<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

વિશ્વ ટીબી દિવસ : ગુજરાત ટીબી નાબૂદીમાં અગ્રેસર, નીતિ આયોગના ૯૫% લક્ષ્ય હાંસલ

૨૦૨૪માં ૧.૩૭ લાખ દર્દીઓની નોંધણી, રૂ.૪૩.૯ કરોડની સહાય સાથે ૧૦૦ દિવસીય અભિયાનમાં સફળતા

 

ગાંધીનગર, તા.૨૪ : ૨૦૨૫ સુધીમાં ભારતને ટીબી મુક્‍ત બનાવવાના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના સંકલ્‍પને સાકાર કરવામાં ગુજરાતે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતળત્‍વમાં રાજ્‍ય સરકારે નીતિ આયોગના ટીબી નાબૂદી લક્ષ્યના ૯૫% પૂર્ણ કર્યા છે. વર્ષ ૨૦૨૪માં રાજ્‍યમાં ૧,૩૭,૯૨૯ ટીબી દર્દીઓની ઓળખ અને નોંધણી થઈ, જે ૧,૪૫,૦૦૦ના લક્ષ્યાંકની નજીક છે. આ સાથે ૧,૩૧,૫૦૧ દર્દીઓને સારવાર મળી, જેમાંથી ૧,૨૪,૫૮૧ દર્દીઓની સારવાર સફળતાપૂર્વક પૂર્ણ થઈ, એટલે કે સારવાર પૂર્ણતા દર ૯૧% રહ્યો. 

રાજ્‍ય સરકારે નિક્ષય પોષણ યોજના હેઠળ ૧,૧૮,૯૮૪ દર્દીઓને રૂ.૪૩.૯ કરોડની આર્થિક સહાય પૂરી પાડી, જેમાં દર્દી દીઠ રૂ.૫૦૦ની મદદ આપવામાં આવી. કેન્‍દ્ર સરકારે ૧ નવેમ્‍બર, ૨૦૨૪થી આ સહાય રૂ.૧૦૦૦ કરી છે. આ ઉપરાંત, ૧૦,૬૮૨ નિક્ષય મિત્રોના સહયોગથી ૩,૪૯,૫૩૪ પોષણ કિટનું વિતરણ થયું, જેના કારણે ગુજરાત દેશમાં ટોચનું પ્રદર્શન કરનાર રાજ્‍ય બન્‍યું.

ભારત સરકારના ૧૦૦ દિવસીય સઘન ટીબી નાબૂદી અભિયાનમાં પણ ગુજરાત અગ્રેસર રહ્યું. ૭ ડિસેમ્‍બર, ૨૦૨૪થી શરૂ થયેલા આ અભિયાનમાં ૨૦ માર્ચ, ૨૦૨૫ સુધીમાં ૩૫.૭૫ લાખ લોકોનું પરીક્ષણ થયું, જેમાં ૧૬,૭૫૮ નવા દર્દીઓ શોધાયા અને તેમની સારવાર શરૂ થઈ. આ અભિયાન ૧૬ જિલ્લાઓ અને ૪ મહાનગરપાલિકાઓમાં ચાલી રહ્યું છે. 

ટીબી દર્દીઓને વધુ સારી સુવિધા મળે તે માટે ગુજરાત સરકારે ૬ માર્ચ, ૨૦૨૫ના રોજ લાયન્‍સ ક્‍લબ્‍સ ઇન્‍ટરનેશનલ સાથે એમઓયુ કર્યો. આ હેઠળ દર્દીઓને દત્તક લઈ પોષણ કિટ આપવામાં આવશે, જેથી રિકવરી દરમાં સુધારો થાય. ગુજરાતના આ પ્રયાસો ટીબી મુક્‍ત ભારતના સપનાને સાકાર કરવામાં મહત્‍વની ભૂમિકા ભજવી રહ્યા છે.(

(6:25 PM IST)