News of Monday, 24th March 2025
રાજ્યના ખૂણે ખૂણે સિંચાઈ અને પીવાનું પાણી પહોંચાડવાના પ્રયત્નોના પરિણામે દુષ્કાળ આજે ભૂતકાળ બની ગયો - જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયા
ગુજરાતે પાંચમા ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર’માં ત્રીજું સ્થાન મેળવ્યું : નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટેનું રૂ. ૧૭,૩૬૪ કરોડનું બજેટ વિધાનસભામાં મંજૂર

ગાંધીનગર, 24 માર્ચ 2025 : ગુજરાત વિધાનસભામાં નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની વર્ષ ૨૦૨૫-૨૬ માટેની રૂ. ૧૭,૩૬૪.૧૬ કરોડની અંદાજપત્રીય માંગણીઓ પસાર થઈ. આ પ્રસંગે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું, "રાજ્યના ખૂણે ખૂણે સિંચાઈ અને પીવાનું પાણી પહોંચાડવાના પ્રયત્નોના પરિણામે દુષ્કાળ આજે ભૂતકાળ બની ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદર્શી નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ ગુજરાત ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવા આગળ વધી રહ્યું છે."
જળસંચય અને રાજ્યની સિદ્ધિઓ:
મંત્રી કુંવરજીભાઇએ જણાવ્યું કે, ગુજરાતે જળસંચય અને વ્યવસ્થાપનમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. ‘સુજલામ્ સુફલામ્’, ‘સૌની’, ‘અટલ ભૂજલ’ જેવી યોજનાઓએ રાજ્યના પાણીના માળખાને સુદૃઢ કર્યું છે. ગુજરાતે પાંચમા ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર’માં ત્રીજું સ્થાન મેળવ્યું, જે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે એનાયત થયું. રાજ્યમાં ૬,૫૦૦ ગ્રામ પંચાયતો અને ૩૬૩ જૂથ યોજનાઓ હેઠળના ૨,૦૦૦ હેડવર્ક્સનું વોટર ઓડિટ પૂર્ણ કરીને ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
સિંચાઈ માટેની મહત્વાકાંક્ષી યોજનાઓ:
સૌરાષ્ટ્ર:
‘સૌની યોજના’ હેઠળ નર્મદાના પૂરના ૧ મિલિયન એકર ફીટ પાણીથી સૌરાષ્ટ્રના ૧૧૫ જળાશયો જોડાયા છે. ફેઝ-૧ અને ફેઝ-૨ પૂર્ણ થયા છે, જ્યારે ફેઝ-૩ પૂર્ણતાને આરે છે. આનાથી ૮,૨૫,૦૦૦ એકર વિસ્તારને સિંચાઈ લાભ મળશે.
- રાજકોટ : વિંછીયા અને ધારી જળાશયોને રૂ. ૧૮૧ કરોડના ખર્ચે જોડવાની કામગીરી પ્રગતિમાં છે, જેનાથી ૬,૦૦૦ હેક્ટરને લાભ મળશે.
- સુરેન્દ્રનગર : ૪૫ ગામો માટે રૂ. ૨૯૩ કરોડની યોજનાથી ૩,૦૫૫ હેક્ટરને સિંચાઈ લાભ મળશે.
- મોરબી : હળવદના ૧૧ ગામો માટે રૂ. ૫૪.૫૪ કરોડની કામગીરીથી ૪૦૫ હેક્ટરને લાભ થશે.
- ૨૦૨૫-૨૬ માટે સૌની યોજના માટે રૂ. ૮૧૩ કરોડ, ક્ષાર પ્રવેશ નિવારણ માટે રૂ. ૮૫ કરોડ, ૧૦૦ ચેકડેમ માટે રૂ. ૧૩૧ કરોડ અને ૪ વિયર માટે રૂ. ૧૦૩ કરોડની જોગવાઈ કરાઈ છે.
ઉત્તર ગુજરાત:
બનાસકાંઠામાં નર્મદાના પાણીથી વંચિત થરાદ, ધાનેરા, ડીસા, દિયોદર, લાખણી અને કાંકરેજ તાલુકાઓ માટે રૂ. ૨,૨૧૩ કરોડની બે પાઈપલાઈન યોજનાઓથી ૩૨,૦૦૦ હેક્ટરને લાભ મળશે. વડગામના કરમાવત તળાવ માટે રૂ. ૬૫૦ કરોડની કામગીરી પ્રગતિમાં છે. સાબરમતી નદી પર ૧૪ બેરેજની યોજનામાંથી ૫ પૂર્ણ થયા, જ્યારે ગાંધીનગર અને મહેસાણામાં રૂ. ૪૦૦ કરોડના બેરેજનું કામ ચાલુ છે. ધરોઈ બંધને પ્રવાસન સ્થળ બનાવવા રૂ. ૨૫૦ કરોડ ફાળવાયા.
કચ્છ:
નર્મદાના ૧ મિલિયન એકર ફીટ પાણીથી ૭૯ ડેમોને જોડવાની રૂ. ૬,૪૨૪ કરોડની કામગીરી પ્રગતિમાં છે, જેનાથી ૧,૭૨,૪૧૧ હેક્ટરને લાભ થશે. ‘અટલ ભૂજલ યોજના’ હેઠળ રૂ. ૬૮ કરોડની જોગવાઈ કરાઈ.
મધ્ય ગુજરાત:
મહી નદી પર પોઈચા વિયર માટે રૂ. ૧૦૦ કરોડ અને વણાકબોરી વિયર આધારિત યોજના માટે રૂ. ૨૦૫.૫૭ કરોડની જોગવાઈ. વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર નિયંત્રણ માટે રૂ. ૨,૭૫૦ કરોડની કામગીરી શરૂ.
દક્ષિણ ગુજરાત:
નવસારીમાં વાઘરેજ ટાઈડલ રેગ્યુલેટર માટે રૂ. ૩૨ કરોડ અને પૂર્ણા ટાઈડલ રેગ્યુલેટર માટે રૂ. ૩૬ કરોડની જોગવાઈ. આદિવાસી વિસ્તારમાં ૧૮ ઉદ્વહન સિંચાઈ યોજનાઓ માટે રૂ. ૫,૪૩૬ કરોડનું આયોજન, જેમાંથી ૯ પૂર્ણ થઈ.
પીવાના પાણીની સુવિધા:
રાજ્યના ૧૮,૧૫૨ ગામોમાંથી ૧૫,૬૮૭ ગામો અને ૨૫૧ શહેરો નર્મદા આધારિત પાણી પુરવઠા ગ્રીડથી જોડાયા, જે ૪.૩૬ કરોડ લોકોને દૈનિક ૩,૨૦૦ મિલિયન લીટર પાણી પૂરું પાડે છે. ‘જલ જીવન મિશન’ હેઠળ ૯૧ લાખથી વધુ ઘરોમાં નળ જોડાણની કામગીરી ચાલે છે. આદિવાસી વિસ્તારના ૪,૬૧૬ ગામો માટે રૂ. ૫,૮૪૫ કરોડની ૧૦૪ યોજનાઓ પ્રગતિમાં છે. પાણીની સમસ્યાઓ માટે ૧૯૧૬ હેલ્પલાઈન કાર્યરત છે.
નવી પહેલ અને ટેકનોલોજી:
‘સુજલામ્ સુફલામ્ જળ અભિયાન ૨.૦ – કેચ ધી રેઈન’ શરૂ થશે, જેમાં ધારાસભ્યો ૧૦ લાખની મર્યાદામાં ૪ કામો સૂચવી શકશે. ગટરના પાણીના પુનઃઉપયોગ માટે ૮૨૯ મિલિયન લીટર દૈનિક ક્ષમતાના ૮ પ્રોજેક્ટ પૂર્ણ થયા. ડિસેલિનેશન પ્લાન્ટ્સ દ્વારા ૨૭ કરોડ લીટર પીવાલાયક પાણી પૂરું પાડવાની કામગીરી ચાલે છે. પાણીની ગુણવત્તા ચકાસણી માટે ૧૦ નવી લેબોરેટરીઓ સ્થપાશે.
બજેટ જોગવાઈ:
- જલ જીવન મિશન: રૂ. ૨,૨૩૯.૦૮ કરોડ
- ગ્રામ્ય પાણી પુરવઠા: રૂ. ૧,૯૧૧.૯૦ કરોડ
- નર્મદા કેનાલ આધારિત યોજના: રૂ. ૯૫૦ કરોડ
- ડેમ સેફટી: રૂ. ૫૦૧ કરોડ
- સિંચાઈ માળખું: રૂ. ૧,૫૨૨ કરોડ
મંત્રી કુંવરજીભાઇએ ભારપૂર્વક જણાવ્યું કે, “ગુજરાતનો વિકાસ શહેરો સુધી સીમિત નથી, પરંતુ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે. આજે રાજ્ય વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.”
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
