News of Monday, 24th March 2025
ગુજરાતના ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથે મુખ્યમંત્રીની બેઠકમાં ફોકિયા દ્વારા કચ્છના પ્રશ્નોની રજૂઆત
ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ દ્વારા રાજ્યના રોકાણ સેન્ટિમેન્ટમાં સુધારો કરવા નાના મોટા મૂંઝવતા અનેક પ્રશ્નોનો સમયસર ઉકેલ જરૂરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪ : ગત તા.૨૧/૩ શુક્રવારના રોજ ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતના વિવિધ ઔદ્યોગિક સંગઠનો અને માનનીય મુખ્યમંત્રીશ્રી વચ્ચે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને રાજ્યના રોકાણ માટે વધુ સાનુકૂળ વાતાવરણ ઊભું કરવા માટે સંવાદનું આયોજન મહાત્મામંદિર ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું.
આ સંદર્ભે ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડ્રસ્ટ્રીઝ એસો. (ફોકિઆ) દ્વારા મુખ્યત્વે કચ્છના લેન્ડ રેવન્યુના પ્રશ્નો જેવા કે મ્યુટેશન ઓફ એન્ટ્રીઝ, ઉદ્યોગો માટેની જમીનની ખરીદી, હેતુફેર જમીન માપણી વધારો, ટ્રસ્ટની માલિકીની જમીનો, જંત્રી દર તર્કસંગત કરવા અંગ, જમીનો અંગેની અપીલો અને સુનાવણી, મીઠા માટેની જમીનો પર કોઈ વેરા ન લેવા અંગે, જમીનને લગતા કાયદાઓમાં સુધારાત્મક ફેરફારો, ગણોત ધારાના કાયદામાં સુધારાત્મક ફેરફારો, NA થયેલ જમીનના કિસ્સામાં મર્જર, ફેરફાર માટે લેવા માં આવતા ૧૦% પ્રીમિયમ અંગે કંપની થી કંપનીને થતા વેચાણ, સિવિલ કોર્ટમાં કેસ ચાલતો હોય તેવા કિસ્સામાં NA પરવાનગી, પ્રતિબંધિત પ્રકારની જમીનના એક્સચેન્જ બાબત, મંદિરની જાળવણી માટેની જમીન, ભૂમિદાનની જમીન, એપ્રોચ રોડ ન હોવાથી લેઆઉટ મંજૂરી માટે પડતી મુશ્કેલી, કલમ ૮૯ માટે ઓનલાઇનમાં સુધારો કરવા બાબત, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે કલમ ૮૯ની મુદત ગણવા અંગે, પ્રોજેક્ટ વચ્ચે આવતા સીમામાર્ગ, ગાડામાર્ગ ડાયવર્ઝન બાબત, NA પરવાનગીની પ્રક્રિયા ઝડપી બનાવવા બાબત જેવી જમીનને લગતી બાબતો અંગે રજૂઆત કરી હતી. ફોકિઆએ કચ્છના લેન્ડ રેવેન્યુના પ્રશ્નો, રાજયના અન્ય વિસ્તારો કરતા અલગ હોવાથી, તેની વહીવટી રીતે વિશેષ પ્રકારે માવજત લેવામાં આવે તો કચ્છ અને રાજ્યના ઔદ્યોગીકરણને વધુ વેગ મળે તેવું સૂચન કર્યું હતું. ફોકિઆએ કોમ્પ્રિહેન્સીવ GDCR - ૨૦૧૭ ને અપડેટ કરીને ઔદ્યોગિક બાંધકામ માટેની ઊંચાઈ અને FSI વધારી, ૧.૨ માંથી ૨.૨૫ કરવાની માંગણી કરી હતી. આ ઉપરાંત કચ્છમાં વધતા ઔદ્યોગિકરણ સાથે પાણીની સતત વધતી માંગ અંગે ધ્યાન દોરી, કચ્છના હયાત અને આવનારા ઉદ્યોગોને સાતત્યરૂપે પૂરતો પાણીનો પુરવઠો મળી રહે તે માટે ૧૫૦ MLD ડીસીલેશન પ્લાન્ટની કાર્યવાહી ઝડપી બનાવવા માટે રજૂઆત કરી હતી. હાલમાં સમગ્ર કચ્છના વિવિધ વિસ્તારોમાં ઔદ્યોગિક ક્લસ્ટર કાર્યરત છે. આ બધા ઔદ્યોગિક ક્લસ્ટર સુધી પાણી પહોંચાડવા માટે પાણી વિતરણ નું માળખાનું વિસ્તરણ કરવું, ઘડુલી-સાતલપુર રોડને સમાંતર ૩૦૦ MLDની પાણીની પાઇપલાઇન નાખવા માટે પણ સૂચન કર્યું હતું. ફોકીઆએ નવા યુનિટ અને વિસ્તરણ માટે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી માફીની ગણતરીની પદ્ધતિને યોગ્ય બનાવવાની, જેથી નવા એકમોને આ માફીનો પૂરેપૂરો લાભ મળે. સમગ્ર ગુજરાતની ત્રીજા ભાગી ની માઇનિંગ લીઝ કચ્છમાં હોવાથી, માઈનીંગમાં એન્વાયરમેન્ટ ક્લિયરન્સ(EC) ના મુદ્દે યોગ્ય કરી, ખાણ ખનીજ ગતિવિધને વેગ આપવા રજૂઆત કરી હતી. કચ્છમાં પુષ્કળ પ્રમાણમાં બોકસાઈટ ધરબાયેલો હોઈ, સરકારી જમીનોની નિલામી કરી બોકસાઇટ ખનની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું જોઈએ. ખાણ-ખનીજની ગતિવિધિઓને વેગ આપવા માટે, રાજ્ય સ્તરે પ્રોજેક્ટ મોનિટરીંગ સેલ સ્થાપી, ખનનની પ્રવૃત્તિઓને વેગ આપવા રજૂઆત કરી હતી. માનનીય મુખ્યમંત્રીશ્રી એ સમગ્ર પ્રશ્નો સધ્યાનપૂર્વક સાંભળ્યા હતા અને તેમના પ્રત્યુત્તરમાં EC ના પ્રશ્ને ઝડપથી સર્વ માન્ય ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. આ સંવાદમાં ફોકઆ પ્રતિનિધિ મંડળનાં મેનેજિંગ ડિરેક્ટર શ્રી નિમિશ ફડકે, અદાણી ગ્રીનના શ્રી અભિલાષ મહેતા, આશાપુરા ના શ્રી હેમુલ શાહ અને ગુજરાત હેવી કેમિકલ્સના શ્રી રાવ એ ફોકીઆ વતી ભાગ લીધો હતો.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
