવી જતા વૃદ્ધા આર્થિક સંકટમાં આવી ગયા હતા. તેથી વૃદ્ધા નિકોલમાં રહેતા તેમના ઓળખીતા ગીતાબેન રાજપૂત પાસે મદદ માટે હાથ લંબાવ્યો હતો. પરંતુ ગીતાબેને મદદ કરવાની જગ્યાએ રૂપિયા નથી તેવું બહાનું કાઢીને કહ્યું કે તમારે જરૂર હોય તો હું તમને વ્યાજે રૂપિયા અપાવી શકીશ કહીને ચાંદખેડામાં રહેતા સુભાષ કંડોલે પાસેથી વૃદ્ધાને શરૂઆતમાં જરૂરિયાત મુજબ 50 હજાર રૂપિયા 10 ટકે અપાવ્યા બાદમાં વૃદ્ધાએ વ્યાજ સહીત થોડા સમયમાં ચૂકવી આપ્યા હતા. 

 

બાદમાં મહિલાને વધુ રૂપિયાની જરૂરિયાત થતા ચાંદખેડા શખ્સ પાસેથી રૂ.1.70 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા. ત્યારબાદ વૃદ્ધાએ ૩.40 લાખ રૂપિયા વ્યાજ સહીત ચૂકવી આપ્યા હતા. છતાં સુભાષ કંડોલે, ગીતાબેન રાજપૂત અને આકૃતિ મેંધનાર્થી વૃદ્ધાના ઘરે આવ્યા અને 20 ટકા લેખે વ્યાજે રૂપિયા આપ્યા હતા તેમ કહીને વૃદ્ધા મહિલા સાથે તકરાર કરવા લાગ્યા અને સુભાષે ધમકી આપી અને કહ્યું કે વ્યાજ નહી આપીશ તો તારા દીકરાનું અપહરણ કરી લઈશ ગભરાઈ ગયેલી વૃદ્ધાએ આ અંગે નિકોલ પોલીસ મથકે ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધવતા પોલીસે તપાસ શરુ કરી છે.

(9:10 PM IST)