<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એકવેટીક ક્લસ્ટર ચેમ્પિયનશિપનો ગુજરાતમાં પ્રારંભ : પોલીસ વડા વિકાસ સહાયે કરવી શરૂઆત

રાજ્યો વચ્ચે એકતા માટે ખેલકૂદ મહત્વનું : ૭૦૪ સ્પર્ધકો સાથે ગાંધીનગરમાં ભવ્ય શરૂઆત

ગાંધીનગર : ગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ રહેલી ૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એકવેટીક ક્લસ્ટર ચેમ્પિયનશિપનો પ્રારંભ આજે ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, ગાંધીનગર ખાતે કરાવ્યો. આ સ્પર્ધામાં દેશભરના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૭૦૪ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે.  


આ પ્રસંગે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ તરફથી તમામ સ્પર્ધકોનું સ્વાગત કરતાં શ્રી વિકાસ સહાયે જણાવ્યું, "મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલની આ ભૂમિ પર આ સ્પર્ધાનું આયોજન થવું ગૌરવની વાત છે. ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનો આભાર માનું છું." તેમણે ઉમેર્યું, "દેશ અને રાજ્યની આંતરિક સુરક્ષામાં પોલીસ દળોનું યોગદાન અજોડ છે. રાજ્યો વચ્ચે એકતાની ભાવના વધારવામાં ખેલકૂદ શક્તિશાળી માધ્યમ છે અને યુનિફોર્મ સર્વિસમાં તેને હંમેશા પ્રાધાન્ય આપવામાં આવે છે."  


આ સ્પર્ધાનું આયોજન ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે, જેમાં રમતોને ક્લસ્ટરમાં વહેંચી વિવિધ રાજ્યોમાં યોજાય છે. આ વખતે એકવેટીક ક્લસ્ટરની યજમાની ગુજરાતને સોંપાઈ છે, જેનું સંચાલન સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ગુજરાત યુનિટ કરી રહ્યું છે.  


સ્પર્ધામાં આંદામાન નિકોબાર, આંધ્રપ્રદેશ, આસામ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત ૨૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ દળો તેમજ CISF, CRPF, ITBP, NDRF, SSB, રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનો સામેલ છે.  


આ ઉદ્ઘાટન સમારોહમાં CRPFના સ્પેશિયલ ડીજીપી શ્રી વિતુલકુમાર, એડિશનલ ડીજીપી શ્રી રવિદીપ સિંઘ શાહી, IBના એડિશનલ ડીજીપી શ્રી રાજીવ આહીર, ગુજરાતના એડિશનલ ડીજીપી શ્રી રાજુ ભાર્ગવ, વેસ્ટર્ન સેક્ટર CRPFના શ્રી વિરેન્દ્ર અગ્રવાલ સહિત અનેક મહાનુભાવો અને સ્પર્ધકો હાજર રહ્યા હતા.

 

(6:21 PM IST)