તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 23rd March 2025
અમદાવાદમાં 12 વર્ષ પહેલાની યુક્તિ અપનાવી: હવેથી દર રવિવારે ગુનેગારોને પોલીસ સમક્ષ રહેવું પડશે હાજર
અમદાવાદ શહેર પોલીસ દ્વારા શહેરના 1481 જેટલા ગુનેગારોની યાદી તૈયાર કરાઈ :

અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકની બનેલી ઘટના બાદ સમગ્ર ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે અને ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવામાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા આ ઘટનાની ગંભીરતા લઈને કડક કાર્યવાહી અત્યાર સુધીમાં કરવામાં આવી રહી છે. શહેરના 28 જેટલા પીઆઇની બદલી કર્યા બાદ હવે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ગુનેગારોને ડામવા માટે 12 વર્ષ પહેલાં પહેલા તેઓના દ્વારા અપનાવવામાં આવેલી યુક્તિ ફરિવાર શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર 12 વર્ષ પહેલા શહેર ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર હતા, તે સમયે તેઓએ અમદાવાદ શહેરમાં અલગ અલગ ગુનાઓ ગુનાઓ આચરી ગુનેગારોને દર રવિવારે ક્રાઈમ બ્રાન્ચ ખાતે બોલાવી તેઓની ઓળખ પરેડ કરાવવાની કામગીરી હાથ ધરી હતી. જેના કારણે પોલીસને સતત જાણકારી રહેતી હતી કે કયો ગુનેગાર હાલ શું કરે છે અને તેણે ભૂતકાળના ગુના બાદ કોઈ નવો ગુનો આચર્યો છે કે કેમ. વધુમાં અમદાવાદ શહેર પોલીસ અને ગુનેગારો વચ્ચે બંધાતા સંબંધોના કારણે ગુનાખોરી અટકાવવામાં તેમજ ગુના બનતા પહેલા તેને રોકવામાં પોલીસને સફળતા મળતી હતી. તેવામાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરે તે જ જૂની પદ્ધતિ ફરિવાર શરૂ કરી છે. હવેથી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દર રવિવારે અમદાવાદના ગુનેગારોને ક્રાઈમ બ્રાન્ચ ખાતે બોલાવી તેઓની સાથે બેઠક યોજી જરૂરી સૂચના આપશે.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા શહેરના 1481 જેટલા ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં 303 જેટલા બુટલેગરો, 21 જુગારના અડ્ડા સાથે જોડાયેલા આરોપીઓ, 687 શરીર સંબંધી ગુનાઓ આચારનાર આરોપીઓ, મિલકત સંબંધી ગુના કરનાર 424 જેટલા ગુનેગારો અને NDPS તેમજ અન્ય ગુનાઓ કરનાર 46 આરોપીઓની યાદી તૈયાર કરી છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલિક દ્વારા ગુનેગારોને ક્રાઈમ બ્રાન્ચ ખાતે બોલાવવાની જૂની પદ્ધતિ ફરિવાર શરૂ કરવામાં આવી છે. તેવામાં આ રવિવારે પહેલા દિવસે જ અમદાવાદ શહેરના 353 ગુનેગારોને ક્રાઈમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવ્યા હતા. જય ગુનેગારોમાં ચેન સ્નેચિંગ કરનારા 60 આરોપીઓ, વાહન ચોરી કરનારા 139 આરોપીઓ, મોબાઈલ સ્નેચિંગ કરનાર 70 આરોપીઓ તેમજ શરીર સંબંધી ગુના આચરનાર 8 અને લૂંટ તેમજ ઘરફોળ ચોરી કરનાર 4 અને અન્ય ચોરી કરનાર 72 આરોપીઓને બોલાવવામાં આવ્યા હતા.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલિક દ્વારા તમામ ગુનેગારોને પોલીસની કડક ભાષામાં સૂચના આપવામાં આવી છે કે ગુનાખોરી તરફ વળશો નહીં નહિતર પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે. પોલીસ કમિશનરની સ્પષ્ટ સૂચના હતી કે ભૂતકાળમાં જે આરોપીઓ અલગ અલગ ગુના આચરી ચૂક્યા છે તેઓ જો હવે કોઈપણ પ્રકારના ગુનામાં પકડાશે તો તેમની સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા જે પણ જરૂરી પગલાં છે તે લેવામાં આવશે.
મહત્વનું છે કે અમદાવાદ શહેર પોલીસ દ્વારા વસ્ત્રાલની ઘટના બાદ ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી અને જે ગુનેગારોની યાદી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવી હતી. જેથી કોર્પોરેશન દ્વારા તમામ ગુનેગારોના બાંધકામ કાયદેસર છે કે પછી ગેરકાયદેસર તે તપાસવામાં આવી રહ્યું છે અને જે પણ ગુનેગારોના બાંધકામ સરકારી જમીન ઉપર અથવા તો પરવાનગી વિના ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા છે તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં મનપસંદ જીમખાનાના ગેરકાયદેસર માળને તોડવામાં આવ્યો, જુહાપુરાના કુખ્યાત કાલુ ગરદન અને મુશિર કુરેશીના ગેરકાયદેસર બાંધકામને તોડવામાં આવ્યો તેમજ સરદાર નગર અને શાહીબાગ વિસ્તારના કુખ્યાત બુટલેગરોના મકાનો પણ તોડવામાં આવ્યા છે.
વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો જે ઘટનામાં પંકજ ભાવસાર અને સંગ્રામ સિંહ નામના બે ગુનેગારોની વચ્ચેની અદાવત હોવાનું સામે આવ્યું હતું. બંને વચ્ચે વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ બનાવવાની લડાઈ ચાલતી હોવાની હકીકત સામે આવી હતી જોકે આ ઘટના બનીને અનેક દિવસો વીતી ગયા હોવા છતાં પણ હજુ પણ મુખ્ય આરોપીઓ પોલીસની પકડમાં આવ્યા નથી તેવામાં આરોપીઓને ઝડપથી પકડી પાડવામાં આવશે તેવું પોલીસ કમિશનરે નિવેદન આપ્યું હતું.
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
