<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

છોટાઉદેપુરમાં ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ બનાવવામાં આવશે

ખેડૂતોની સમસ્યાનો આવશે અંતઃઆ નવીન ટેકનોલોજીથી વર્ષો જૂની પાણીની સમસ્યાનો અંત આવશે અને વિસ્તાર ગ્રીન ઝોન બનશે

છોટાઉદેપુર,તા.૨૪

બોડેલી તાલુકાના ખેડૂતો લાંબા સમયથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. હવે, ૧૦૦ કરોડના ખર્ચે, હિરણ નદી પર ગુજરાતનો પ્રથમ રબર ડેમ બનવા જઈ રહ્યો છે. આ ડેમ બોડેલીના ૬૦ ગામોને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડશે. આ નવીન ટેકનોલોજીથી વર્ષો જૂની પાણીની સમસ્યાનો અંત આવશે અને વિસ્તાર ગ્રીન ઝોન બનશે.

બોડેલી તાલુકો રેડ ઝોન વિસ્તાર તરીકે ઓળખાય છે કારણ કે ચોમાસું પૂર્ણ થતા જ જળસ્તર નીચે જતા પાણીની સમસ્યા ખૂબ વિકટ બનતી હોય છે. પરંતુ હવે આ વિસ્તાર ટૂંક સમયમાં ગ્રીન ઝોન ગણાશે. કારણે કે હિરન નદી પર રાજ્યના પ્રથમ રબર ડેમનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જે માટે રાજ્ય સરકારે ૧૦૦ કરોડ ફાળવ્યા છે. ૧૯૫૮માં અહીં આડ ડેમ બનાવ્યો હતો જે બાદ જળસ્તર જળવાયા હતા. પરંતુ રેતી અને કાંપ આવતા મેન્ટેનન્સને અભાવે ડેમના દરવાજા જામ થયા. જોકે હવે રબર ડેમની મંજૂરી મળતા ખેડૂતોએ સરકારનો આભાર માન્યો છે. હાલ આ ડેમ બનાવવા માટે એજન્સીની નિમણૂક કરી વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. રાજવાસણા ખાતે હિરણ નદી ઉપર બે ફેઝમાં કામ કરાશે. ચોમાસા દરમિયાન પાણી અને કાંપ કાઢવા માટે રબર ડેમમાંથી હવા કાઢી નાખવામાં આવશે. ચોમાસાના અંતે પાણી સંગ્રહ માટે ફરી હવા ભરવામાં આવશે. આ નવીન ટેકનોલોજીથી પંથકના ૬૦ ગામને પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહેશે.

 

(9:22 PM IST)