<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

અમદાવાદમાં રોંગ સાઈડ વાહન ચલાવશો તો લોકઅપ ભેગા થશો :ટ્રાફિક પોલીસે અનેક સામે ગુન્હા દાખલ કર્યા

રોંગ સાઈડ વાહન ચલાવતા ચાલકોને પકડી દંડ આપવાની કાર્યવાહી બાદ હવે ટ્રાફિક પોલીસ આવા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી રહી છે

ગુજરાત હાઈકોર્ટની સૂચના બાદ અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં રોંગ સાઈડમાં વાહન ચલાવતા ચાલકો સામે ટ્રાફિક પોલીસે ગુના દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધીમાં રોંગ સાઈડ વાહન ચલાવતા ચાલકોને પકડી દંડ આપવાની કાર્યવાહી ટ્રાફિક પોલીસ દ્વારા કરાતી હતી, ત્યારે હવે આ પ્રકારનાં કિસ્સામાં વાહન ચાલક સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી રહી છે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે છેલ્લાં 2 દિવસમાં આ પ્રકારનાં રોંગ સાઈડ વાહન ચલાવતા 112 વાહન ચાલકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, રોંગ સાઈડ વાહન ચલાવવાથી વાહન ચાલક અને રોડ પર પસાર થતા અન્ય વાહન ચાલકોનાં જીવ જોખમમાં મુકાય છે, જેથી ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને રોંગ સાઈડમાં વાહનો ન ચલાવવા અપીલ કરી છે.

  અમદાવાદમાં વધતાં જતાં અકસ્માતના કારણે હાઇકોર્ટ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને ટકોર કરી હતી. જે મામલે અમદાવાદ શહેર પોલીસ એક્શનમાં આવી ગઇ છે અને રોંગ સાઇડમાં વાહન ચલાવનાર સામે સખત કાર્યવાહી કરવાનું જાણે મન બનાવી લીધું છે. 

(7:21 PM IST)